શેતરંજ (‘ચેસ’) : ભારતની ખૂબ જ પ્રાચીન રમત. પ્રાચીન સમયમાં રાજામહારાજાઓ આ રમત રમતા હતા અને તેના દ્વારા યુદ્ધની વ્યૂહરચનામાં પણ કુશળ બનતા હતા. મૂળ આ રમત ભારતમાં ઈ. સ.ના પાંચમા સૈકામાં ‘ચતુરંગ’ના નામથી પ્રચલિત હતી. આમાં ક્રમશ: સુધારાવધારા પછી તે શેતરંજ (‘ચેસ’) બની. ધીમે ધીમે આ રમત સામાન્ય જનતામાં પણ પ્રચલિત થવા લાગી. ફુરસદના સમયમાં ઘરની અંદર બે માણસો આ રમત રમી શકે છે. ચેસબોર્ડ ઉપર કુલ 32 ચોરસ હોય છે – 16 સફેદ અને 16 કાળા. જો એક ખેલાડી પાસે 16 સફેદ મહોરાં હોય તો બીજા પાસે 16 કાળાં મહોરાં હોય છે. આ રમત માટે વિશેષ સાધનોની જરૂર ન પડવાથી સામાન્ય પ્રજા પણ આ રમત રમી શકે છે. આજે તો શેતરંજની સ્પર્ધા તાલુકાથી માંડીને વિશ્વકક્ષા સુધી યોજાય છે. આ રમતમાં આગળ આવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ખૂબ જ જરૂરી છે. ભારતનાં ઘણાં ભાઈઓ તથા બહેનોએ શેતરંજમાં આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. શેતરંજમાં વિશ્વનાથન્ આનંદે ભારતને સૌથી વધુ માન અપાવ્યું છે. તેમણે શેતરંજમાં કેટલીક વાર ‘વિશ્વ-ચૅમ્પિયન’ સુધીની સિદ્ધિ પણ મેળવી છે. આ સિદ્ધિઓ બદલ ભારત સરકારે તેમને ‘અર્જુન ઍવૉર્ડ’, ‘રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડ’ તથા ‘પદ્મવિભૂષણ’થી સમ્માનિત કર્યા છે. 1997માં તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ‘ચેસ ઑસ્કાર ઍવૉર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો હતો. વિશ્વનાથન્ આનંદ ઉપરાંત પ્રવીણ થિપ્સે, ડી. વી. પ્રસાદ, દિવ્યેન્દુ બરુઆ તથા મેન્યુ આરૉન જેવા ખેલાડીઓએ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું નામ રોશન કર્યું છે. ભારત સરકારે આ ત્રણેય ખેલાડીઓનું ‘અર્જુન ઍવૉર્ડ’ આપી સમ્માન કર્યું છે. આ જ રીતે બહેનોમાં અનુપમા ગોખલે, ભાગ્યશ્રી થિપ્સે, રોહિણી ખાડિલકર અને કોનેરૂ હમ્પીએ પણ ચેસમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારત સરકારે અનુપમા ગોખલે, ભાગ્યશ્રી થિપ્સે અને કોનેરૂ હમ્પીને ‘પદ્મશ્રી’થી નવાજ્યાં છે. શેતરંજની રમતમાં ગુજરાતના તેજસ બાકરેનો દેખાવ ભૂતકાળમાં ખૂબ જ સારો રહ્યો હતો.
આજે તો શેતરંજની રમત એશિયાખંડના મોટા ભાગના દેશોમાં રમાય છે અને એટલે જ 2006 દોહા એશિયન રમતોત્સવમાં આ રમત ઉમેરવામાં આવી હતી. આ એશિયન રમતોત્સવ દરમિયાન ભારતની મહિલા ખેલાડી કોનેરૂ હમ્પીએ બે સુવર્ણચંદ્રક મેળવીને સારો દેખાવ કર્યો હતો. એશિયા ખંડ ઉપરાંત રશિયા, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ જેવા દેશોમાં પણ આ રમત ખૂબ લોકપ્રિય બની રહી છે. રશિયાના ગેરી કાસ્પારૉવ જેવા ખેલાડીઓનો દેખાવ તો વિશ્વકક્ષાએ પણ સારો રહ્યો છે.
પ્રભુદયાલ શર્મા