શેખ, સાંદી (જ. 1184; અ. 1291) : તૈમૂરી યુગના મહાન સૂફી કવિ અને સાહિત્યકાર. તેમનું મૂળ નામ મુશરફુદ્દીન બિન અબ્દુલ્લાહ હતું. ‘મુસલેહ લકબ’ (ખિતાબ) અને ‘સાંદી’ તખલ્લુસ (ઉપનામ) ધરાવતા હતા. તેમણે બાળપણમાં પિતાને ગુમાવ્યા હતા. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ ઘર પર અને મદરેસાઓમાં મેળવ્યું. ઉચ્ચ શિક્ષણ મેળવવા તેઓ બગદાદ ગયા. ત્યાંની નિઝામિયા યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમને અલ્લામા અબુલફરજ અબ્દુર્રેહમાન ઇબ્ને જ્વાઝી જેવા મહાન વિદ્વાન પાસે અધ્યયન કરવાનો મોકો મળ્યો.
શિક્ષણ પૂરું થતાં તેમણે નિઝામિયા યુનિવર્સિટીમાં જ શિક્ષક તરીકે કેટલોક વખત સેવાઓ આપ્યા બાદ 20 વર્ષ સુધી વિશ્વનો પ્રવાસ ખેડ્યો. બગદાદ, સીરિયા અને મક્કા મોઅઝઝથી શરૂ કરીને ઉત્તર આફ્રિકા સુધી સફર કરી. તેમને ઘણી વાર હજ્જે બયતુલ્લાહની સઆદત પણ પ્રાપ્ત થઈ હતી. કેટલાકના મત પ્રમાણે તેમણે હિંદુસ્તાનની મુલાકાત લીધી હતી; પરંતુ નવાં સંશોધનો પરથી પુરવાર થયું છે કે તેઓ ક્યારેય હિંદુસ્તાનની મુલાકાતે આવ્યા ન હતા. પ્રવાસ પૂરો કરી તેઓ શીરાઝ પાછા ફર્યા.
તેમણે ‘ગુલિસ્તાં’ અને ‘બોસ્તાં’ નામક કસીદા (પ્રશંસા) કાવ્યો ઉપરાંત ગઝલો, તરજીઅબંધ, રુબાઇઓ અને કત્તઆત વગેરેના સંગ્રહો માનવસમાજના કલ્યાણ અર્થે રચ્યાં છે. અલ્લાહત્આલાએ તેમને એવી દૃષ્ટિ અને ભાવના આપ્યાં કે જેથી તેઓ સૃદૃષ્ટિનાં રહસ્યોને પામી શક્યા. તેમના કસીદાઓમાં કેવળ પ્રશંસા નહિ પણ આદરભાવ સાથે ન્યાય, સચ્ચાઈ, ચારિત્ર્યઘડતર અને લોકોની ભલાઈ કરવાની ભાવના વણાયેલી છે.
તેમણે ગઝલોને અનોખા અંદાજમાં રજૂ કરી છે. ગઝલોમાં લતાફત ભરી હોવાથી તેમને ‘ગઝલોના પયગંબર’ કહેવામાં આવે છે. તેમની ગઝલોમાં પ્રેમ અને મસ્તીભરી ભાવના, દુ:ખ-દર્દની વેદના, શોખ, કલ્પનાની ઊંચી ઉડાનની બાબતોને સુંદર રીતે ગૂંથી લીધી છે. તેમની શૈલી અને લઢણથી રચાયેલ ગઝલોને ફારસી સાહિત્યમાં પ્રથમ કોટિનું સ્થાન પ્રાપ્ત થયું; અને આજે પણ એ સ્થાન જળવાયેલું છે.
તેમની બંને કૃતિઓ ‘ગુલિસ્તાં’ અને ‘બોસ્તાં’એ તેમને વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરાવી. તેમણે ‘બોસ્તાં’ની રચના 10 ભાગમાં 1257માં કરી હતી અને ‘ગુલિસ્તાં’ની 8 ભાગમાં 1258માં. તે બંને કાવ્યોમાં ખાસ કરીને માનવીય મૂલ્યો અને ચારિત્ર્યઘડતરને વણી લીધાં છે. ‘ગુલિસ્તાં’ ફારસી ભાષાની અજોડ રચના ગણાય છે. તેમાં તેમનાં નિરીક્ષણ અને અનુભવોના નિચોડની વાતો વણી લીધી હોવાથી જામીએ તેને સ્વર્ગનો બગીચો કહ્યો છે. તેમના અવસાન બાદ તેમને જ્યાં દફનાવવામાં આવ્યા તે સ્થળ ‘સાદીયહ’ તરીકે ઓળખાય છે.
ઝહીર મોહંમદ જાન મોહંમદ શેખ