શેઠ, મગનલાલ વખતચંદ

January, 2006

શેઠ, મગનલાલ વખતચંદ (. 1830, અમદાવાદ; . 11 માર્ચ 1868, અમદાવાદ) : ‘અમદાવાદનો ઇતિહાસ’ના લેખક, ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના પ્રથમ સહાયક મંત્રી. અમદાવાદના વિશા શ્રીમાળી જૈન વણિક જ્ઞાતિના વખતચંદ પાનાચંદને ત્યાં મગનલાલનો જન્મ થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપાલિટીની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ સરકારી અંગ્રેજી શાળામાં લઈને મૅટ્રિકની પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી. એ વખતે મૅટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ જવું પડતું, અને રેલવે ન હોવાથી ગાડાં અને હોડીનો મુશ્કેલ પ્રવાસ ખેડી, મુંબઈ જઈ શકાતું હતું.

મગનલાલે સરકારી અંગ્રેજી સ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તર તરીકે માસિક રૂપિયા 50ના પગારથી જાન્યુઆરી 1849થી ફેબ્રુઆરી 1851 સુધી સેવા આપી. આ દરમિયાન તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના અનુવાદક તથા મુખ્ય ક્લાર્ક તરીકેની કામગીરી પણ બજાવતા હતા. તેમણે સોસાયટીના પ્રથમ સહાયક મંત્રી તરીકે ત્રણ વર્ષ સેવા આપી. તેઓ ઘણા સારા અનુવાદક હતા.

મગનલાલે ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના સંપાદક તરીકે કામ કર્યું અને તેમાં લેખો પણ લખતા હતા. તે લેખોની એક પુસ્તિકા પ્રગટ કરવામાં આવી હતી. તેમણે લખેલ ‘કથનાવલિ’ પુસ્તક 1849માં પ્રગટ થયું. તેમાં સાતસો કહેવતોનો સંગ્રહ છે. તેમણે ‘અમદાવાદનો ઇતિહાસ’ લખ્યો. તેમાં મરાઠા રાજ્યનો અંતકાળ તથા અંગ્રેજ રાજ્યના આરંભ વચ્ચેના સમયનો ઇતિહાસ આપ્યો છે. તે માટે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ઈ. સ. 1850નું રૂપિયા 50(અંકે પચાસ રૂપિયા)નું પારિતોષિક તેમને આપ્યું હતું. એ જ વર્ષે તે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું.

આ ઉપરાંત સરકારે ગુજરાતી શાળાઓ માટે તેમની પાસે ‘ગુજરાતનો ઇતિહાસ’ લખાવ્યો અને રૂપિયા 200 પુરસ્કાર આપ્યો. તેમણે જૈનાચાર્ય વીરવિજયનું જીવનચરિત્ર પણ લખીને પ્રગટ કર્યું. અંગ્રેજ જનરલ ગોડાર્ડે અમદાવાદ જીત્યું, તે પ્રસંગનો રાસડો મગનલાલે લખ્યો હતો.

મગનલાલે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સેક્રેટરી અને પછી ટૅક્સ-કલેક્ટર તરીકે પાંચ વર્ષ નોકરી કરી હતી. અમદાવાદમાં ધ બૉમ્બે બૅન્ક શરૂ થઈ ત્યારે મગનલાલ 1862માં તેમાં માસિક રૂપિયા 250ના પગારથી જોડાયા. ત્યારબાદ અમદાવાદમાં ધ રૉયલ બૅન્ક સ્થપાઈ ત્યારે તેના એજન્ટ તરીકે માસિક રૂપિયા 500ના પગારથી તેમની નિમણૂક થઈ હતી. તે સમયે આટલો મોટો પગાર ભાગ્યે જ કોઈ ગુજરાતી મેળવતો હશે !

અમદાવાદમાં કૉલેજ સ્થાપવા, ભંડોળ ભેગું કરવાના કાર્યમાં તેમણે નોંધપાત્ર કામગીરી કરી હતી. અમદાવાદની સેશન્સ કોર્ટમાં ફોજદારી મુકદ્દમાઓ માટે એસેસર તરીકે તેમને વખતોવખત નીમવામાં આવતા હતા. અમદાવાદની ‘અમદાવાદ કૉટન ક્લિનિંગ કંપની’ના ડિરેક્ટર તરીકે, કંપનીના હિસાબ તથા હેવાલ તેઓ રજૂ કરતા. આમ અમદાવાદમાં વિવિધ ક્ષેત્રે તેમણે નોંધપાત્ર સેવા આપી હતી.

જયકુમાર ર. શુક્લ