શેન્કર, હિન્રીખ (Schenker, Heinrich) [જ. 19 જૂન 1868, વિસ્નિયૉવ્ક્ઝિકી (Wisniowczyki); અ. 14 જાન્યુઆરી 1935, વિયેના, ઑસ્ટ્રિયા] : ઑસ્ટ્રિયન સંગીતશાસ્ત્રી. અઢારમી અને ઓગણીસમી સદીના સંગીતની સૂરાવલિઓ અને ઘાટ-માળખાને લગતી સમજ વિકસાવવામાં શેન્કરનાં સંશોધનો અને સિદ્ધાંતોનો ફાળો રહેલો છે. ઑસ્ટ્રિયન સ્વરનિયોજક ઍન્ટૉન બ્રખ્નર હેઠળ તેણે સ્વરનિયોજક તરીકેની તાલીમ લીધી હતી. કારકિર્દીના પ્રારંભે તે અંગત શિક્ષક તરીકે ટ્યૂશનો પણ આપતો.
આશરે 1650થી 1900 સુધીનાં અઢીસો વરસોમાં સર્જાયેલી કૃતિઓનું વિશ્લેષણ કરીને તેણે ઊંડું સંશોધન આદર્યું. તેના પરિપાકરૂપે તેણે નીચેના મહત્વના ગ્રંથો લખ્યા : (1) ‘બીથોવન્સ નાઇન્થ સિમ્ફની’ (1912) (2) ‘ન્યૂ મ્યૂઝિકલ થિયરિઝ ઍન્ડ ફૅન્ટસિઝ’ (1906-1935) તથા (3) ‘માસ્ટરપીસ ઇન મ્યુઝિક’.
આ ત્રણ ગ્રંથોમાં તેણે પ્રતિપાદિત કરેલા સંગીત-સિદ્ધાંતોનો વીસમી સદીના તેના અનુગામી સંગીતશાસ્ત્રીઓ પર ઊંડો પ્રભાવ પડ્યો છે.
વળી આ સંશોધન દરમિયાન તેણે હૅન્ડલ, બાખ અને બીથોવનની કેટલીક કૃતિઓનું સંપાદન પણ કર્યું છે.
અમિતાભ મડિયા