શેખ હસીના (જ. 28 સપ્ટેમ્બર, 1947, ટુંગીપરા, બાંગ્લાદેશ)  : બાંગ્લાદેશના વર્તમાન પ્રધાનમંત્રી અને અવામી લીગ રાજકીય પક્ષનાં સર્વેસર્વા શેખ હસીના દુનિયાના રાજકીય ઇતિહાસમાં કોઈ પણ દેશની સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય શાસન કરનાર મહિલા શાસક. તાજેતરમાં જગપ્રસિદ્ધ મૅગેઝિન ‘ધ ઇકૉનૉમિસ્ટ’એ એશિયાનાં લોખંડી મહિલા ગણાવ્યાં છે તેમણે સૌપ્રથમ વર્ષ 1996થી વર્ષ 2001 સુધી અને પછી વર્ષ 2009થી હાલ સુધી કુલ 19 વર્ષ બાંગ્લાદેશ પર શાસન કર્યું છે અને હજુ પણ તેમનો શાસનકાળ ચાલુ છે. આ દ્રષ્ટિએ તેમણે ઇન્દિરા ગાંધી અને માર્ગારેટ થેચરને પાછળ પાડી દીધાં છે. તેમના શાસનકાળની સૌથી મોટી સફળતાઓ છે – બાંગ્લાદેશનું આર્થિક ઉદારીકરણ અને દેશમાં ગરીબીના દરમાં ઘટાડો.

પિતા બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા અને સ્થાપક, બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજિબર રહમાન. માતા શેખ ફઝિલાતુન્નેસા મુજિબર. 1960ના દાયકામાં ઢાકા યુનિવર્સિટીમાં યુવાવસ્થાથી રાજકારણમાં સક્રિય. વર્ષ 1972માં બાંગ્લાદેશની સ્થાપના થઈ અને પિતા બાંગ્લાદેશના શાસક બન્યા. પણ 15 ઑગસ્ટ, 1975ના રોજ બાગ્લાદેશની સેનાનાં બળવામાં પિતા અને પરિવારના મોટા ભાગના સભ્યોની હત્યા થઈ એ સમયે હસીના બાંગ્લાદેશમાં નહોતાં, જેનાં પગલે તેમનો જીવ બચી ગયો. ભારતમાં રાજકીય આશ્રય મેળવ્યો. 17 મે, 1981ના રોજ અવામી લીગના પ્રમુખ તરીકે બાંગ્લાદેશમાં પુનરાગમન કર્યું. ફેબ્રુઆરી અને નવેમ્બર, 1984માં તેમને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યાં. માર્ચ, 1985માં ફરી ત્રણ મહિના માટે નજરકેદ રાખવામાં આવ્યાં. 1986-87માં બાંગ્લાદેશની સંસદમાં વિપક્ષના નેતા બન્યાં. સેનાનું સમર્થન ધરાવતા રાષ્ટ્રપતિ હુસૈન મુહમ્મદ ઇર્શાદે ડિસેમ્બર, 1987માં સંસદનું વિસર્જન કર્યું. બાંગ્લાદેશ રાષ્ટ્રવાદી પક્ષ(બીએનપી)ના ખાલીદા ઝિયા સાથે હસીનાએ દેશમાં લોકશાહી ફરી સ્થાપિત કરવા લડત ચલાવી. વર્ષ 1991માં સંસદીય ચૂંટણીમાં બીએનપીનો વિજય થયો. ઝિયાની અવામી લીગ મુખ્ય વિપક્ષ બન્યો.

વર્ષ 1996માં બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં વિજય મેળવ્યો અને પહેલી વાર પ્રધાનમંત્રી બન્યાં. તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશે ભારત સાથે 30 વર્ષની જળવહેંચણી સમજૂતી કરી. તેમની સરકારે ટેલીકોમ ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યો, વર્ષ 1998માં મેગા પ્રોજેક્ટ બંગબંધુ બ્રિજ પૂર્ણ કર્યો. વર્ષ 1999માં સરકારી નવી ઔદ્યોગિક નીતિ બનાવી, જેનો ઉદ્દેશ ખાનગી ક્ષેત્રને મજબૂત કરવાનો અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. દેશમાં કુટિર, નાનાં અને શ્રમકેન્દ્રિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવ્યું, જેથી રોજગારીનો દર વધ્યો અને ગરીબીનો દર ઘટ્યો. આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવીને હસીનાએ અર્થતંત્રનાં વિવિધ ક્ષેત્રોમાં સુધારાઓ હાથ ધરીને દેશની જીડીપીમાં સરેરાશ 5.5 ટકાની વૃદ્ધિ કરી. આ રીતે હસીનાના શાસનકાળમાં બાંગ્લાદેશમાં ગરીબીનો દર ઘટાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ. વર્ષ 2001માં બાંગ્લાદેશના ઇતિહાસમાં પાંચ વર્ષનો શાસનકાળ પૂર્ણ કરનાર પ્રથમ પ્રધાનમંત્રી બન્યાં.

વર્ષ 2001માં અવામી લીગનો પરાજય થયો અને બીએનપીનો વિજય થયો. વર્ષ 2008 સુધી વિપક્ષના નેતા બન્યાં. દરમિયાન વર્ષ 2004માં 21 ઑગસ્ટના રોજ ઢાકામાં એક મોટી સભામાં ગ્રેનેડથી હુમલો થયો, જેમાં હસીનાનો આબાદ બચાવ થયો. વર્ષ 2008ની સંસદીય ચૂંટણીમાં વિજય થયો. 6 જાન્યુઆરી, 2009ના રોજ બીજી વાર પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. જાન્યુઆરી, 2010માં પિતા મુજિબર રહેમાનની હત્યા કરનાર સેનાનાં પાંચ અધિકારીઓને ઢાકામાં મૃત્યુદંડ આપ્યો.

વર્ષ 2014માં અવામી લીગ અને ગઠબંધને મોટો વિજય મેળવીને સત્તામાં પુનરાગમન કર્યું. આ ચૂંટણીનો મુખ્ય વિપક્ષ બીએનપીએ વિરોધ કર્યો હતો અને એક પણ ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. સપ્ટેમ્બર, 2017માં મ્યાનમારમાંથી વિસ્થાપિત રોહિંગ્યા મુસ્લિમોને આશ્રય આપીને વૈશ્વિક સમુદાયનું હૃદય જીતી લીધું.

વર્ષ 2019માં બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં 300માંથી 288 બેઠકો પર અવામી લીગે વિજય મેળવ્યો અને હસીના ચોથી વાર પ્રધાનમંત્રી બન્યાં. મુખ્ય વિપક્ષ બીએનપીના ખાલિદા ઝીયા અને કમલા હોસૈને ચૂંટણીને ફારસ ગણાવી. હ્યુમન રાઇટ્સ વોચ અને અન્ય સંસ્થાઓએ પણ વિપક્ષ માટે વાતાવરણ મુશ્કેલ હોવાના અભિપ્રાયો આપ્યા હતા. ધ ન્યૂયૉર્ક ટાઇમ્સના એડિટોરિયલ બોર્ડે પણ ચૂંટણીને ફારસ ગણાવી.28 ડિસેમ્બર, 2022ના રોજ ઢાકા મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું, જે દેશની પ્રથમ માસ-રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ છે.

વર્ષ 2009માં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો. આબોહવા પર પરિવર્તન માટે સંયુક્ત રાષ્ટ્રનો પર્યાવરણ પુરસ્કાર એનાયત થયો છે. વર્ષ 2014માં યુનેસ્કોએ મહિલાઓના સશક્તીકરણ અને કન્યાકેળવણી માટે પીસ ટ્રી ઍવૉર્ડ એનાયત કર્યો.

કેયૂર કોટક