શેઠ, રમણલાલ (. 6 જૂન 1917, વેજલપુર, પંચમહાલ; . 5 ઑક્ટોબર 1978) : ગુજરાતના અગ્રણી પત્રકાર અને નીડર તંત્રી. રમણલાલ શેઠે કૉલેજમાં બી.એસસી.નો અભ્યાસ પૂરો કરીને વિવિધ વ્યવસાયો કર્યા હતા. ઇનામી હરીફાઈમાં સારી એવી કમાણી થયા બાદ એમણે પત્રકારત્વના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. સૌથી પ્રથમ એમણે વડોદરામાં ‘સયાજીવિજય’ ખરીદ્યું. 1951માં વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કર્યું. એની સાથે ‘સયાજીવિજય’ને ભેળવી દીધું. ‘ગુજરાત સમાચાર’માંથી ઇન્દ્રવદન ઠાકોર ગયા પછી રમણલાલ શેઠ થોડાક સમય માટે ‘ગુજરાત સમાચાર’ સાથે સંકળાયેલા હતા. 1951માં વડોદરામાં ‘લોકસત્તા’ શરૂ કર્યું ત્યારે એના ઉદ્ઘાટન-પ્રસંગે એમણે કહ્યું કે ગુજરાતનું અલગ રાજ્ય થવું જોઈએ. 1953માં એમણે રેવડીબજારમાંથી ‘જનસત્તા’ દૈનિક શરૂ કર્યું. 1968માં રાજકોટમાંથી ‘જનસત્તા’ની આવૃત્તિ શરૂ કરી હતી. 1956માં મહાગુજરાત અને 1974માં નવનિર્માણના આંદોલન દરમિયાન એમના અખબારનો ફેલાવો ખૂબ વધ્યો હતો. આર્થિક સંકડામણને કારણે 1974માં એમણે ‘લોકસત્તા’ તેમજ ‘જનસત્તા’ બી. ડી. ગોએન્કાને સોંપી દીધા હતા. ‘જનસત્તા’ની સાથે સાથે એમણે ‘ચાંદની’ નામનું વાર્તા-માસિક, બાળકો માટેનું ‘રંગતરંગ’ સાપ્તાહિક, તેમજ વેપારી જગત માટે ‘નૂતન ગુજરાત’ પણ શરૂ કર્યાં હતાં.

રમણલાલ શેઠ

સામાન્ય રીતે છાપાના તંત્રી છાપાની કચેરીમાં બેસીને જ પોતાનાં અખબારોનું સમગ્ર સંચાલન કરે છે. મહદ્અંશે મૂડીરોકાણને કારણે તેઓ છાપાના તંત્રી બને છે; પરંતુ રમણલાલ શેઠ નોખી માટીના તંત્રી હતા. તેઓ માત્ર તંત્રી ન હતા, સક્રિય પત્રકાર હતા. ગુજરાતમાં વિવિધ પ્રકારનાં આંદોલનો દરમિયાન તેઓ જાતે ફરીને એનો સચોટ અહેવાલ આપવા તકેદારી રાખતા હતા. મોંઘવારીનું આંદોલન હોય, મહાગુજરાતનું કે નવનિર્માણનું આંદોલન હોય; ગુજરાતમાં દુષ્કાળ પડ્યો હોય, પૂરના કારણે વિનાશ વેરાયો હોય કે કોમી તોફાનો થયાં હોય; રમણલાલ શેઠ પોતાના ખબરપત્રી અને તસવીરકારની સાથે ફરીને વાસ્તવિક અહેવાલ આવે તેની કાળજી રાખતા હતા. દુષ્કાળની પરિસ્થિતિમાં જાતે ફરે ત્યારે જમવા માટે કોઈના મહેમાન બનવાને બદલે પોતાની સાથે જ સુખડી અને ઢેબરાં લઈ જતા હતા. આમ લોકોની વચ્ચે ફરીને એમની મુશ્કેલીઓ, લાગણીઓ, યાતનાઓ, અપેક્ષાઓ બરાબર સમજીને છાપાં દ્વારા એને વાચા આપતા હતા. આને કારણે એમને સરકારની નારાજગી પણ વહોરવી પડી હતી. ખાસ કરીને નવનિર્માણના આંદોલન દરમિયાન એમની તેજાબી કલમે લખેલા લેખોને કારણે એમની ધરપકડ પણ કરવામાં આવી હતી. આઠ દિવસ સુધી ત્રીજા વર્ગના કેદી તરીકે એમને રાખવામાં આવ્યા હતા.

એક વખત બરવાળા, ધોલેરા, ધંધૂકા વિસ્તારોમાં દુષ્કાળને પરિણામે સંખ્યાબંધ ઢોરો મૃત્યુ પામ્યાં હતાં. એનો સમગ્ર અહેવાલ તસવીરો સાથે ‘જનસત્તા’માં પ્રસિદ્ધ થયો હતો. આ અહેવાલ બરાબર નહિ હોવાનું માનીને રાજ્ય સરકારે એમના છાપાને વિજ્ઞાપન આપવાનું બંધ કરી દીધું હતું. રમણલાલ શેઠે એ સમયના મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાને એમના અખબારમાં અહેવાલની સચ્ચાઈ કરવા જાતતપાસ કરવા આગ્રહ કર્યો હતો. ઘનશ્યામભાઈ ઓઝા પોતે એ વિસ્તારના પ્રવાસે ગયા અને ત્યાંનાં કરુણ દૃશ્યો જોઈને ગળગળા થઈ ગયા હતા. આ પછી ઘનશ્યામભાઈએ તરત જ એમના છાપાની જાહેરખબર શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.

ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈની સરકાર હતી ત્યારે રાષ્ટ્રીય સ્તરે રાજગોપાલાચારીએ સ્વતંત્ર પક્ષની રચના કરી હતી. ગુજરાતમાં પણ એની રચના થઈ હતી. એ વખતે રમણભાઈના શિરે દેવું પણ હતું. એક જાણીતા ઉદ્યોગપતિએ એમને કોરો ચેક આપી સ્વતંત્ર પક્ષનું વાજિંત્ર બનવા જણાવ્યું હતું. રમણલાલ શેઠે એ વખતે કોઈ પક્ષને વેચાઈ જવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

ખડાયતા જ્ઞાતિના પ્રમુખ તરીકે એમણે જ્ઞાતિની શૈક્ષણિક અને અન્ય પ્રવૃત્તિઓ માટે સારી રકમનું ભંડોળ એકત્ર કરી આપ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રતિ વર્ષ પત્રકારત્વ વિશે સ્વ. રમણલાલ શેઠ સ્મૃતિ વ્યાખ્યાન યોજવામાં આવે છે. આમ ગુજરાતના પત્રકારત્વના ઇતિહાસમાં એક નીડર તંત્રી તરીકે એમની પ્રતિષ્ઠા છે.

બળવંતરાય શાહ