શેફર, ઍરી (Scheffer, Ary)

January, 2006

શેફર, ઍરી (Scheffer, Ary) (. 1795, હોલૅન્ડ; . 1858) : ડચ રંગદર્શી ચિત્રકાર. તેમણે તેમનું લગભગ સમગ્ર જીવન ફ્રાંસમાં વિતાવેલું. ફ્રેંચ ચિત્રકારો પ્રુધોં (Prudhon) અને ગુઇરી (Guerin) હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધેલી. એ દરમિયાન સહાધ્યાયી ચિત્રકારો જેરિકો (Gericault) અને દેલાક્રવા(Delacroix)નો પ્રભાવ પણ તેમણે ઝીલ્યો હતો. દેલાક્રવાની માફક શેફરે પણ દાંતે, બાયરન અને ગેટેના સાહિત્યમાંથી લીધેલ વિષયો અને પાત્રોનું કૅન્વાસ પર આલેખન કરવું શરૂ કર્યું.

જીવનના અંત સમયે તેમણે ખ્રિસ્તી ધાર્મિક વિષયોનું આલેખન શરૂ કરેલું. આવું ધાર્મિક ચિત્ર ‘સાન્તા મોનિકા વિથ હર સન સેંટ ઑગસ્ટાઇન’ તેમનું શ્રેષ્ઠ ચિત્ર ગણાય છે. શોપાં અને લિત્ઝ જેવા સંગીતકારોનાં પણ સુંદર વ્યક્તિચિત્રો તેમણે ચીતર્યાં છે.

અમિતાભ મડિયા