શેઠી, સુરજિતસિંગ

January, 2006

શેઠી, સુરજિતસિંગ (. 1928, ગુજરખાન, રાવલપિંડી, પાકિસ્તાન) :  પંજાબી નાટ્યકાર, વાર્તાકાર અને નવલકથાકાર. અંગ્રેજી સાથે તેમણે એમ.એ. અને નાટ્યશાસ્ત્ર પર શોધપ્રબંધ રજૂ કરીને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી.

તેમનું પ્રથમ દીર્ઘ નાટક ‘કૉફી હાઉસ’ (1958), ‘હૉલો મૅન’નું  ચિત્રાંકન છે. ‘કાચા ઘડા’ (1960) અને ‘કદર્યાર’ (1960) રોમાંચક કથાઓના અતિ જાણીતાં પાત્રોનાં નવતર પરિમાણો રજૂ કરે છે. ‘કિંગ મિર્ઝા તે સપેરા’ (1965) અને ‘મર્દ મર્દ નહીં, તિવિત તિવિત નહીં’(મૅન ઇઝ નૉટ મૅન, વુમન ઇઝ નૉટ વુમન)માં હાસ્યાસ્પદ નાટકોના તેમના અનુભવો ગૂંથ્યા છે. ‘પરદે પિછા’ (બિહાઇન્ડ ધ કર્ટન) (1946) તેમનો એકાંકીસંગ્રહ છે.

તેમની પ્રારંભિક નવલકથાઓમાં ‘ઇક શહર દી ગલ’ (1955); ‘રેત દા પહાડ’ (1954); ‘કંધી ઉતે રુખ્દા’ (અ ટ્રી ઑન એન્બકમેન્ટ) (1957) છે. ‘ઇક ખાલી પિયાલા’ (1960) અને ‘કલ વી સૂરજ નહીં ચઢેગા’ (1967)થી તેમને સારી એવી ખ્યાતિ પ્રાપ્ત થઈ.

અન્ય ઉલ્લેખનીય ગ્રંથોમાં નાટકમાં ‘ગુર બિન ઘોર અંધાર’ (1969); ‘સફર બાકી, તલાશ બાકી’; ‘નાંગી સડક, રાતદા ઓહ્લા’ (1971) અને ‘મેરા મુર્શિદ મોડ લિયો’ (બ્રિંગ બૅક માઇ મશિહા) (1975)નો; વાર્તાસંગ્રહોમાં ‘અંગ્રેજ અંગ્રેજ સાં’ અને ‘મેરી કહાની દા અફર’(1972)નો; નવલકથામાં ‘અબ્રા કી અદબ્રા’ (1972) અને ‘ડુબદે સૂરજનું સલામ’(1976)નો તથા વિવેચનગ્રંથોમાં ‘કવિ યાત્રિક’ (1955) અને ‘નાટકકલા’(1974)નો તથા ચરિત્રગ્રંથ ‘લોંધ ગયે દરિયા’ (1976)નો સમાવેશ થાય છે.

બળદેવભાઈ કનીજિયા