શૉ જ્યૉર્જ બર્નાર્ડ (. 26 જુલાઈ 1856, ડબ્લિન, આયર્લૅન્ડ; . 2 નવેમ્બર 1950, હર્ટફૉર્ડશાયર) : આયરિશ નાટ્યલેખક, વિવેચક, સમાજવાદી વિચારસરણીના પ્રવક્તા અને 20મી સદીના અગ્રણી વિચારક. 1925માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા, પણ તેમણે ઇનામની રોકડ રકમનો અસ્વીકાર કરેલો. જ્યૉર્જ બર્નાર્ડ શૉને મુક્ત ચિંતક, મહિલા-અધિકારોના પુરસ્કર્તા અને સમાજમાં આર્થિક સમાનતાના હિમાયતી તરીકે ઓળખવામાં આવે છે. જ્યૉર્જ બર્નાર્ડ શૉના પિતા જ્યૉર્જ કાર શૉ અનાજના વેપારી અને માતા એલિઝાબેથ જમીનદારનાં દીકરી, પતિથી 16 વર્ષ વયમાં નાનાં. પિતા શરાબી હતા. કુટુંબ આર્થિક સંકડામણમાં. તેમનું ઉદાહરણ જોઈને શૉ શરાબની લતથી જીવનભર દૂર રહેલા. 1885માં જ્યૉર્જ કાર શૉનું નિધન થયું ત્યારે પત્ની અને બાળકો તેમની સ્મશાનયાત્રામાં જોડાયેલાં નહિ. માતા એલિઝાબેથ અવારનવાર લંડનમાં સંગીત અને નૃત્ય શીખવવા જતાં. બાળકો નોકરોના હાથે ઊછરેલાં. શૉએ શાળાનું શિક્ષણ ડબ્લિનમાં પૂરું કરીને જુનિયર ક્લાર્ક તરીકે નોકરી લઈ લીધી. થોડા વખત બાદ તે પોતાની માતા અને બહેનો સાથે રહેવા લંડન ગયા અને ત્રીસ વરસ સુધી વતન પાછા ફર્યા જ નહિ.

જ્યૉર્જ બર્નાર્ડ શૉ

લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમમાં બે વરસના અભ્યાસ બાદ શૉએ સંગીત અને નાટ્યવિવેચનના કાર્ય સાથે પોતાની સાહિત્યિક કારકિર્દીની શરૂઆત કરી. પ્રારંભમાં નવલકથાઓ પણ લખી, પણ ઝાઝી સફળતા ન સાંપડી. સંપૂર્ણ શાકાહારી શૉ 1884માં ફેબિયન સોસાયટીના સભ્ય બન્યા અને 1885થી 1911 તેની કારોબારીમાં તેમણે કામ કર્યું. ફેબિયન સોસાયટી એ મધ્યમવર્ગના સમાજવાદી લોકોનું સંગઠન હતું. એચ. જી. વેલ્સ પણ તેનાથી આકર્ષાયેલા. 1901માં શૉએ ‘થ્રી પ્લેઝ ફૉર ધ પ્યુરિટન્સ’ની નકલ વેલ્સને મોકલી ત્યારે પ્રતિભાવમાં વેલ્સે શૉને જણાવ્યું : ‘મારી દૃષ્ટિએ, હવે, ઑસ્કર વાઇલ્ડના નિધન પછી તમે જ એકમાત્ર નાટ્યલેખક છો.’ શૉ હંમેશને માટે ખાનગી મિલકત-નાબૂદી, મતદાનપદ્ધતિમાં સુધારણા, અંગ્રેજી જોડણીમાં સરળતા  એવા વિવિધ મુદ્દાઓને લઈ ઝૂઝતા રહ્યા. ઇંગ્લૅન્ડમાં તે જમાનાના અત્યંત તેજસ્વી વક્તા તરીકે તેમની ખ્યાતિ હતી. 1895માં શૉ ‘સેટરડે રિવ્યૂ’માં નાટ્યવિવેચક તરીકે જોડાયા. સંગીત, કલા, નાટક વગેરેના તેમના લેખો ‘ડ્રામૅટિક રિવ્યૂ’ (1885-86), ‘અવર કૉર્નર’ (1885-86), ‘ધ પૉલ મૉલ ગૅઝેટ’ (1885-88), ‘ધ વર્લ્ડ’ (1886-94), ‘ધ સ્ટાર’ (1888-90) વગેરેમાં પ્રસિદ્ધ થયા. એક વાર તેમને બૂટની દોરી ચુસ્ત બાંધવાને કારણે પગમાં એવું દર્દ થયું કે શસ્ત્રક્રિયા કરવી પડી અને 18 મહિના ખાટલાવશ રહેવું પડ્યું. તે દરમિયાનમાં શૉએ ‘સીઝર અને ક્લિયોપેટ્રા’ અને ‘ધ પરફેક્ટ વેગ્નેરાઇટ’ નાટકો લખ્યાં. શૉ 1898માં શાર્લોટી પેઇન નામની ધનાઢ્ય બાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. પેટ્રિક કૅમ્પબેલ નામની વિધવા અભિનેત્રી સાથે તેમનો ઊર્મિસભર પત્રવ્યવહાર ચાલુ રહ્યો. તેમણે તેમના નાટકમાં આવતી એલિઝાનો પાઠ ભજવેલો. નૉર્વેજિયન નાટ્યકાર હેન્રિક ઇબ્સનની અસર નીચે શૉનું ચિંતન પાંગરેલું. જ્યૉર્જ બર્નાર્ડ શૉનાં નાટકોને ચિંતનપ્રધાન નાટકો ગણવામાં આવે છે. પોતાના શરૂઆતના નાટક ‘વિડોઅર્સ હાઉસિઝ’(1892)માં ઝૂંપડપટ્ટી-વિસ્તારના મકાનમાલિકોની આકરી ટીકા છે; ‘કૅન્ડિડા’ નામના પ્રહસનમાં એક નિર્બળ કવિ એક પાદરીની પત્નીને શુષ્ક કુટુંબજીવનથી છુટકારો અપાવવા પ્રયત્ન કરે છે તેની કથા છે. શૉની નાટ્યકાર તરીકેની પ્રતિષ્ઠા  તેમના ‘જ્હૉન બુલ્સ અધર આયર્લૅન્ડ’(1904)ના પ્રકાશન પછી બંધાઈ. 1904થી 1907 વચ્ચે ધ રૉયલ કૉર્ટ થિયેટરે તેમનાં ‘કૅન્ડિડા’ સહિત અનેક નાટકો ભજવ્યાં. ‘સેન્ટ જૉન’(1924)ને બર્નાર્ડ શૉની ઉત્તમ નાટ્યકૃતિ માનવામાં આવે છે. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી શૉને આ નાટક પછી મહાન નાટ્યકાર શૅક્સપિયરની બરોબરીના ગણવામાં આવ્યા. જૉનને ‘સેન્ટ’ તરીકે જાહેર કરવાના નિર્ણય બાદ ચાર વર્ષે આ નાટકનું સર્જન થયેલું. શૉનાં ઘણાં નાટકો વ્યક્તિગત સ્વાતંત્ર્ય, સમાજના નિયમો સામે બંડ જેવા વિષયો ઉપરનાં જાણે કે ચિંતનાત્મક સંભાષણ હોય તેવાં છે. દરેક નાટક કોઈ ને કોઈ નવો વિચાર લઈને આવે છે. આ વિચારનું સવિસ્તર વિશ્લેષણ નાટકની પ્રસ્તાવનામાં આપવાની શૉની શૈલી છે. અત્યંત મેધાવી એવા આ નાટ્યકારની વિનોદવૃત્તિને કારણે નાટકો વાચનક્ષમ બને છે. નાટકમાં બુદ્ધિને સ્પર્શ કરે તેવી ઉક્તિઓ ક્યારેક અત્યંત વેધક પ્રકારની જોવા મળે છે. શૉએ પોતાનાં નાટકોમાં પોતાના જમાનાની નૈતિક સમસ્યાઓને વક્રોક્તિઓથી વાચા આપી છે. ચર્ચા અને બૌદ્ધિક કસરત એ શૉનાં નાટકોની કરોડરજ્જુ છે. પોતાના જીવનકાળ દરમિયાન શૉએ 50 જેટલાં નાટકો સર્જ્યાં. 90 વર્ષની જઈફ વય સુધી તેઓ નાટકો લખતા રહ્યા. તેમનું નિધન થતાં તેમની ઇચ્છા મુજબ તેમને અગ્નિદાહ દેવામાં આવ્યો અને તેમની ઇચ્છા મુજબ તેમના દેહની રાખ તેમની પત્નીના દેહની રાખ સાથે ભેળવવામાં આવી. તેમનાં કેટલાંક નાટકો ઉપરથી ‘સેન્ટ જૉન’, ‘હાઉ હી લાઇડ ટુ હર હસબન્ડ ?’, ‘આર્મ્સ ઍન્ડ ધ મૅન’, ‘મેજર બાર્બરા’ અને ‘માય ફેર લેડી’ વગેરે ફિલ્મો પણ બની છે.

પંકજ સોની