શેરશાહનો મકબરો, સાસારામ : મધ્યકાલીન ભારતના સુર વંશ(1540-1555)ની ભવ્ય ઇમારત.
બિહારના સાસારામમાં શેરશાહનો મકબરો કૃત્રિમ જળાશયની વચ્ચે આવેલો છે. રચના અને સજાવટની દૃષ્ટિએ તે ઉત્તર ભારતની નમૂનેદાર ઇમારત ગણાય છે. એનું બાહ્ય સ્વરૂપ મુસ્લિમ છે, જ્યારે આંતરિક રચનામાં સ્તંભો વગેરેની સજાવટમાં તે હિંદુ સ્વરૂપ ધરાવે છે. તેની કુલ ઊંચાઈ 45.7 મીટર છે. તેની રચના ગ્વાલિયરની મુહમ્મદ ઘૌસની કબરને મળતી આવે છે અને લોદી શૈલીને સંપૂર્ણ અને શુદ્ધ સ્વરૂપે વ્યક્ત કરે છે. ત્રણ મજલા ધરાવતા આ મકબરાનું આયોજન (પ્લાન) અષ્ટકોણીય છે. તેનો મધ્યનો મુખ્ય ઘુંમટ વિશાળ છે અને તે આઠ બાજુ ધરાવતા કાંઠલા (drum) પર ટેકવાયેલો છે.
થૉમસ પરમાર