શેડવેલ, ટૉમસ (. 1642 ?, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ; . 19 નવેમ્બર 1692, લંડન) : અંગ્રેજ નાટ્યકાર અને રાજકવિ. માનવસ્વભાવના આચરણ અને રીતભાત વિશેનાં હાસ્યપ્રધાન નાટકોના રચયિતા અને જૉન ડ્રાયડનના કટાક્ષના પાત્ર તરીકે સવિશેષ જાણીતા થયેલા. મિડલ ટેમ્પલ, લંડન અને કેમ્બ્રિજમાં શિક્ષણ લીધેલું. અંગ્રેજ રાજા ચાર્લ્સ બીજાની ઇંગ્લૅન્ડની ગાદી પર પુન:સ્થાપના થઈ તે વેળાના સમયમાં રાજ્યદરબારમાં બુદ્ધિશાળી વ્યક્તિઓમાં તેમનું નામ લેવાતું હતું.

શેડવેલે 18 નાટકો લખ્યાં. તેમાં ગોપબાળનાટક (pastoral) ‘ધ રૉયલ શૅફર્ડેસ’ (1669); સંગીતનાટક (opera) ‘ધ ટેમ્પેસ્ટ’ (1674); કરુણાંતિકા ‘સાયકી’ (1674-75) અને બ્લૅન્ક વર્સમાં લખાયેલ કરુણાંતિકા ‘ધ લિબર્ટાઇન’ (1675) મુખ્ય છે. રોમન કટાક્ષના મહાન લેખક જુવેનલના ‘ધ ટેન્થ સૅટાયર’(1687)નો અનુવાદ તેમણે કર્યો હતો. જૉન ડ્રાયડન પરના તેમના કટાક્ષો જાણીતા છે. રાજકવિ તરીકે નૂતનવર્ષ અને રાજવંશીઓના જન્મદિવસ નિમિત્તે તેમણે ‘ઓડ્ઝ’ કાવ્યો રચ્યાં હતાં. ‘ધ લૅન્કેશાયર વિચિઝ’માં શેડવેલે વ્હિગ પક્ષને ટેકો જાહેર કરી તેમણે ડ્રાયડન સાથેની મૈત્રીને પૂર્ણવિરામ મૂકી દીધું. ત્યારપછી બંને લેખકોએ રાજકીય કટાક્ષોનાં દીર્ઘ કાવ્યો રચ્યાં.

ડ્રાયડનને રાજકવિ અને ઇતિહાસલેખક (historiographer) તરીકે રુખસદ અપાતાં તેમના સ્થાને શેડવેલની નિમણૂક કરવામાં આવી હતી. શેડવેલને બેન જૉન્સનની નાટ્યશૈલી માટે પક્ષપાત હતો. ‘ધ માઇઝર’(1671-72)માં ફ્રેન્ચ હાસ્યપ્રધાન નાટ્યકાર મોલિયરના નાટકનું પ્રાસાનુપ્રાસવાળા છંદમાં અંગ્રેજી રૂપાંતર છે. ‘ઍપ્સમવેલ્સ’ (1672) તેમનું સૌથી વધુ સફળ હાસ્યપ્રધાન નાટક છે અને તે લગભગ પચાસ વર્ષ સુધી રંગભૂમિ પર સતત ભજવાતું રહેલું. ‘ધ સ્ક્વાયર ઑવ્ અલ્સેશિયા’(1688)માં મધ્યમવર્ગના નબીરા અને ખલનાયકોનું પાત્રાલેખન થયું છે. ‘બેરી-ફેર’(1689)માં લોકપ્રિય ફારસની પ્રબળ અસર છે. તેમનું છેલ્લું નાટક ‘ધ સ્કાઉરર્સ’(1690)ને વેવલી ભાવનાને અનુલક્ષીને લખાતાં હાસ્યપ્રધાન નાટકોની પુરોગામી કૃતિ તરીકે નવાજવામાં આવે છે.

વિ. પ્ર. ત્રિવેદી