શેતૂર : દ્વિદળી વર્ગમાં આવેલા મોરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Morus alba Linn. (સં. પૂર્ય, તૂત; હિં. સહતૂત, તૂત; મ. તૂત; બં. તૂત; તે. રેશ્મે ચેટ્ટુ, પિપલીપન્ડુ ચેટ્ટુ; ત. મુસુકેટ્ટે, કામ્બલી ચેડી; ક. હિપ્નેરલ, અં. વ્હાઇટ મલબેરી) છે. તે એકગૃહી (monoecious) કે કેટલીક વાર દ્વિગૃહી (dioecious) ક્ષુપ કે મધ્યમ કદનું વૃક્ષ છે. તેનું મુખ્ય થડ 4.0 મી.થી 18 મી. ઊંચું, નળાકાર અને સીધું હોય છે. છાલ ઘેરી ભૂખરી-બદામી, ખરબચડી અને ઊભી તિરાડો ધરાવે છે. પર્ણો સાદાં, એકાંતરિક, ખૂબ વૈવિધ્યવાળાં, અંડાકાર કે પહોળાં અંડાકાર, દંતૂર અથવા કુંઠદંતી (crenate-serrate) હોય છે. ઘણી વાર તેઓ ઊંડું છેદન પામેલાં હોય છે. પુષ્પો અત્યંત નાનાં અને લીલા રંગનાં હોય છે. નર નિલંબશૂકી(catkin)માં પુષ્પો શિથિલપણે ગોઠવાયેલાં હોય છે. માદા નિલંબશૂકી અંડાકાર અને સદંડી હોય છે. ફળ સંયુક્ત સરસાક્ષ (syncarpous) પ્રકારનું હોય છે, જેમાં માંસલ મૃદુ પરિદલપુંજ (perianth) વડે આવરિત ઘણી અષ્ઠિલ ફલિકાઓ હોય છે. ફળ અંડાકાર કે ઉપગોલાકાર (subglobose), 5.0 સેમી. જેટલાં લાંબાં, સફેદથી માંડી ગુલાબી-સફેદ રંગનાં, જાંબલી કે ઘેરા જાંબલી રંગથી માંડી કાળા રંગનાં હોય છે.

શેતૂરની આ જાતિ ચીનની સ્થાનિક છે અને તેનું વાવેતર ભારતનાં મેદાનોમાં અને હિમાલયમાં 3,300 મી.ની. ઊંચાઈ સુધી થાય છે. તે વીથિકા-વૃક્ષ (avenue tree) છે અને તેને રસ્તાની બંને બાજુએ ઉગાડવામાં આવે છે. તે હિમ-સહિષ્ણુ (frost-hardy) હોવા છતાં તેને પવન નુકસાન પહોંચાડી શકે છે. તે ઝાડીવન (coppices) તરીકે ઝડપથી વિકાસ પામી શકે છે. શરૂઆતના તબક્કાઓની તેની વૃદ્ધિ ઝડપી હોય છે અને વહેલાં પરિપક્વતાએ પહોંચે છે. આશરે 10 વર્ષ પછી વૃદ્ધિનો દર ઝડપથી ઘટે છે.

શેતૂરના વૃક્ષની શાખા

દુનિયાના રેશમનું ઉત્પાદન કરતા દેશોમાં શેતૂરના અસંખ્ય પ્રકારો જોવા મળે છે. વિવિધ પ્રકારની મૃદા, આબોહવા, રોગ-અવરોધકતા, રેશમના કીડા માટે પર્ણોનું ખોરાક તરીકેનું મૂલ્ય, અને આરોપણ માટે ખૂંટ (stock) અને કલમ(scion)ની ઉપયુક્તતા વિશેની તેમની અનુકૂલનક્ષમતાની બાબતે આ પ્રકારો જુદા પડે છે. જાપાન દુનિયાનો રેશમનું મુખ્ય ઉત્પાદન કરતો દેશ છે, જ્યાં શેતૂરના આશરે 700 પ્રકારો માલૂમ પડ્યા છે. તે પૈકી 21 પ્રકારોનું મોટે પાયે વાવેતર કરવામાં આવે છે. આ પ્રકારોમાં કેટલાક ઠંડી આબોહવાના વિસ્તારો માટે, કેટલાક અતિશય ઠંડી આબોહવાના વિસ્તારો માટે અને કેટલાક મધ્યમસરની આબોહવાના વિસ્તારો માટે અનુકૂળ હોય છે.

ભારતમાં રેશમના કીડાના ઉછેર માટે ઉપયોગમાં લેવાતો પ્રકાર M. alba var. multicaulis Loud છે. આ પ્રકાર સીન કે ફિલિપાઇન્સનો મૂલનિવાસી છે. તે ઝડપથી વૃદ્ધિ પામતો પાક છે અને મોટાં, નાજુક અને જાડાં પર્ણોનું વધારે ઉત્પાદન આપે છે. M. alba var. atropurpurea પણ ચીનની મૂલનિવાસી જાત છે અને મોટાં, નળાકાર, ઘેરાં જાંબલી, રસદાર ફળો માટે ઉગાડવામાં આવે છે. તે પણ ઝડપથી ઊગતી અને મોટાં જાડાં પર્ણોનું ઉત્પાદન કરતી જાત છે. બંગાળમાં ખેતરોની સીમાઓ પર તેનું વૃક્ષારોપણ કરવામાં આવે છે.

ભારતમાં મૈસૂર, પશ્ચિમ બંગાળ અને જમ્મુ તથા કાશ્મીરમાં પર્ણો માટે તે મોટા પાયા પર ઉગાડાય છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસા, આસામ, મણિપુર, આંધ્રપ્રદેશ અને ચેન્નાઈમાં થોડા પ્રમાણમાં ઉગાડાય છે. મૈસૂરમાં રેશમના ઉત્પાદન માટે વિસ્તારને અનુલક્ષીને 75 %થી વધારે વાવેતર થાય છે.

  1. albaની લેશિનિયેટન જાતનાં પર્ણો સાંકડાં અને લાંબાં એક સરખા ભાગમાં જોવા મળે છે. પેન્ડુલા જાતની શાખાઓ લટકતી હોય છે. પિરામિડાલીસ જાતનું વૃક્ષ પિરામિડ આકારનું અને રશિયન મલબેરી (ટાટારિકા જાત) ઠીંગણી જાત છે. તેનો ઉપયોગ મૂલકાંડ તરીકે અને પવન-અવરોધક તરીકે થાય છે. તેનાં ફળો કાળાશ પડતા રંગનાં હોય છે.

શેતૂરના પ્રકારોની પસંદગી વિશે ભારતમાં અપૂરતું ધ્યાન અપાયું છે. વિવિધ વિદેશી પ્રકારો પર સંશોધનો થયાં છે, છતાં મોટાભાગના પ્રકારો સ્થાનિક વાવણી માટે અનુકૂળ જણાયા નથી. બરહામપુર(પશ્ચિમ બંગાળ)માં વિકસાવાયેલી કે. એમ. (1) જાત અન્ય સ્થાનિક પ્રકારો કરતાં પર્ણોનું આશરે 50 % વધારે ઉત્પાદન આપે છે અને કોલ્લેગલ વિસ્તાર(મૈસૂર)માં આરોપણના હેતુ માટે ખૂબ જાણીતી છે. મૈસૂરમાં વિકસાવાયેલ સિલેક્ટેડ I અને V જાતો દ્વારા ઉત્પાદન અને પર્ણોની ગુણવત્તાની બાબતમાં સારાં પરિણામો મેળવી શકાયાં છે.

શેતૂર વિવિધ પ્રકારની મૃદા અને આબોહવામાં થાય છે. તે રેતાળ કે ભારે ગોરાડુ અને બ્લૅક કૉટન મૃદામાં સારી રીતે ઊગે છે. સમગ્ર વર્ષ દરમિયાન સરખા પ્રમાણમાં પડે તે રીતે સરેરાશ 150 સેમી.થી 250 સેમી. વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં થાય છે. તે જલાક્રાન્ત (water logged) અને છાયાવાળી પરિસ્થિતિમાં ઊગી શકતું નથી. તેને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે. તેને શુષ્ક આબોહવા અનુકૂળ આવે છે.

શેતૂરના છોડની રોપણી માટે સમતલ મૃદા પસંદ કરવામાં આવે છે. તેના માટે 45 x 45 સેમી. માપના અને મૃદાની ફળદ્રૂપતા પ્રમાણે 6.0થી 7.5 મી.ના અંતરે ખાડા તૈયાર કરવામાં આવે છે. પ્રત્યેક ખાડા દીઠ 2થી 3 ટોપલી કોહવાયેલું કૉમ્પોસ્ટ કે છાણિયું ખાતર આપવામાં આવે છે અને રોપણી કરતાં પહેલાં 10 દિવસ અગાઉ પાણી આપવામાં આવે છે.

શેતૂરનું કુદરતી રીતે પ્રસર્જન બીજ દ્વારા થાય છે. બીજનું વિકિરણ પક્ષીઓ દ્વારા અને મર્યાદિત પ્રમાણમાં શિયાળ અને મનુષ્ય દ્વારા થાય છે. તેનું કટકાકલમ (cuttings), આંખ-કલમ અને ભેટ-કલમ દ્વારા કૃત્રિમ પ્રસર્જન કરી શકાય છે. કલમથી માતૃછોડ જેવા જ સારી ગુણવત્તાવાળા છોડ મળે છે. કટકારોપણથી પ્રસર્જન સરળતાથી થઈ શકે છે. કટકાકલમ માટે 20 સેમી.થી 30 સેમી. લાંબી, 4થી 5 આંખો (કલિકાઓ) ધરાવતી પાકી ડાળી પસંદ કરવામાં આવે છે. તેના કટકા નર્સરીના ક્યારામાં જુલાઈ, ઑગસ્ટ અને જાન્યુઆરી માસમાં ઉછેરી શકાય છે અને 3થી 4 માસમાં આ કલમો રોપવાલાયક બને છે. ચોમાસાની શરૂઆતમાં રોપણી કરવાની હોય ત્યારે આંખ-કલમ માર્ચના અંતથી એપ્રિલની શરૂઆતમાં થઈ શકે છે. ઢાલાકાર અને વીંટી-આકારની કલમની પદ્ધતિઓ વધારે અનુકૂળ છે. જ્યારે વૃક્ષારોપણ દરમિયાન નજીક ઉગાડવામાં આવે તો તેનું થડ વધારે લાંબું બને છે.

મૃદાના પ્રકાર, પાણીનો પુરવઠો, ખાતર અને વાવણીની પદ્ધતિઓને આધારે શેતૂરનાં પર્ણોના ઉત્પાદનમાં ફેરફાર જોવા મળે છે. મૈસૂરમાં માત્ર વરસાદના પાણી પર આધાર રાખતી કૃષિ દ્વારા લગભગ 3,952થી 6,916 કિગ્રા./હેક્ટર/વર્ષ અને સિંચિત મૃદામાં 9,880થી 13,832 કિગ્રા./હેક્ટર/વર્ષ પર્ણોનું ઉત્પાદન થાય છે. સિલેક્ટેડ-I અને સિલેક્ટેડ-V દ્વારા 18,772 કિગ્રા.થી 21,736 કિગ્રા./હેક્ટર/વર્ષ પર્ણોનું ઉત્પાદન થાય છે. જાપાનની વિદેશી જાતોના પ્રવેશને કારણે મૈસૂરમાં 70 % જેટલું ઉત્પાદન વધ્યું છે. શેતૂરના એક વૃક્ષ પરથી વર્ષ દરમિયાન આશરે 20થી 40 કિગ્રા. ફળનું ઉત્પાદન મળે છે.

Phyllactinia corylea (Pers) Korst. નામની ફૂગ શેતૂરનાં પર્ણોને તળછારા(downy mildew)નો રોગ લાગુ પાડે છે. પર્ણની નીચેની સપાટીએ સફેદ રંગની છારી બાઝે છે અને પર્ણો વિકૃત બને છે. તેમની વૃદ્ધિ કુંઠિત થાય છે. તેઓ બદામી રંગનાં બની સુકાઈ જાય છે. શેતૂરનાં વૃક્ષોને 6 કિગ્રા./હેક્ટર સલ્ફરનું ચૂર્ણ કે પોટૅશિયમ સલ્ફાઇડ છાંટવાથી રોગનું નિયંત્રણ થાય છે. રોગગ્રસ્ત પર્ણો ચૂંટીને તેનો નાશ કરવાની ભલામણ કરવામાં આવે છે. Thyrostroma mori (Nomura) Hoechnel Syn. Coryneum mori Nomura પર્ણોના ઉત્પાદનમાં ઘણું નુકસાન પહોંચાડે છે. રોગગ્રસ્ત કાષ્ઠને કાપી તેની ખુલ્લી સપાટી રોગાણુનાશી (disinfectant) રંગ વડે રંગવામાં આવે છે. રોગગ્રસ્ત વૃક્ષોની કાપેલી શાખાઓ બાળી નાખવામાં આવે છે. Phleospora mori (Lev.) Sacc. Syn. Septogloeum mori (Lev.) Briosi & Cav. કુમળાં પર્ણો પર ખૂણિયાં ટપકાંનો રોગ લાગુ પાડે છે. તે આછા બદામી મધ્ય ધરાવતાં લાલ ટપકાં હોય છે, અસરગ્રસ્ત પર્ણો ચૂંટીને બાળી નાખવામાં આવે છે. બોર્ડો મિશ્રણના છંટકાવ દ્વારા પણ રોગનું નિયંત્રણ થાય છે. Polyporus hispidus (Bull.) Fr. દ્વારા થડનો સડો થાય છે. આ ફૂગ થડને ચેપ લગાડે છે અને મોટી શાખાઓ સુકાઈ જઈ મૃત્યુ પામે છે.

શેતૂરને ફૂગ દ્વારા થતા અન્ય રોગોમાં ગેરુ (Aecidium mori Barclay), તામ્રવર્ણી કૅન્કર [Cytospora atra (Bon.) Sacc.], થડનો સડો (Diplodia butleri Syd.), સફેદ રસકાષ્ઠનો અને અંત:કાષ્ઠનો સડો [Ganoderma applanatum (Pers.) Pat. અને G. lucidum (Leyss.) Karst.], સફેદ પોચો રસકાષ્ઠનો સડો [Polyporus tulipiferae (Schweinitz) Overholts] અને બટ્ટ સડો [Trametes badia (Berk.) Cooke.]  એ રોગોનો સમાવેશ થાય છે.

પશ્ચિમ બંગાળમાં ‘તુક્ર’ તરીકે જાણીતા રોગ દ્વારા અગ્રીય પ્રરોહનાં પર્ણો વાંકડિયાં અને કરચલીઓવાળાં બને છે, અગ્રીય આંતરગાંઠો ફૂલી જાય છે અને તેમનું કુંતલન થાય છે. Phenococcus hirsutus Gr. નામના કીટક દ્વારા આ રોગ થાય છે. તે પ્રકાંડ, પર્ણ અને પર્ણદંડમાંથી રસ ચૂસે છે. નિકોટિન સલ્ફેટના છંટકાવ દ્વારા તેનું અસરકારક નિયંત્રણ થાય છે. Sthenias griesator F. નામની ભમરાની જાતિ પ્રકાંડને જમીનથી થોડાક સેમી. ઊંચે કોરીને પોલો માર્ગ બનાવે છે અને મેખલાકારે ક્ષીણ બનાવે છે, જેથી ઈજાગ્રસ્ત ભાગથી ઉપરના ભાગની વૃદ્ધિ અટકી જાય છે. કીટકને એકત્રિત કરી મારી નાખવામાં આવે છે.

Ceroplaster spp. નામનું શલ્ક કીટક પ્રકાંડ અને શાખાઓ ઉપર આક્રમણ કરે છે. તે રસ ચૂસી છેવટે વનસ્પતિનો નાશ કરે છે. સાબુના દ્રાવણનો કે રોઝિનના દ્રાવણનો છંટકાવ અસરકારક ઉપાય છે.

વેધકો શેતૂરનાં મૂળ અને પ્રકાંડને કેટલીક વાર નુકસાન પહોંચાડે છે. મુખ્ય પ્રકાંડ સાથે સંબંધિત શાખાઓના સંધિસ્થાને પ્રકાંડવેધકો મળી આવે છે. તેઓ રસકાષ્ઠમાં પોલો માર્ગ બનાવે છે. કેરોસીનના છંટકાવ દ્વારા આ કીટકનું નિયંત્રણ થાય છે.

Gonocephalum plantanum Walker નામનો ભમરો પશ્ચિમ બંગાળમાં શેતૂરના બીજાંકુરોને નુકસાન પહોંચાડે છે. 6 કિગ્રા./એકર ગૅમેક્સિનના પાઉડર-છંટકાવથી આ કીટકથી રક્ષણ મળે છે.

મોલોમશી (aphids), થ્રિપ્સ (Pseudodendrothrips ornatissimus Schmutz.), દૃઢલોમરહિત ઇયળ (Diacrisia obliqua) અને ધનેડું (Apion sp.) પર્ણો પર અસર કરે છે. સફેદ ગ્રબ (Lachnosterna spp.) બીજાંકુરના કે નાના છોડના મૂળ ઉપર અસર કરે છે. ઇતડી નવી આરોપિત કે કટકાકલમોને નુકસાન પહોંચાડે છે. ઉંદર (Cannomys castaneus Blyth.) શેતૂરનાં મૂળ ખાઈ જઈ સમગ્ર ક્ષુપ કે વૃક્ષનો નાશ કરે છે.

શેતૂરનાં પર્ણોનો ઉપયોગ રેશમના કીડાનાં ઉછેર, ફળોનો ઉપયોગ ખાવામાં અને કાષ્ઠનો રમતગમતનો માલસામાન બનાવવામાં થાય છે.

રેશમના કીડા માટે પૂરા કદવાળાં કોમળ પર્ણો સૌથી સારાં ગણાય છે. પર્ણોની ઉંમર વધતાં પ્રોટીનનું પ્રમાણ ઘટે છે અને કાર્બોદિતોનું પ્રમાણ વધે છે. રેસો, લિપિડ અને ભસ્મના ઘટકોમાં પણ વધારો થાય છે. ભારતની જુદી જુદી જગાએથી પ્રાપ્ત કરેલાં પર્ણોનું શુષ્કતાને આધારે થયેલા એક રાસાયણિક વિશ્લેષણ મુજબ તે અશુદ્ધ પ્રોટીન 16.0 %થી 39 %, દ્રાવ્ય શર્કરાઓ 7.6 %થી 26 %; ભસ્મ 8.0 %થી 17.0 %; કૅલ્શિયમ (CaO) 0.7 %થી 2.7 % અને લોહ (Fe2O3) 0.05 %થી 0.12 % ધરાવે છે. કાશ્મીર, બંગાળ અને જાપાની ‘રોઝો’ પ્રકારનાં શેતૂરનાં પર્ણોની રાસાયણિક તુલના સારણી 1માં માપવામાં આવી છે.

સારણી 1 : શેતૂરનાં પર્ણોના વિવિધ સ્રોતોના બંધારણની તુલના (% શુષ્ક વજનને આધારે)       

  કાશ્મીર બંગાળ રોઝો’ (જાપાન)
અશુદ્ધ પ્રોટીન 28.8 28.4 18.0
દ્રાવ્ય શર્કરાઓ 13.6 12.2 11.3
ફૉસ્ફરસ (P2O5) 1.4 1.36 0.65
કૅલ્શિયમ (CaO) 3.6 3.92 2.0
મૅગ્નેશિયમ (MgO) 2.4 2.4 1.4
ઍલ્યુમિનિયમ (Al2O3) 1.8 0.72 0.25
લોહ (Fe2O3) 0.06 0.05 0.26
સલ્ફર (SO4) 0.56 0.54 0.3
સિલિકા (SiO2) 2.0 1.8 2.6

રેશમના કીડામાં પ્રોટીનનું એકત્રીકરણ પર્ણોમાં રહેલા કાર્બોદિતોની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રથમ નિરૂપ (instar) કાળમાં પર્ણોમાં 3 %થી 4 % શર્કરાઓ અને દ્વિતીય નિરૂપ કાળમાં 4 %થી 5 % શર્કરા હોય તો ઇયળની મહત્તમ વૃદ્ધિ થાય છે. જો પર્ણોમાં દ્રાવ્ય શર્કરાઓ ઓછી હોય તો સુક્રોઝ આપવાથી રેશમનું ઉત્પાદન અને ગુણવત્તા સુધરે છે.

શેતૂરનાં પર્ણો રેશમના કીડાનો પસંદગીનો ખોરાક છે. તે ત્રણ ઉત્તેજનકારકો, એક કરડવા માટેનું કારક અને એક લક્ષણકારકને કારણે છે. ઇયળને પર્ણો તરફ આકર્ષતા પદાર્થોમાં સાઇટ્રલ, લિનેલીલ એસિટેટ, લિનેલોલ, ટર્પિનીલ એસિટેટ અને હેક્ઝેનૉલ છે; જેમાં પ્રથમ ત્રણ અન્ય પદાર્થો કરતાં વધારે અસરકારક છે. B-સિટોસ્ટેરોલ (પર્ણોમાં 0.2 %), બીજા સ્ટેરોલ અને એક જલદ્રાવ્ય પદાર્થ કરડવાની ક્રિયાને ઉત્તેજે છે. સતત લક્ષણની ક્રિયા ઉત્તેજતો કારક મિથેનૉલ અદ્રાવ્ય (જલદ્રાવ્ય) ઘટકમાં હોય છે. આ કારકો પૈકીનું એક કારક પણ ગેરહાજર હોય તો ઇયળોની ખોરાક ખાવાની ક્રિયા અવરોધાય છે. સોયાબીન અને ચાનાં પર્ણોમાં પ્રથમ કારક હોય છે; તેથી ઇયળો આકર્ષાય છે, પરંતુ ખોરાક લેતી નથી. અંજીર અને લેટિસ પર્ણો માટે ઇયળો મંદ રસાયણવર્તન (chemotaxy) દાખવે છે અને ભૂખી હોય ત્યારે તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; પરંતુ તેથી ઇયળોની સામાન્ય વૃદ્ધિ થતી નથી.

પર્ણો ઍસ્કૉર્બિક ઍસિડનો સારો સ્રોત (200-300 મિગ્રા./100 ગ્રા.) ગણાય છે, જેમાંનો મોટાભાગનો અપચાયી (reduced) સ્વરૂપમાં હોય છે. તેઓ કૅરોટિન, વિટામિન ‘બી1’, ફૉલિક ઍસિડ, ફૉલિનિક ઍસિડ, ગ્લુટાથિયૉન અને વિટામિન ‘ડી’ ધરાવે છે.

શેતૂરનાં પર્ણોનો કેટલીક વાર શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તે ઢોરોના ચારા તરીકે પણ ઉપયોગી છે. શેતૂર પોષક અને સ્વાદુ (palatable) હોય છે અને દૂધના ઉત્પાદનમાં વધારો કરે છે. પર્ણોના શુષ્ક વજનને આધારે કરવામાં આવેલું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પ્રોટીન 14.0 %, ઈથર-નિષ્કર્ષ 6.8 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 49.1 %, કુલ ભસ્મ 13.8 %, કૅલ્શિયમ (CaO) 2.74 %, ફૉસ્ફરસ (P2O5) 0.45 % છે.

ફળો તાજાં કે રસસ્વરૂપે ખાવાના ઉપયોગમાં લેવાય છે. તેમને કચરીને આથવણ દ્વારા આલ્કોહૉલ ઉત્પન્ન કરવામાં આવે છે. ફળનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 87.5 %, પ્રોટીન 1.5 %, લિપિડ 0.4 %, કાર્બોદિતો 8.3 %, રેસો 1.4 % અને ખનિજદ્રવ્ય 0.9 %, કૅલ્શિયમ 80 મિગ્રા., ફૉસ્ફરસ 40 મિગ્રા. અને લોહ 1.9 મિગ્રા. / 100 ગ્રા.; કૅરોટિન (વિટામિન ‘એ’ તરીકે) 174 આઇ.યુ., થાયેમિન 9.0 માગ્રા. (માઇક્રોગ્રામ), નિકોટિનિક ઍસિડ 0.8 મિગ્રા., રાઇબોફ્લેવિન 184 માગ્રા., અને ઍસ્કૉર્બિક ઍસિડ 13 મિગ્રા./100 ગ્રા.; ફળોમાં એરિયોકિક્ટિયોલ નામનો એક ફ્લેવૉનૉઇડ હોય છે.

બીજ (આશરે 2 મિમી. લાંબાં) 25 %થી 35 % પીળા રંગનું શુષ્કન તેલ ધરાવે છે.

શેતૂરનું કાષ્ઠ રમતગમતનાં સાધનો માટે બાષ્પિત કરતાં તેની સ્થિતિસ્થાપકતા (elasticity) અને નમ્યતા(flexibility)ને કારણે ઉત્તમ ગણાય છે. તેનું રસકાષ્ઠ સફેદથી માંડી પીળાશ પડતા રંગનું હોય છે. અંત:કાષ્ઠ ચળકતું પીળાશ પડતું બદામી અથવા સોનેરી-બદામી હોય છે અને ખુલ્લું રાખતાં વધારે ઘેરું બને છે. તે હલકાથી મધ્યમસરનું ભારે (વિ.ગુ. 0.63, વજન 580 કિગ્રા.થી 745 કિગ્રા.), સુરેખ-કણિકામય (straight-grained), મધ્યમ ઘટ્ટ અને અસમ ગઠનવાળું (uneven-textured), મધ્યમ કઠણથી માંડી કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. તે ફાટતું નથી, છતાં વીંટળાવાનું વલણ ધરાવે છે.

કાષ્ઠ પર સહેલાઈથી કરવતકામ, ખરાદીકામ અને પરિષ્કરણ (finishing) થઈ શકે છે. તેનું કાળજી રાખી વાયુ-સંશોષણ (seasoning) કરી શકાય છે. ક્લિન-સંશોષણ મુશ્કેલી સિવાય કે અવઘટન (degrade) સિવાય થઈ શકે છે. તેને કોઈ પ્રતિરોધી (antiseptic) ચિકિત્સાની જરૂર હોતી નથી. સાગના ગુણધર્મોના સંદર્ભમાં તેના ગુણધર્મો (%માં) આ પ્રમાણે છે : વજન 100, પાટડાનું સામર્થ્ય 80, પાટડાની દુર્નમ્યતા (stiffness) 75, થાંભલાની ઉપયુક્તતા (suitability) 75, આઘાત-અવરોધક્ષમતા 155, આકારની જાળવણી 65, અપરૂપણ (shear) 145, અને દૃઢતા 155.

રમતગમતનાં સાધનો (હૉકી, ટેનિસ અને બૅડમિન્ટનનાં રૅકેટ, ક્રિકેટનાં બૅટ, સ્ટમ્પ વગેરે) ઉપરાંત તે મકાન-બાંધકામ, કૃષિનાં ઓજારો, રાચરચીલું, બૉબિન, ઓજારોના હાથા, પૈડાંના આરા બનાવવામાં અને ખરાદીકામમાં ઉપયોગી છે.

તેના કાષ્ઠમાં ટેનિન (32 %) હોય છે. તેનો ચર્મશોધન (tanning) અને રંગકામમાં ઉપયોગ થાય છે.

શેતૂરનાં પર્ણો સ્વેદકારી (diaphoretic) અને શામક (emollient) ગણાય છે. પર્ણોનો કાઢો ગળાના સોજામાં કોગળા કરવા માટે વપરાય છે. ફળ શીતળ અને રેચક છે. તે ગળાના દુખાવામાં, અપચો (dyspepsia) અને ખેદોન્માદ(melancholia)માં ઉપયોગી છે. મૂળ કૃમિઘ્ન અને સ્તંભક ગુણધર્મો ધરાવે છે. છાલ રેચક અને કૃમિઘ્ન છે. પર્ણો અને પ્રકાંડના જલીય અને આલ્કલીય નિષ્કર્ષ ગ્રામ ધનાત્મક બૅક્ટેરિયા અને યીસ્ટ સામે સક્રિય હોય છે. પ્રકાંડમાં સ્ટેરોઇડીય સેપોજેનિન અને છાલમાં aએમાયરિન હોય છે.

આયુર્વેદ અનુસાર પાકાં શેતૂર ગુરુ, સ્વાદુ, શીતળ અને ગ્રાહક છે. તેઓ પિત્ત, વાયુ અને રક્તદોષનો નાશ કરે છે. કાચાં શેતૂર ગુરુ, સારક, ખાટાં અને ઉષ્ણ હોય છે. તેઓ રક્તપિત્તનો નાશ કરે છે.

શેતૂરની અન્ય જાતિઓમાં M. laevigata wall. ex Brandis, M. nigra Linn (કાળાં શેતૂર), M. rubra (લાલ શેતૂર), M. serrata Roxb. (હિમાલયી શેતૂર), M. australis Poir. Syn. M. acidosa Griffનો સમાવેશ થાય છે.

નટવરભાઈ શાંતિભાઈ પારેખ

દેવશીભાઈ ટપુભાઈ સાદરિયા

હેમંત ચીમનભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ