શેખ, ફરીદુદ્દીન ગંજેશકર (જ. ઈ. સ. 1188, કોઠેવાલા, મુલતાન; અ. 1280) : ભારતીય સૂફી-સંત પરંપરાના અગ્રણી, ધર્મોપદેશક અને ભારતના પ્રમુખ ચાર ચિસ્તી સૂફીઓમાંના એક. પ્રારંભિક શિક્ષા મુલતાનમાં લીધી. ત્યાર પછી દિલ્હીના શેખ કુતબુદ્દીન બખત્યાર પાસે દીક્ષિત થઈ અજોધન ઉર્ફે અજયવર્ધન (સાહીવાલ-પાકિસ્તાન) નામના ગામે સ્થાયી વસવાટ સ્વીકાર્યો. તેમનું એક નામ હતું શકરગંજ અથવા ગંજ-એ-શકર અર્થાત્ શકર(સાકર)નો ખજાનો. એક દંતકથા મુજબ એક વાર એમણે રોજાનો ઇફ્તાર માટીથી કરેલ; ત્યારે એ માટી સાકર (શકર) બની ગયેલ ! ત્યારથી તે શકરબાર અથવા ગંજ-એ-શકર તરીકે ઓળખાવા લાગ્યા. સરળ ચરિત્ર ને સહજ વાણીના કારણે બાબા ફરીદ તત્કાલીન લોકોમાં અત્યંત લોકપ્રિય હતા. સ્વયં ઉચ્ચ કોટિના વિદ્વાન હોવા છતાં તેમની વાણીમાં વિદ્વત્તાનો આડંબર ન હતો. સ્વયં સુન્ની મુસ્લિમ હોવા છતાં તેમની વાણીમાં ‘ઇસ્લામ’, ‘કુરાન’, ‘પૈગંબર’ વગેરે શબ્દો મળતા નથી ! એ પરમતત્ત્વ માટે ‘સાહિબ’, ‘મીર’, ‘કંત’, ‘પ્યારા’, ‘સાજણ’ જેવા શબ્દો પ્રયોજે છે. એમની સમગ્ર વાણીનો પ્રેરણાસ્રોત લોકપરંપરા છે. પ્રેમની પીડા ને નૂરે મહમ્મદીની રહસ્યાનુભૂતિમાં વિશ્વાસ કરતી તેમની અધિકાંશ રચનાઓ પંજાબીમાં છે. ગુરુ નાનકે એમની વાણી ગુરુ-ગ્રંથમાં શામિલ કરી છે એ જ તેની મહત્તા સિદ્ધ કરે છે. તે સમાજના સાચા હિતચિંતક હતા અને મનુષ્યમાત્રની ભલાઈમાં વિશ્વાસ રાખતા. તેમનો સમગ્ર દૃષ્ટિકોણ માનવીય હતો. ટૂંકમાં, માનવમાત્રની ભલાઈ અને સમાજની ઉન્નતિ બાબાની સમગ્ર રચનાઓનો પ્રમુખ સ્વર રહેલ છે. કવિ મુહમ્મદ બખ્શે તેમને ‘કવિઓમાં સર્વશ્રેષ્ઠ’ કહ્યા છે. ‘અવ્વલ શેખ ફરીદ શકરગંજ’નાં અનેક પદો ને સાખીઓમાં બાબાની અનુભૂતિ અનુભવાય છે. એક ખંડ (સાખી) નોંધીએ :
સભના મન માણિક ઠાહુણ મૂલિ મચાંગ વા
જે તઉ પિરીઆ દી સિર્ક હિઆઉ ન ઠાહે કહી દા ॥
અર્થાત્, બધાંનું મન-હૃદય મોતી સમાન અમૂલ્ય છે તેને તોડવું કોઈ પણ રીતે ઉચિત નથી. જો તને પરમાત્માને મળવાની ઇચ્છા હોય તો ક્યારેય કોઈનું હૃદય ન તોડ.
હસમુખ વ્યાસ