શેખ, મુબારક નાગોરી (જ. 1504, નાગોર, રાજસ્થાન; અ. 1594) : સૂફી સંત. યમનના શેખ મુસાના ખાનદાનમાં જન્મ. તેમના ખાનદાનમાં ઘણા પ્રકાંડ પંડિતો, વિદ્વાનો થઈ ગયા. શેખ મુસાએ સંસારનો ત્યાગ કર્યો અને સિંધમાં આવી એકાંતવાસ કર્યો. ઘણાં વર્ષો બાદ લગ્ન કર્યું.
તેમના એક વંશજ શેખ ખિજર દસમી હિજરી સદીમાં સૂફીઓ, ઓલિયાઓને મળવા હિંદુસ્તાન આવ્યા. સંતો અને બુઝુર્ગોની સલાહથી તેઓ નાગોર(રાજસ્થાન)માં રોકાયા. ઘણાં બાળકોના દેહાંત બાદ એક બાળકનો જન્મ થયો. તેનું નામ મુબારકુલ્લાહ રાખ્યું. બાળપણથી તે બાળકે પોતાની વિદ્યા દ્વારા ખાનદાનની ખ્યાતિ પ્રાપ્ત કરી. 14 વર્ષની વયે બાળકે બાહ્યવિદ્યામાં પ્રવીણતા મેળવી; સખત પરિશ્રમ કરીને બીજી કલાઓમાં પણ પૂર્ણતા મેળવી. ત્યારબાદ તેઓ (શેખ મુબારક) ખ્વાજા અબ્દુલ્લાહ અહરારની સેવામાં રહી સત્યની શોધ કરવા લાગ્યા.
માતાના અવસાન બાદ તેઓ ફરતા ફરતા ગુજરાતના અમદાવાદ શહેરમાં આવી પહોંચ્યા અને ઘણા ગ્રંથોનો ઝીણવટપૂર્ણ અભ્યાસ કર્યો. મહાન સૂફી સૈયદ એહમદ ગૈસુદરાઝ તે વખતે અમદાવાદમાં હતા. તેમની પાસેથી શેખ મુબારકને ફ્યુઝ વ બરકત (આધ્યાત્મિક લાભ) પ્રાપ્ત થયો. તેઓ સદાય આત્માના કલ્યાણ માટે તત્પર રહેતા. અમદાવાદમાં તેમણે તસબૂફ (સૂફીવાદ), ઇલ્મે ઇશરાક (ગદ્યરચનાશાસ્ત્ર), તર્કશાસ્ત્ર, ઇલાહીયાત (દર્શનશાસ્ત્ર) વગેરેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ શેખ મોહિયુદ્દીન અરબી, શેખ ઇબ્ને ફારજ અને શેખ સદરુદ્દીન કોમવી જેવા ત્રિકાળજ્ઞાનીઓના ગ્રંથોનો અભ્યાસ કર્યો. પછી તેઓ શેખ ઉમર ઠઠવીના શિષ્ય બન્યા, જેમણે તેમનામાં કિબરુયા સિલસિલાનો દીવો પ્રગટાવ્યો. સંત શેખ યૂસુફ મજ્ઝૂબે તેમને પ્રવાસનો વિચાર છોડી આગ્રામાં સ્થિર થવા સલાહ આપી.
છઠ્ઠી મોહરમ હિજરી સન 950માં તેઓ આગ્રા પહોંચીને યમુના નદી પાસે ચાર બાગ નામના વિસ્તારમાં મીર રફીઉદ્દીન સફવી ચિશ્તીની પડોશમાં સ્થાયી થયા. ત્યાં કુરેશી કુટુંબની છોકરી સાથે લગ્ન કર્યાં. 1547માં તેમને ત્યાં ફૈઝીનો જન્મ થયો અને 1551માં અબૂલ ફઝલનો જન્મ થયો. મીર રફીઉદ્દીનના અવસાન બાદ શેખ મુબારકે સંપૂર્ણ એકાંતવાસ સ્વીકાર્યો. કોઈની ભેટસોગાદનો ઇનકાર કરવાની ત્યાગભાવનાથી તેમની સુવાસ ચોમેર ફેલાઈ. અફઘાની શાસન દરમિયાન તેમણે આધ્યાત્મિક વિદ્યા શીખવવા પાઠશાળા શરૂ કરી. તેમની મદરેસાનો લાભ લેવા ઈરાન અને તુર્કસ્તાનથી વિદ્વાનો આવવા લાગ્યા. તેમના દુશ્મનોએ તેમને રાફઝી અને મહેદવી કહ્યા તથા શિયાપંથી હોવાનો આરોપ મૂક્યો. પરંતુ અબૂલ ફઝલ અને અબૂલ ફૈઝીના પ્રયત્નોથી અકબર બાદશાહે તેમને આશ્રય આપ્યો. શેખ મુબારકે મહઝરની રચના કરી હતી. તેમનું અવસાન 17 ઝિલકદ હિજરી સન 1001માં થયું હતું.
ઝહીરમોહંમદ જાનમોહંમદ શેખ