શેરગીલ, અમૃતા (જ. 30 જાન્યુઆરી 1913, બુડાપેસ્ટ, હંગેરી; અ. 6 ડિસેમ્બર 1941, લાહોર, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. અત્યંત નાની ઉંમરે ઉત્કૃષ્ટ ચિત્રસર્જન કરી તેમણે પોતાની કલા દ્વારા અનુગામીઓ પર જબરદસ્ત પ્રભાવ મૂક્યો છે.
મહારાજા રણજિતસિંહની પૌત્રી પ્રિન્સેસ બામ્બા એક યુરોપયાત્રા દરમિયાન એક હંગેરિયન મહિલા મેરી ઍન્તૉનિયેતને મળેલી. એ મહિલાને તે ભારત લઈ આવેલાં. તે મહિલા ઍન્તૉનિયેત 1911માં સિમલામાં રૂપાળા જાગીરદાર શીખ સરદાર ઉમરાવસિંઘ શેરગીલને મળી, બંને એકમેકના પ્રેમમાં પડ્યાં અને તુરત જ પરણી ગયાં. અમૃતસર નજીક ઉમરાવસિંઘની મોટી જાગીર હતી.
શીખ વિરુદ્ધ બ્રિટિશ યુદ્ધમાં ઉમરાવસિંઘના પિતાએ શીખ બંધુઓને દગો દઈ બ્રિટિશરોને સાથ આપેલો. આથી ખુશ થઈને બ્રિટિશ વાઇસરૉયે તેમને ‘રાજા’ના ખિતાબથી નવાજેલા અને તત્કાલીન વિશાળ પંજાબ અને સંયુક્ત પ્રાંત(યુ.પી.)માં મોટી જાગીરો આપેલી. વેપારી બુદ્ધિ ધરાવતા એ જાગીરદારે સંયુક્ત પ્રાંતમાં સરાયા નજીક ખાંડ બનાવતું એક મોટું કારખાનું ઊભું કરેલું. એ જમાનામાં એ કારખાનું ભારતના ખાંડ બનાવતાં કારખાનાંઓમાં સૌથી મોટા કારખાનામાં સમાવેશ પામતું હતું; પરંતુ પુત્ર ઉમરાવસિંઘની રુચિ વિદ્યામાં હતી. તેમણે સંસ્કૃત, ફારસીનો અને ભારતીય ફિલસૂફીનો ઊંડો અભ્યાસ કરેલો. સુથારી વિદ્યા, ફોટોગ્રાફી અને ખગોળશાસ્ત્રનો એમને શોખ હતો. તેઓ પોતાના પિતાએ આચરેલી ગદ્દારી બદલ ક્ષોભ અનુભવતાં હતાં.
લગ્ન પછી તુરત જ ઍન્તૉનિયેત તથા ઉમરાવસિંઘ હંગેરીમાં બુડાપેસ્ટ જઈ વસ્યાં. અહીં જ 1913ની ત્રીસમી જાન્યુઆરીએ અમૃતાનો જન્મ થયો અને તે આઠ વરસની થઈ ત્યાં સુધી 1921 સુધી તેનો ઉછેર ત્યાં થયો. અમૃતાના જન્મના પછીના વર્ષે જ તેની નાની બહેન ઇન્દિરાનો જન્મ થયો. ઉમરાવસિંઘ અને ઍન્તૉનિયેતને તો ભારત આવવું હતું, પણ ફાટી નીકળેલા પ્રથમ વિશ્વયુદ્ધને કારણે 1921 સુધી હંગેરીમાં રોકાવું પડ્યું.
હંગેરીનાં શ્રીમંત કુટુંબોમાં ઍન્તૉનિયેતના પિતાનો આવરોજાવરો હતો. એઓ પોતે પણ શ્રીમંત હતા અને ઊંચા સરકારી હોદ્દા પર હતા. ઍન્તૉનિયેતને પ્રશિષ્ટ યુરોપિયન સંગીતમાં અને તેમાં પણ બીથોવનમાં ખાસ ઊંડી રુચિ હતી. તે સારી પિયાનિસ્ટ હતી. તે ધાર્મિક વૃત્તિ ધરાવતી નહિ છતાં બંને પુત્રીઓને રોમન કૅથલિક સંપ્રદાય અનુસાર બૅપ્ટિઝમ સંસ્કાર આપેલા. એ વધુ પડતી લાગણીશીલ હતી; એને ગમે ત્યારે હતાશાના લાંબા હુમલા પણ આવતા.
ઍન્તૉનિયેત બંને પુત્રીઓને હંગેરિયન પરીકથાઓ અને લોકકથાઓ કહી સંભળાવતાં. અમૃતાએ પાંચ વરસની ઉંમરથી ચિત્રકલામાં ઊંડી દિલચસ્પી દાખવી. એ પેન્સિલ અને જળરંગો વડે કાગળ પર આલેખન કરતી, એણે હંગેરીની મુખ્ય ભાષા ‘મૅગ્યાર’ પર કાબૂ મેળવ્યો. અમૃતા અને ઇન્દિરાને સ્કૂલમાં દાખલ કરેલાં નહિ, એક શિક્ષકે ઘેર આવીને તેમને મૅગ્યાર લખતાં અને વાંચતાં શિખવાડ્યું.
1921માં શેરગીલ પરિવાર ભારતમાં સિમલા ખાતે આવીને વસ્યો. અહીં એક મોટો મહેલ તેમનું નિવાસસ્થાન હતો. ઍન્તૉનિયેતે પોતે અને એક બ્રિટિશ સંગીતકાર દ્વારા બંને પુત્રીઓને પ્રશિષ્ટ યુરોપિયન પ્રણાલિકામાં પિયાનો અને વાયોલિન – એ બે વાદ્યોનું વાદન શિખવાડ્યું. ઉનાળામાં ભારત ખાતેના બ્રિટિશ અફસરો, તેમનાં કુટુંબો, ભારતીય શ્રીમંતો અને રાજાઓ તેમના પરિવાર સાથે લાંબી રજાઓ ગાળવા સિમલા આવી વસતાં. એમનાં મનોરંજન માટે અમૃતા અને ઇન્દિરા સિમલાના ‘ગેઇટી થિયેટર’માં યોજાતાં નાટકોમાં અભિનય કરતાં અને પ્રશિષ્ટ યુરોપિયન સંગીતના જલસાઓમાં પિયાનો તથા વાયોલિન વગાડતાં.
આ દરમિયાન એક બ્રિટિશ લશ્કરી અધિકારી મેજર વિટ્મેર્શ પાસેથી અમૃતાએ ચિત્રકલાના પ્રથમ પાઠ ગ્રહણ કરવા શરૂ કર્યા, પણ પૂર્ણતાના આગ્રહી વિટ્મેર્શ આબેહૂબપણું તાદૃશ થાય ત્યાં સુધી વારંવાર એકનો એક પદાર્થ ફરી ને ફરી ચિતરાવતા હોવાથી અમૃતા ત્રાસી ગયાં. એ શિક્ષકનો ત્યાગ કરી અમૃતાએ નવા ગુરુ શોધ્યા. એમનું નામ હતું બીવેન વેઇટમૅન; એ પણ બ્રિટિશ હતા, પણ અમૃતા તો એમનાથી પણ તુરત જ કંટાળી ગયાં.
1923માં ઍન્તૉનિયેત બંને પુત્રીઓ અમૃતા અને ઇન્દિરાને લઈને ઇટાલી ગયાં. અહીં 1924માં અમૃતા ફ્લૉરેન્સ નગરની કલાશાળા ‘સાન્તા એનુન્ચિયાતા’માં વિદ્યાર્થિની તરીકે દાખલ થયાં; પણ રેનેસાંસ અને બરોકપ્રણાલીઓ અનુસારના અહીંના રૂઢ શિક્ષણથી અમૃતા કંટાળી ગયાં. ઍન્તૉનિયેત બંને પુત્રીઓને લઈને સિમલા પાછાં ફર્યાં અને સિમલામાં બંને પુત્રીઓને કૉન્વેન્ટ સ્કૂલમાં દાખલ કરી.
કૉન્વેન્ટમાં ફરજિયાત ખ્રિસ્તી ધાર્મિક શિક્ષણ અમૃતાને કઠ્યું. એને ચર્ચમાં પગ મૂકવો પણ ગમતો નહિ. પોતે નાસ્તિક છે એમ એમણે જાહેર કર્યું. બધા જ ધાર્મિક આચારવિચાર અને ખાસ તો રોમન કૅથલિક સંપ્રદાયની વિધિઓ ભ્રષ્ટ છે એવા આકરા પ્રહાર કરતો એક કાગળ તેમણે લખ્યો. આ કાગળ મધર સુપીરિયરના હાથમાં આવી ચઢ્યો અને મધરે અમૃતાને કૉન્વેન્ટ સ્કૂલમાંથી પાણીચું પરખાવી દીધું.
પછીનાં પાંચ વરસ અમૃતાએ સિમલામાં વાચન, પિયાનોવાદન તથા ચિત્રકલાના અભ્યાસમાં પસાર કર્યાં. પ્રશિષ્ટ યુરોપિયન સંગીતમાંથી બીથોવન અને શોપાં તેમને પ્રિય હતાં. ધીમે ધીમે તેઓ સિમલામાં સ્થાનિક ભારતીય લોકોના પરિચયમાં આવતાં ગયાં. ભારતીય લોકોનાં વિશિષ્ટ પોશાક, ઉત્સવો, વિધિ અને માન્યતાઓથી તેઓ આકર્ષાતાં ગયાં.
1927માં હંગેરીથી એર્વિન બેક્ટે સિમલા આવ્યા. એ મૂળમાં ચિત્રકાર હતા પણ હાલમાં પૌરસ્ત્ય ધર્મોનો અભ્યાસ કરી રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં એમની ઊંડી દિલચસ્પી હતી. એમની સાથેની અમૃતાની મુલાકાત ફળદાયી નીવડી. જીવંત મૉડલ ઉપરથી ચિત્ર ચીતરવાની પ્રેરણા અમૃતાને એમની પાસેથી જ મળી. સિમલામાં મૉડલ કેવી રીતે શોધવાં તે પ્રશ્ન હોવાથી ઘરના રસોઇયા, આયા, નોકર, ચાકર, પગી, ડ્રાઇવર અને માળી અમૃતા માટે મૉડલ તરીકે કામ કરતાં.
1929માં અમૃતા અને ઇન્દિરાને લઈને માતા ઍન્તૉનિયેત પૅરિસ ગયાં. ત્યાં દોઢ જ મહિનામાં બંને પુત્રીઓએ ફ્રેંચ શીખી લીધું. પછી અમૃતાએ પૅરિસની ખ્યાતનામ કલાશાળા ઇકોલે દ બ્યુ આર્તેમાં વિદ્યાર્થિની તરીકે પ્રવેશ લીધો. અહીં પ્રો. લુચી સિમોં અને પ્રો. પિયેરે વાઇલાં હેઠળ તેમણે ચિત્રકલાની સાધના આરંભી. ખ્યાતનામ સંગીતશાળા ઇકોલે નૉર્માલે દ મ્યુઝિકમાં સાંજે સાંજે તેઓ પિયાનો-વાદન શીખવા પણ જતાં, પણ પછી થાકીને સંગીતના પાઠ લેવા છોડી દીધા.
ઇકોલે દ બ્યુ આર્તેનાં ત્રણ વરસના અભ્યાસ દરમિયાન અમૃતાએ જીવંત મૉડલ ઉપરથી નગ્ન શરીરના આલેખન પર પ્રભુત્વ હાંસલ કર્યું. તેમણે આત્મ-નગ્નચિત્રો (self-nudes) પણ ચીતર્યાં. તૈલરંગો વડે તેમણે કુલ 60થી પણ વધુ ચિત્રો ચીતર્યાં. એમના એક ચિત્ર ‘યંગ ગર્લ્સ’ને ગ્રાન્ડ સેલોં દ તુઇલેરિનો 1933ના વર્ષ માટેનો સુવર્ણચંદ્રક મળ્યો. આ સમયનાં અમૃતાનાં ચિત્રોમાં આલેખાયેલા માનવોના ચહેરા પર શહેરીકરણને પ્રતાપે એકલવાયી અને નીરસ બનતી ગરીબોની જિંદગીની અને નિરાશાની મુદ્રા સ્પષ્ટ જોઈ શકાય છે. આ દરમિયાન અમૃતા પાબ્લો પિકાસોના ‘બ્લૂ પિરિયડ’ નામે ઓળખાતાં ગમગીન અને કરુણ ચિત્રોના પ્રભાવ હેઠળ હતાં. આ સમયે અમૃતા પૅરિસના કાફે અને બારમાં બીજા કલાકારો અને વિચારકો જોડે મોડી રાત સુધી વિહાર કરતાં અને વિચારવિમર્શ કરતાં. માતા ઍન્તૉનિયેતને આ પસંદ પડ્યું નહિ, એમણે ભારતીય ખાનદાનના એક શ્રીમંત યુવક સાથે અમૃતાનો મેળાપ કરાવી આપ્યો અને એમની વાગ્દત્તા બનવા માટે મજબૂર કર્યાં. નાછૂટકે અમૃતા તેમની વાગ્દત્તા બન્યાં તો ખરાં પણ એ યુવકથી તે ત્રાસી ચૂક્યાં હતાં. તેમની સાથે એમનો કોઈ મનમેળ નહોતો. વધારામાં એ યુવકે એમને જનનાંગના એક ગુપ્ત રોગની ભેટ આપી. થાકીને અમૃતાએ એ યુવક સાથેની પોતાની સગાઈ તોડી નાખી અને દાક્તરી સારવાર લઈ ગુપ્ત રોગથી છુટકારો મેળવ્યો. તે પછી યુરોપિયન યુવકો તેમની જિંદગીમાં પ્રવેશ્યા. બે વાર તેઓ ગર્ભવતી બન્યાં અને બંને વાર તેમણે આવી પડનારા માતૃત્વમાંથી મુક્તિ મેળવી લીધી.
1934માં ગ્રાન્ડ સેલોં દ તુઇલેરિએ અમૃતાને એસોસિયેટ સભ્ય બનાવ્યાં. 1935માં એક વરસ માટે એ હંગેરી જઈ આવ્યાં. અહીંની ગ્રામસંસ્કૃતિ તથા લોકસાહિત્ય તરફ અમૃતા ખાસ આકર્ષાયાં. અમૃતાને હવે વાચનમાં ખાસ રુચિ પેદા થઈ. આધુનિક મૅગ્યાર (હંગેરિયન) લેખકો ડેઝો સાઝ્બો અને આન્દ્રે એડી, ઉપરાંત ડી. એચ. લૉરેન્સ, ટૉમસ માન, બૉદલેર, વર્લેઇન, માર્સેલ પ્રુસ્ત, જેમ્સ જૉય્સ અને દૉસ્તૉયેવ્સ્કીની શ્રેષ્ઠ કૃતિઓનું તેમણે પઠન કર્યું.
1935ના અંતમાં અમૃતા ભારતમાં સિમલા પાછા ફર્યાં. સિમલામાં ઉનાળો ગાળવા આવતા ભારતીય શ્રીમંતો અને બ્રિટિશ અધિકારીઓમાં તુરત જ અમૃતાની ખ્યાતિ પ્રસરી. ભારતની વિવિધ રિયાસતોના રાજાઓ, શ્રીમંતો અને બ્રિટિશ અધિકારીઓએ યોજેલી મિજબાનીઓમાં અમૃતાને અચૂક આમંત્રણ મળતું. અમૃતાને ભારતના સામાન્ય નાગરિકોને પોતાનાં ચિત્રોમાં આલેખવા હતા. પરંતુ સિમલામાં તેઓ હંમેશાં શ્રીમંત કે રાજવી પરિવારના ભારતીયો, સનદી અધિકારીઓ અને બ્રિટિશ નાગરિકોથી વીંટળાયેલાં રહેતાં હતાં. એ જ વર્ષે સિમલા આર્ટ સોસાયટીએ અમૃતાને એમના એક ચિત્ર માટે ઇનામ આપ્યું, જે અમૃતાએ પાછું મોકલ્યું હતું.
1935-36માં તેમણે કેટલાંક ઉત્તમ તૈલચિત્રો સર્જ્યાં. તેમાં ભારતની ગરીબીને નિરૂપતાં ચિત્રો ‘મધર ઇન્ડિયા’, ‘ધ સન ફલાવર’ અને ‘ધ બેગર્સ’ તથા પોતાની ત્રણ સહેલીઓને આલેખતું ચિત્ર ‘થ્રી ગર્લ્સ’ સર્જ્યાં. કોઈ પણ જાતનાં ઘરેણાં અને ભારે પોશાકોના ઠાઠ વિના માનવીઓના વાસ્તવિક ચહેરા આલેખવાની પહેલ કરનાર એ પ્રથમ આધુનિક ભારતીય ચિત્રકાર બન્યાં. 1936માં તેમણે બે મહત્વની ચિત્રકૃતિઓ સર્જી : ‘હિલ મૅન’ અને ‘હિલ વિમૅન’. તે બંનેમાં ગ્રામીણ ભારતીયોનું આબેહૂબ દર્શન, ચહેરા પર ધીરગંભીર ભાવ સાથે જોવા મળે છે. આ પ્રકારનાં એમનાં ચિત્રો વેચાયાં નહિ. પૈસા ઊભા કરવા માટે એમણે 1935થી 1938 સુધી ઑર્ડર મુજબ વ્યક્તિચિત્રો ચીતરી આપ્યાં, પણ આ કામમાં એમને આનંદ મળ્યો નહિ.
1936ના નવેમ્બરમાં અમૃતા પહેલી વાર મુંબઈ ગયાં. અહીં તે ભારતીય કલાના વિશ્વવિખ્યાત કલા-ઇતિહાસકાર કાર્લ ખંડાલાવાલાને મળ્યાં. ખંડાલાવાલાને અમૃતાના વ્યક્તિત્વમાં ખૂબ જ રસ પડ્યો અને એ તુરત જ અમૃતાની કલાના આશક તથા પ્રચારક બની ગયા. યુવાન ખંડાલાવાલાએ પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમમાં રહેલા તથા પોતાના અંગત પહાડી અને રાજસ્થાની લઘુચિત્રકલાના શ્રેષ્ઠ સંગ્રહો અમૃતાને બતાવ્યા અને એમાં અમૃતાની રુચિ જાગ્રત કરી. ભારતીય ચિત્રકલાના આ નમૂનાઓના તેજસ્વી રંગોથી અમૃતા ખૂબ પ્રભાવિત થયાં. એ પછી એમણે અજંતા અને ઇલોરાની ગુફાઓની મુલાકાત લીધી. એ ગુફાઓની કલાથી પણ તેઓ અંજાયાં. પછી તેમણે કોચ્ચી, તિરુવનંતપુરમ્, કન્યાકુમારી તથા મદુરાઈની મુલાકાત લીધી. દક્ષિણ ભારતનાં મંદિરોનાં શિલ્પો જોઈ તેઓ અવાક થઈ ગયાં. મટ્ટનચેરીનાં ચિત્રો તથા કથકલી અને ભરતનાટ્યમ્ નૃત્યોથી પણ તેઓ મુગ્ધ થયાં. દક્ષિણ ભારતીય લોકોનાં શરીરનો શ્યામ રંગ તેમને ખૂબ પસંદ પડ્યો. દક્ષિણ ભારતની વિશિષ્ટ વિષુવવૃત્તીય વનસ્પતિઓથી પણ તેઓ આકર્ષાયાં. આ બધા પ્રભાવ હેઠળ મદુરાઈમાં તેમણે કાળીડિબાંગ ત્વચા ધરાવતા દક્ષિણ ભારતીયોનું નિરૂપણ કરતું ચિત્ર ‘ફ્રૂટ વેન્ડર્સ’ ચીતર્યું. સિમલા પાછાં ફરી આ દિશામાં તેમણે આગળ કામ કર્યું અને ત્રણ માસ્ટરપીસ ચીતર્યાં : ‘ધ બ્રાઇડ્ઝ ટૉઇલેટ’, ‘બ્રહ્મચારિઝ’ અને ‘સાઉથ ઇન્ડિયન વિલેજર્સ ગોઇન્ગ ટુ માર્કેટ’.
1938માં અમૃતા સંયુક્ત પ્રાંતમાં સરાયા ખાતેની પોતાના દાદાની જાગીર ઉપર રહેવા ગયાં. ત્યાં તેમણે ત્રણ ઉત્તમ ચિત્રો સર્જ્યાં : ‘એલિફન્ટ્સ બેધિન્ગ ઇન અ ગ્રીન પૂલ’, ‘રેડ ક્લે એલિફન્ટ’ અને ‘ધ વરાન્ડા વિથ રેડ પિલર્સ’. પાછાં સિમલા આવીને તેમણે ત્રણ ચિત્રો ચીતર્યાં : ‘હિલ સાઇડ’, ‘હિલ સીન’ અને ‘વિલેજ સીન’.
હવે અમૃતા પ્રેમમાં પડ્યાં. થોડાં વખત અગાઉ અમૃતા એક ખૂબસૂરત હંગેરિયન યુવકને મળેલાં, પણ અમૃતાના માબાપને તે યુવક નાપસંદ હતો. માબાપની ઇચ્છા ઉવેખીને તે યુવક ડૉ. વિક્ટર એગાનને પરણવા માટે અમૃતા 1938માં હંગેરી ગયાં. લગ્ન કરીને બંને જણ એક વરસ માટે હંગેરીમાં રહ્યાં. ઝીબેજેની નામના ત્યાંના એક નાનકડા ગામમાં બંનેએ ખાસ્સો સમય વ્યતીત કર્યો. અહીં પરંપરાગત લોકચિત્રકારો પણ વસતા હતા. એ લોકકલાકારોની કલામાં અમૃતાને ખૂબ રસ હતો. એ કલાકારોના પ્રમુખ અને નાયક નેતા ઇસ્ત્વાન ઝોની સાથે તેમને ખાસ્સો વિચાર-વિનિમય પણ થયો.
હંગેરીમાં ફાસી અને નાત્ઝી નેતાઓએ માથું ઊંચકતાં 1938ના જૂનમાં અમૃતા પતિ વિક્ટર એગાન સાથે શ્રીલંકા થઈને ભારત પાછી ફરી, મહાબલિપુરમ્ અને મથુરાની યાત્રાઓ કરી. શ્રીલંકાના પોલ્લોન્નારુવા ખાતેનાં પ્રાચીન ભીંતચિત્રો તથા મથુરાના મધ્યયુગીન કુષાણ શિલ્પથી ખાસ આકર્ષાયાં. થોડા મહિના તેઓ સંયુક્ત પ્રાન્ત(હાલના યુ.પી. રાજ્ય)માં સરાયા ખાતેની જાગીર પર રહ્યાં. અહીં તેમણે ત્રણ સુંદર ચિત્રો સર્જ્યાં : ‘ધ એન્શિયન્ટ સ્ટોરીટેલર’, ‘ધ સ્વિન્ગ’ અને ‘એલિફન્ટ્સ પ્રોમિનીડ’.
સરાયામાં અમૃતાએ પોતાના પૈતૃક સગાંઓ અને ઘરની કામવાળી મહિલાઓ સાથે ઘનિષ્ઠ સામાજિક સંબંધો સ્થાપ્યા. ભારતીય મહિલાઓની નજીક જઈ તેમના મનોગતને સમજવાનો તેમનો આ પહેલો પ્રયત્ન હતો. આ સમજની સીધી ફલશ્રુતિ તેમના છેલ્લા ચિત્ર ‘વુમન રેસ્ટિન્ગ ઑન એ ચારપાય’માં જોવા મળે છે. તેમાં ખાટલા પર સૂતેલી સ્ત્રીની અંગભંગિ મનોગતને વાચા આપતી જણાય છે.
સરાયાના ગ્રામીણ વાતાવરણમાં બૌદ્ધિકોનો અભાવ અમૃતાને અને તેમના પતિ વિક્ટરને સાલવા માંડ્યો. તેથી 1941ના સપ્ટેમ્બરમાં બંને લાહોર રહેવા ચાલ્યાં ગયાં. અહીં પ્રસૂતિ દરમિયાન ઊભી થયેલી ગરબડને કારણે અમૃતા માત્ર 29 વરસની કુમળી વયે મૃત્યુ પામ્યાં. એ જ વર્ષે ડિસેમ્બરમાં અમૃતાનાં ચિત્રોનું એક મોટું પશ્ચાદવર્તી (મરણોત્તર) પ્રદર્શન લાહોરમાં યોજાયું. (અમૃતાનું આ પ્રથમ પ્રદર્શન હતું !)
અમૃતાનાં મોટાં ભાગનાં ચિત્રો દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મોડર્ન આર્ટ તથા લાહોરના નૅશનલ મ્યુઝિયમમાં છે. નૅશનલ ગૅલરી ઑવ્ મોડર્ન આર્ટમાં અમૃતાનાં ચિત્રોના કાયમી પ્રદર્શન માટે બે મોટા ખંડ ફાળવવામાં આવ્યા છે.
અત્યંત નાની વયે મૃત્યુ પામનાર અમૃતાએ આધુનિક ભારતીય કલા અને તેમાંયે ખાસ કરીને સ્વાતંત્ર્યોત્તર ભારતીય કલા ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો છે. ઐતિહાસિક અને પૌરાણિક સંદર્ભો વગર માત્ર સામાજિક સંદર્ભો સાથે તેમણે ગ્રામીણ ભારતીય સ્ત્રી અને પુરુષનું વાસ્તવિક ઢબનું આલેખન કરવું શરૂ કર્યું. આલેખિત પાત્રોના ચહેરા પર ભાવ રજૂ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો. પરંપરાગત ભારતીય નારીના આલેખનમાં પણ તેમણે ઘરેણાં, અને મોંઘાં વસ્ત્રોના ઠાઠમાઠનો કદી અતિરેક કર્યો નહિ અને વ્યક્તિત્વના વજૂદ પર ભાર મૂક્યો. કે. કે. હૅબ્બર, બી. પ્રભા, આલમેલકર, નારાયણ શ્રીધર બેન્દ્રે, એમ. એફ. હુસેન, હકુ શાહ, ઊર્મિ પરીખ જેવાં ઘણાં ભારતીય કલાકારોએ અમૃતાએ ચીંધેલા માર્ગ પર ચિત્રસર્જન કર્યું છે.
અમિતાભ મડિયા