શેમ્ઝા, અનવર જલાલ

January, 2006

શેમ્ઝા, અનવર જલાલ (. 1928, સિમલા; . 1985, પાકિસ્તાન) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. 1940માં તેઓ લાહોરની મેયો સ્કૂલ ઑવ્ આર્ટમાં જોડાયા અને 1947માં ત્યાં કલા-અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ 1956થી 1958 સુધી તેમણે લંડનની સ્લેડ સ્કૂલ ઑવ્ આર્ટમાં અભ્યાસ કર્યો. સુલેખનાત્મક (calligraphic) ચિત્રો ચીતરવા માટે શેમ્ઝા જાણીતા છે. તેઓ અરબસ્તાનની કુફી (Kufic) લિપિમાંથી નિપજાવેલી કોણાકાર, અર્ધવર્તુલીય રેખાઓ તથા ટપકાં વડે અવાચ્ય રૈખિક આકારો નિપજાવે છે. આધુનિક ઇસ્લામી અને પાકિસ્તાની કલાસ્વરૂપ નિપજાવવાનો તેમનો સ્પષ્ટ ઇરાદો આ રીતે સ્ફુટ થાય છે. આ માટે તેમણે આધુનિક યુરોપિયન ચિત્રકાર પૉલ રાઇસમાંથી પ્રેરણા લીધેલી.

અમિતાભ મડિયા