શેડો, જોહાન ગૉટ્ફ્રીડ (Schadow, Johann Gottfried) (જ. 20 મે 1764, બર્લિન, જર્મની; અ. 27 જાન્યુઆરી 1850, બર્લિન, જર્મની) : નવપ્રશિષ્ટ (neoclassicist) જર્મન શિલ્પી. રોમ ખાતે પોપના દરબારી શિલ્પીઓ જ્યાં પિયેરે ઍન્તોનિને તાસા (Tassaert) તેમજ ટ્રિપેલ અને કાનોવા પાસે તેમણે તાલીમ લીધી. 1788માં શેડો બર્લિન ખાતેની ધ રૉયલ સ્કૂલ ઑવ્ સ્કલ્પ્ચરના ડિરેક્ટર બન્યા. કાઉન્ટ ઍલેક્ઝાન્ડર ફોન દ માર્કની કબરની રચના (1790) શેડોની પ્રથમ અગત્યની રચના છે, જેમાં તેમણે તે કાઉન્ટને નવ વરસના બાળભરવાડ તરીકે ઊંઘતો દર્શાવ્યો છે. તેમની શ્રેષ્ઠ રચના ‘કાડ્રિગા (quadriga) ઑવ્ વિક્ટરી’ (1793) ગણાય છે. આ શિલ્પમાં ચાર ઘોડા રથને ખેંચતા કંડારેલા છે. આ ઉપરાંત, તેમણે કંડારેલી પ્રશિયાની રાજકુંવરીઓ લુઇસા અને ફ્રીડરિકાનાં શિલ્પો પણ જાણીતાં છે. તેમણે ગટેનું બસ્ટ-શિલ્પ પણ તૈયાર કર્યું હતું. શિલ્પોમાં વાસ્તવવાદના અતિરેકને તાદૃશ કરવા બદલ ગટેએ શેડોની ટીકા કરી હતી.
પાછલી ઉંમરે શેડોની આંખોને જોવામાં તકલીફ થતી હતી. તેમણે શિલ્પ કંડારવાનું છોડીને કલાના સિદ્ધાંતો વિશે લખવાનું કામ કર્યું. એમના બે પુત્રો રુડોલ્ફ શેડો (1786-1822) અને વિલેમ (Wilhelm) ફોન શેડો (1788-1862) જાણીતા ચિત્રકારો બન્યા.
અમિતાભ મડિયા