શેરશાહ (. 1486; . 22 મે 1545, કાલિંજર) : સહિષ્ણુ, નિષ્પક્ષ, લોકહિતેચ્છુ અફઘાન શાસક.

ડૉ. આર. સી. મજુમદાર અને ડૉ. પી. શરણના મતાનુસાર તેનો જન્મ ઈ. સ. 1472માં થયો હતો. શેરશાહનું મૂળ નામ ફરીદખાન હતું. તેના પિતા હસનખાન સસારામ, હાજીપુર અને ટંડાના જાગીરદાર હતા. અપરમાતાને લીધે પિતા સાથે સંઘર્ષ થતો હોવાથી ફરીદખાન, તેના પિતાના આશ્રયદાતા જમાલખાનને ઘેર જોનપુર ગયો. ત્યાં અભ્યાસ કરી અરબી અને ફારસી ભાષામાં પારંગત થયો; ‘ગુલિસ્તાં’, ‘બોસ્તાં’ તથા ‘સિકંદરનામા’ કંઠસ્થ કર્યાં અને મહાપુરુષોનાં જીવનચરિત્રોનો અભ્યાસ કર્યો.

શેરશાહની મસ્જિદ, દિલ્હી

દસેક વર્ષના વિયોગ બાદ તેના પિતાએ ફરીદખાનને પોતાની જાગીરનો વહીવટ સોંપ્યો. તેણે જાગીરમાં વહીવટી તથા મહેસૂલી સુધારા કર્યા અને લોકપ્રિય થયો. ત્યાંથી તે ઇબ્રાહીમ લોદીની અને પછી બિહારમાં બિહારખાન લોહાનીની સેવામાં જોડાયો. તે દરમિયાન તેણે સિંહને તલવારના એક જ ઘાથી મારી નાખ્યો. તેથી બિહારખાને તેને ‘શેરખાન’નો ખિતાબ આપ્યો. હવે તે શેરખાન તરીકે ઓળખાવા લાગ્યો.

જોનપુરના ગવર્નર જુનેદ બરલાસની સહાયથી શેરખાન બાબરની સેવામાં પ્રવેશ્યો. ઈ. સ. 1529માં સગીર વયના બિહારના સુલતાન જિલાલખાન વતી તે ત્યાંનો વહીવટ કરવા લાગ્યો અને બિહારનો વાસ્તવિક શાસક બન્યો. તેણે 1530માં લાડમલિકા સાથે શાદી કરીને ચુનારનો કિલ્લો અને અઢળક સંપત્તિ મેળવ્યાં.

શેરખાનના અંકુશથી કંટાળેલા બિહારના સુલતાન જલાલખાને બંગાળના સુલતાન મહમૂદશાહ સાથે સંધિ કરી. શેરખાને તે બંનેના લશ્કરને સૂરજગઢ પાસે 1534માં હરાવી, પોતે બિહારનો શાસક બન્યો. હુમાયૂં ગુજરાતમાં રોકાયેલો હતો ત્યારે, તેણે બંગાળા ઉપર આક્રમણ કર્યું. બંગાળાના નિર્બળ સુલતાને તેને 13 લાખ સોનામહોર અને કેટલોક પ્રદેશ આપી વિદાય કર્યો. શેરખાને 1537માં બીજી વાર આક્રમણ કરી બંગાળાનું પાટનગર ગૌડ કબજે કર્યું.

શેરખાનની સત્તા વધી ગઈ હોવાથી હુમાયૂંએ તેની સામે કૂચ કરી. શેરખાને બંગાળા ખાલી કરવાથી, હુમાયૂંએ તેને પોતાની જીત માની અને ભોગવિલાસમાં પડ્યો. તે દરમિયાન શેરખાને બિહાર તથા જોનપુરના પ્રદેશો કબજે કરીને કનોજ સુધી લૂંટ કરી. હુમાયૂં સચેત થયો અને આગ્રા તરફ કૂચ કરી. માર્ગમાં ચૌસા ખાતે થયેલા ખૂનખાર જંગમાં હુમાયૂંનો સખત પરાજય થયો (1539).

હુમાયૂંને હરાવ્યા બાદ શેરખાને પોતાને સ્વતંત્ર સુલતાન જાહેર કરી, શેરશાહ ઉપનામ ધારણ કરી, પોતાના નામનો ખુતબો વંચાવ્યો અને સિક્કા પડાવ્યા. તેણે 1540માં કનોજના વિગ્રહમાં ફરીવાર હુમાયૂંને હરાવીને નાસી જવાની ફરજ પાડી. તે પછી શેરશાહે દિલ્હી અને આગ્રા પર અંકુશ મેળવ્યો. હુમાયૂંનો પીછો કરતો તે પંજાબ ગયો. તેણે સિંધુ અને જેલમ નદીઓ વચ્ચેનો ગક્કર લોકોનો પ્રદેશ કબજે કર્યો. બંગાળાના બળવાખોર સૂબા ખિઝરખાનને હરાવી, ત્યાં બળવો થાય નહિ તે વાસ્તે બંગાળાને જિલ્લાઓમાં વહેંચી દીધું અને તે દરેક ઉપર એક વહીવટદાર નીમ્યો. તેણે માળવામાં માંડુના રાજા મલ્લુખાન અને રાયસીનના રાજા પૂરણમલને હરાવ્યા. રાજપૂતોએ માળવાની સરહદ બહાર જવાનું કબૂલ્યું છતાં શેરશાહે તેમની કતલ કરી. તે કાર્ય અન્યાયી અને ઘાતકી હતું. તેના સેનાપતિ હૈબતખાને 1543માં પંજાબ અને સિંધ કબજે કર્યાં. મારવાડમાં માલદેવના શક્તિશાળી રાજ્યના સરદારો તેને દગો દઈને શેરશાહને મળી જશે એવા બનાવટી પત્રો શેરશાહે લખાવ્યા. તે પત્રો માલદેવને મળતાં જ તે નાસી ગયો. પ્રદેશ કબજે કરવા ગયેલા અફઘાનોની રાજપૂતોએ કતલ કરી; પરંતુ આખરે શેરશાહે તેનું રાજ્ય મેળવ્યું. તે પછી તેમણે અજમેરથી આબુ સુધીનો પ્રદેશ કબજે કર્યો. આમ સમગ્ર ઉત્તર ભારતનો તે સમ્રાટ બન્યો. આખરે તેણે કાલિંજર ઉપર ચડાઈ કરી; પરંતુ યુદ્ધ દરમિયાન અકસ્માતથી દારૂગાળો સળગી ઊઠતાં તે મૃત્યુ પામ્યો.

તેના સમયમાં સહિષ્ણુ ઇસ્લામી શાસનની ઉષા પ્રગટી. તેણે વહીવટમાં યોગ્યતા મુજબ હોદ્દો આપવાનો નિયમ અપનાવીને ભારતમાં રાષ્ટ્રીય રાજ્યનો પાયો નાખ્યો. તેના શાસનતંત્રમાં પ્રજાકલ્યાણની ભાવનાને પ્રથમ સ્થાન મળ્યું. તે લોકહિતાર્થી નિરંકુશ રાજા હતો. તેણે અગાઉની દિલ્હી સલ્તનતનાં વહીવટી ખાતાંઓ ચાલુ રાખ્યાં હતાં. વહીવટની સુગમતા વાસ્તે તેણે સામ્રાજ્યના 47 વિભાગો પાડ્યા હતા. તે દરેક વિભાગ સરકાર કહેવાતો. તેના પેટાવિભાગને પરગણું કહેતા. વહીવટનો છેલ્લો એકમ ગામડું હતું. તે દરેક વિભાગ પર અધિકારીઓ નીમવામાં આવતા હતા.

શેરશાહના મહેસૂલી સુધારા મહત્વના ગણાય છે. તેણે રાજ્યની બધી જમીનની માપણી કરાવી. માપણી વાસ્તે સિકંદરી ગજનો ઉપયોગ કર્યો હતો. તેનાથી ખેડાણ માટેની જમીનની અધિકૃત માહિતી મળી અને ઊપજ નક્કી કરવામાં આવી. જાગીરદારી પ્રથા નાબૂદ કરીને તેણે ખેડૂતોને અન્યાયમાંથી બચાવ્યા. ખેડૂતો ઉપર જે અમલદારો જુલમ કરે તેમને સજા કરવામાં આવતી. દુષ્કાળ કે કુદરતી આપત્તિઓ દરમિયાન ખેડૂતોને રાહત અને મદદ મળતી.

શેરશાહે વિશાળ સ્થાયી લશ્કરની યોજના કરી હતી. તેની સીધી દેખરેખ હેઠળ 1,50,000નું અશ્વદળ, 25,000નું પાયદળ, 300 હાથી અને તોપખાનાથી સજ્જ લશ્કર હતું. સૈનિકોની નિમણૂક તે જાતે કરતો અને તેમનો પગાર નક્કી કરતો. અશ્વદળમાં ઘોડા બદલી ન શકે તે માટે ડાઘપ્રથા અને સૈનિકોની વિગતો વાસ્તે રજિસ્ટર (હુલિયા) રાખવામાં આવતું. રાજ્યના સંરક્ષણ માટે સરહદ ઉપર કિલ્લાઓ બનાવી તેમાં સૈન્ય રાખવામાં આવતું હતું. તેના લશ્કરમાં હિંદુ-મુસ્લિમનો ભેદભાવ ન હતો. તેનો સરસેનાપતિ બ્રહ્મજિત ગૌર હિંદુ હતો. રાજ્યમાં શાંતિ, સુરક્ષા અને સહીસલામતી માટે તેણે પોલીસ-વ્યવસ્થા પણ કરી હતી. સ્થાનિક ગુનાઓ માટે સ્થાનિક અમલદારોને જવાબદાર ગણીને, તેણે સમગ્ર રાજ્યમાં અપૂર્વ શાંતિ અને સલામતી સ્થાપ્યાં હતાં. તેનો ન્યાય નિષ્પક્ષ હતો. ન્યાયમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેનો ભેદભાવ ન હતો. તેણે પોતાના પુત્રને પણ સજા કરી હોવાનો બનાવ નોંધાયો છે. વેપારના વિકાસને માટે તેણે વિશાળ ધોરી માર્ગો બંધાવ્યા. તેણે રસ્તાની બંને બાજુએ વૃક્ષો રોપાવ્યાં અને અમુક અંતરે ધર્મશાળાઓ બંધાવી. ટપાલ અને જાસૂસી પ્રથાથી તેને દૂરના પ્રદેશોમાં બનતા બનાવોની ઝડપથી ખબર મળતી હતી. પાંચ વર્ષના ટૂંકા સમયમાં, લડાઈમાં રોકાયેલો રહેવા છતાં આવા મહત્વના સુધારા કરી શેરશાહે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન તથા કીર્તિ મેળવ્યાં છે. તેણે એક નાની જાગીરમાંથી વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. તે શૂરવીર સૈનિક અને સફળ સેનાપતિ હતો. લશ્કરની હિલચાલને લીધે ખેડૂતોના પાકને નુકસાન થાય તો તેની કિંમત તરત ચૂકવી દેતો. વિશ્વના ઇતિહાસમાં આવો સેનાપતિ માત્ર શેરશાહ જ હશે ! એક પીઢ મુત્સદ્દીની દીર્ઘ-દૃષ્ટિથી તેણે જોઈ લીધું હતું કે હિંદુઓની વિશાળ બહુમતી ધરાવતા ભારતમાં જો રાજ્ય કરવું હશે તો ઉદાર ધાર્મિક નીતિ અપનાવવી પડશે. આશરે ત્રણ સદી પછી, તેના શાસન દરમિયાન હિંદુઓએ શાંતિ અને સલામતીનો અનુભવ કર્યો.

જયકુમાર ર. શુક્લ