શૅડો ફ્રૉમ લડાખ

January, 2006

શૅડો ફ્રૉમ લડાખ (1967) : બંગાળી નવલકથાકાર ભવાની ભટ્ટાચાર્ય (જ. 1906) લિખિત અંગ્રેજી નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1967ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. ભટ્ટાચાર્ય પર ટાગોર તથા ગાંધીજીની વિચારધારાનો પ્રભાવ છે. આ નવલકથા 1962ના ભારત પરના ચીની આક્રમણની પશ્ચાદ્ ભૂમિકામાં આલેખાઈ છે અને દેખીતી રીતે જ આ કૃતિ વિચારસરણીની નવલકથા તરીકે ઓળખાવાઈ છે.

આ વિચાર-વિરોધમાં એક બાજુ છે ગાંધીગ્રામના સત્યજિત સેન નામના સંનિષ્ઠ સ્વાતંત્ર્ય-લડવૈયાનો ગાંધીવાદ અને બીજી બાજુ છે પોલાદ-નગરીના ભાસ્કર નામના યુવાન અને ઉગ્ર મિજાજના મુખ્ય ઇજનેરનો લડાઈખોર વિજ્ઞાનવાદ. ચીન-ભારત યુદ્ધ ફાટી નીકળે છે ત્યારે ભાસ્કર ગાંધીગ્રામનો કબજો લઈ ઔદ્યોગિક ઉત્પાદન વધારવા માગે છે. આના વિરોધમાં સત્યજિત આમરણ ઉપવાસ ઉપર ઊતરે છે. ઉપવાસ આગળ વધતાં પોલાદ-નગરના કામદારો પણ તેમને ટેકો આપે છે અને છેવટે ભાસ્કર એ નગરનો કબજો લેવાની વાત પડતી મૂકી અને વિસ્તરણ-પરિયોજનામાં યોગ્ય ફેરફાર કરી લે છે.

છેવટે ગાંધીવાદની જીત થાય છે, પણ ભટ્ટાચાર્ય બંને પલ્લાં સમતોલ રાખતા હોય એ રીતે રોજિંદા જીવનમાં માનવ-વાસ્તવિકતાઓ સામે ગાંધીવાદની મર્યાદાઓ પણ ચીંધી બતાવે છે. ગાંધીજીનો બ્રહ્મચર્યનો સિદ્ધાંત સત્યજિત અમલમાં મૂકવા જાય છે પણ તે ભાગ્યે જ સફળ નીવડે છે; ચીની આક્રમણના સામના માટે તેઓ મોટી શાંતિકૂચ કાઢવા માગે છે ત્યારે ખુદ ગાંધીવાદને વરેલી સરકાર જ પરિસ્થિતિને કથળતી અટકાવવા એ પ્રસ્તાવને રોકી દે છે.

યુદ્ધના કથા-ઘટકને કારણે સળંગ કથાપ્રવાહનાં સાતત્ય તથા રસપ્રદતા જળવાઈ રહે છે. ભારતીય ઇતિહાસના એક કટોકટીભર્યા તબક્કા વખતે વિચારસરણીના તીવ્ર સંઘર્ષનું આલેખન કરવાના હિંમતભર્યા પ્રયાસ લેખે આ નવલકથા અંગ્રેજી લેખનક્ષેત્રે એક અનન્ય ઉમેરણ મનાઈ છે.

મહેશ ચોકસી