શેખ, સલાહુદ્દીન

January, 2006

શેખ, સલાહુદ્દીન (પંદરમી સદી) : ગુજરાતના સુલતાન અહમદશાહના સમયના અમીર. એ હિંદુ હતા અને એમનું મૂળ નામ તુકાજી હતું. તે નાના હતા ત્યારે એક વખત અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહના ગુરુ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબને મળવા ગયા હતા. એ વખતે ગંજબક્ષ સાહેબે એમને ‘બાબા તાલીબ’ (શોધક) તરીકે સંબોધીને એમના હાથમાં ‘કુરાન’ આપ્યું. તે ‘કુરાન’ તુકાજીએ તરત જ વાંચવા માંડ્યું. તેથી આસપાસમાં ઊભેલા સર્વને આશ્ચર્ય થયું. એ પછી ગંજબક્ષ સાહેબમાં શ્રદ્ધા ઉત્પન્ન થતાં તેઓ મુસલમાન બન્યા અને ઇસ્લામ ધર્મનો સ્વીકાર કર્યો. મુસ્લિમ તરીકે એમણે ‘શેખ સલાહુદ્દીન’ નામ ધારણ કર્યું.

શેખ સલાહુદ્દીન અમદાવાદના સ્થાપક સુલતાન અહમદશાહના સમકાલીન એક અગ્રણી અમીર હતા. એમની હવેલી અમદાવાદમાં રિલીફ રોડથી પાનકોર નાકા તરફ જવાના રસ્તે હઝરત પીરમુહમ્મદશાહની દરગાહ પાસે હતી. શેખ સલાહુદ્દીનની કબર સરખેજમાં એમના ગુરુ શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ સાહેબની કબર પાસે આવેલી છે અને 22મી રબીઉલ અવલે એમનો ઉર્સ થાય છે.

મુગટલાલ પોપટલાલ બાવીસી