શેઠ, રઘુનાથ (. 17 ડિસેમ્બર 1931) : ભારતના અગ્રણી બંસરીવાદક તથા પ્રયોગશીલ સંગીતકાર. તેમણે સંગીતની પ્રાથમિક તાલીમ તેમના વડીલ બંધુ કાશીપ્રસાદ પાસેથી લીધી હતી. કાશીપ્રસાદ પોતે ગાયક હોવા ઉપરાંત બંસરી અને તબલાવાદનના જાણકાર હતા; એટલું જ નહિ, પરંતુ નાટ્યકલામાં પણ તેઓ સક્રિય રુચિ ધરાવતા હતા. 1943માં રઘુનાથ શેઠની સંગીતક્ષેત્રની તાલીમની શરૂઆત થઈ, જ્યારે તેમની ઉંમર માત્ર બાર વર્ષની હતી અને છ વર્ષ સુધી સતત ચાલુ રહી (1943-49). લખનૌના નિવાસ દરમિયાન તેમને જે કેટલાક સંગીતકારોનું માર્ગદર્શન પ્રાપ્ત થયું તેમાં શાસ્ત્રકાર એસ. એન. રાતનજનકર (1900-94) જેવા દિગ્ગજ સંગીતશિક્ષકનો પણ સમાવેશ થયો હતો. બંસરીવાદનમાં રઘુનાથ શેઠ વિખ્યાત બંસરીવાદક પન્નાલાલ ઘોષ(1911-60)ના વાદનથી વિશેષ પ્રભાવિત થયા હતા. જેમ પન્નાલાલ ઘોષે બંસરીની બનાવટ અંગે અવનવા પ્રયોગો કર્યા હતા તેવી જ રીતે રઘુનાથ શેઠે પણ તેવા પ્રયોગો કર્યા હતા; દા.ત., સામાન્ય રીતે બંસરીમાં માત્ર છ છિદ્રો જ હોય છે, જેનો ઉપયોગ કરી વાદક પોતાની આંગળીઓની મદદથી તેમાંથી જુદા જુદા કોમલ અને ઋષભ સ્વરોનું સર્જન કરી વિભિન્ન શાસ્ત્રીય રાગોની રજૂઆત કરતો હોય છે; પરંતુ રઘુનાથ શેઠે બંસરી પર એક વધારાનું સાતમું છિદ્ર દાખલ કરી એક નવો અને સફળ પ્રયોગ કર્યો છે અને તે બાબતમાં કીર્તિ સંપાદન કરી છે. કેટલાક ગંભીર રાગોની રજૂઆતમાં આ વધારાનું સાતમું છિદ્ર વધુ ઉપયોગી સાબિત થયું છે.

રઘુનાથ શેઠ શાસ્ત્રીય રાગો ઉપરાંત ઉત્તર ભારતનાં લોકગીતોની ધૂનો બંસરી પર વગાડવામાં વિશેષ કૌશલ્ય ધરાવે છે. તેમને શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉપશાસ્ત્રીય સંગીત તથા પ્રાદેશિક સંગીતમાં પણ વિશેષ રુચિ છે અને પોતાના બંસરીવાદનના જાહેર કાર્યક્રમોમાં તે ઘણી વિવિધતા દાખલ કરવાની ક્ષમતા ધરાવે છે. જેને લીધે વિવિધ સ્તરના શ્રોતાઓમાં તેઓ લોકપ્રિયતા હાંસલ કરી શક્યા છે.

આકાશવાણી, દૂરદર્શન તથા સંગીત-મહેફિલોમાં તેમના બંસરી-વાદનના કાર્યક્રમો અવારનવાર થયા કરે છે. 1967માં તેમણે લતા મંગેશકરના જૂથ સાથે ઇંગ્લૅન્ડ તથા યુરોપના અન્ય કેટલાક દેશોનો પ્રવાસ ખેડ્યો હતો અને તે દરમિયાન વાદ્યવૃંદના જુદા કાર્યક્રમો ઉપરાંત કેટલાક એકલ કાર્યક્રમો પણ રજૂ કરી પ્રશંસા મેળવી હતી. રઘુનાથ શેઠે કેટલાંક ચલચિત્રોમાં સંગીતનિર્દેશન કર્યું છે; જેમાંથી કેટલાંક ચલચિત્રોનું સંગીત પુરસ્કૃત પણ થયું છે.

તેમના બંસરીવાદનમાં તંતુકારની લાક્ષણિકતા ઉપરાંત ગાયકી અંગની પ્રણાલીનો પણ સમન્વય થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે