શેખ, ફરીદુદ્દીન મસૂદ

January, 2006

શેખ, ફરીદુદ્દીન મસૂદ (. 1173, ખોતવાલ, હાલનું ચવાલી મશૈખ, જિ. મુલતાન, પાકિસ્તાન; . 1266, પાકપટ્ટન (અજોધન), જિ. સહિવાલ, પાકિસ્તાન) : બાબા ફરીદ તરીકે ખૂબ જાણીતા ભારતીય આદ્ય સૂફી સંત અને પંજાબી કવિ. તેમનું પૂરું નામ શેખ ફરીદુદ્દીન મોન્ડ ગંજેશકર જમાલુદ્દીન હતું. તેમના મૃત્યુ બાદ તેમના ભક્તોએ તેમનું ઉપનામ ‘મસૂદ’ રાખેલું. પ્રખ્યાત સૂફી કવિ ફરીદ-ઉદ્-દીન અત્તરના નામ પરથી તેમનું નામ ફરીદ (એટલે અરબીમાં ‘વિરલ’) રાખેલું.

ફરીદુદ્દીન મસૂદ શેખ

તેમના પિતા શેખ જમાલુદ્દીન સુલેમાન બીજા ખલીફાના વંશજ હતા. શેખ ફરીદ સુલતાન ફરાખ્શાલના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતા હતા. ચંગીઝખાનનાં ક્રૂર આક્રમણોને કારણે તેમના વડવાઓ મુલતાન આવી સ્થિર થયેલા. તેમના પિતા ઇસ્લામી કાયદા અને ધર્મશાસ્ત્રના વિદ્વાન હતા. તેથી શેખ ફરીદને બાળપણથી જ નિયમિત પ્રાર્થના કરવાના  ધર્મપરાયણતાના સંસ્કારો મળ્યા હતા. એક વાર પ્રાર્થનામાં તેમને સાકરનો ગંજ મળ્યાનો ચમત્કાર થયેલો. તેથી તે ગંજ-ઇ-શકર તરીકે ઓળખાયા. વિદ્વાનોના મતે તેઓ સ્વભાવે ખૂબ જ માયાળુ, સુમધુર વાણી અને સંત પુરુષોનાં લક્ષણોવાળા હોવાના કારણે તેઓ ગંજેશકર ‘સાકરનો ખજાનો’ તરીકે ઓળખાતા.

તેમનું પ્રારંભિક શિક્ષણ મુલતાનમાં સુહરાવર્દી શાખાના પીર બહાઉદ્દીન ઝકરિયા પાસેથી તેમની માતા મરિયમ અથવા કુરસુમબીબીની કડક દેખરેખ હેઠળ થયું. ત્યાંથી વધુ અભ્યાસ માટે તેઓ દિલ્હી ગયા. તેમની માતા પણ ધાર્મિક વૃત્તિવાળાં હતાં. ફરીદુદ્દીન સંસ્કારે યુવાનવયે સામાન્ય રીતે અર્ધું ટમ્બલર શરબત, સૂકી દ્રાક્ષના થોડા ટુકડા અને જુવારના લોટની અર્ધી પાંઉ રોટી પર આખો દિવસ રહેતા, તથા અત્યંત સાદાઈભર્યું અને સંયમી જીવન જીવતા. તેથી તેઓ ચિશ્તી સિલસિલાના ધાર્મિક સંપ્રદાયના સ્તંભ બન્યા.

તેમણે તેમની નાની વયથી સૂફીવાદની તીવ્ર સાધના આરંભી. તેમાં અનશન તથા એકાંત કૂવામાં રોજ કલાકો સુધી નતમસ્તકે 40 દિવસ સુધી લટકતા રહેવાનો સમાવેશ થતો હતો. આવી સાધનાએ તેમને અતિ ઉચ્ચ કક્ષાના સૂફી અથવા કુત્બ (ઋષિ) બનાવ્યા અને તેમની ખ્યાતિ દૂર સુધી ફેલાઈ.

હરિયાણામાં હન્સી ખાતે તેમણે વર્ષો સુધી પ્રાર્થના અને ઉપદેશમાં સમય વિતાવ્યો. તેઓ ઈશ્વરને દાસી ભાવે ભજતા હતા. ત્યારબાદ પાકિસ્તાનના સહિવાલી જિલ્લા(મૉન્ટગોમરી)માં તેમના વતન અજોધન ખાતે તેઓ સ્થિર થયા. સતલજ નદીના કિનારે આવેલ અજોધન ખાતે તેમણે સળંગ 60 વર્ષ ગાળ્યાં. ત્યાં ઘણા સૂફી સંતો તેમના દર્શને આવતા. ધર્મના પ્રચાર માટે તેમણે 20 ખલીફા નીમ્યા હતા. તે નગર પાછળથી તેમના તપોબળના માનમાં પાકપટ્ટન (પવિત્ર હોડી) તરીકે જાણીતું થયું. ત્યાં રાજા-મહારાજાઓ તથા ઘણા લોકો તેમના દર્શને આવતા.

આખા જીવન દરમિયાન તેમના પવિત્ર અને દૈવી વિચારોથી સૌ પ્રભાવિત થયા. આમ પ્રભાવિત થયેલા રાજા ગોકુલ દેવે તેમની રાજધાનીનું નામ આ મહાન સૂફી સંતના માનમાં ફરીદકોટ રાખ્યું, જે આજે પણ પંજાબમાં જાણીતું છે. દિલ્હીના શેખ નિઝામુદ્દીન ઓલિયા જેવા તેમના અનેક અનુયાયીઓ હતા. કટ્ટરવાદીઓના વિરોધી એવા તેમણે મહમદ પયગંબરનો સાચો સંદેશ દૂર દૂરના દેશોમાં ફેલાવ્યો. તેમણે ફારસી અને અરબીનો અભ્યાસ કર્યો હોવા છતાં પંજાબીની મુલતાની બોલીમાં કરેલી નૈતિક અને આધ્યાત્મિક અભ્યર્થનાવાળી કાવ્યરચના તેમનું આગવું પ્રદાન ગણાય છે. તેમણે લોકો સમજી શકે તેવી સરળ ભાષામાં ઉપદેશ આપ્યો છે.

તેમની પંજાબી કાવ્ચરચનાઓના શબ્દ અને શ્લોકો શીખ સંપ્રદાયના આદિ ગ્રંથની હસ્તપ્રતમાં જળવાયા છે. તેના વિષય-વસ્તુમાં ઈશ્વરભક્તિ, પ્રાર્થનાની ફરજ, જીવનમાં વૈરાગ્ય, વાસનાઓ અને તૃષ્ણાઓમાંથી મુક્તિ, માનવતાવાદ અને મૃત્યુનું સતત સ્મરણ – જેવી બાબતોનો સમાવેશ છે, જેથી જીવન વ્યર્થ વેડફાય નહિ. મહાન સૂફી હોવા ઉપરાંત તેઓ વાસ્તવમાં પંજાબી કાવ્યના પિતા ગણાય છે. બાબાના અવસાનના 300 વર્ષ પછી પંજાબીમાં ફરીદના જ્ઞાનસંપન્ન અને મંત્રમુગ્ધ કરતા શબદ અને શ્લોકથી ગુરુ નાનકદેવ પ્રભાવિત થયેલા. પાંચમા ગુરુ અરજણદેવે આદિ ગ્રંથના સંકલનમાં બાબા ફરીદના 112 શ્લોકો અને 4 શબદનો સમાવેશ કર્યો હતો. ભયાનક સરમુખત્યારશાહી, અપમાનજનક સામાજિક અત્યાચાર અને ધર્માંધતાના યુગમાં તેજસ્વી તારાની જેમ ચમકતા બાબા ફરીદના ઉપદેશને અસાધારણ માન્યતા મળી. તેમની વાણીનો આદિગ્રંથમાં સમાવેશ થવાથી તેમનાં વ્યક્તિત્વ, દર્શન અને તત્ત્વચિંતનને અમર અને અવિનાશી ગૌરવ પ્રાપ્ત થયું. તેના દ્વારા તેમને માનવજાતને સંતોષ અને સંયમી જીવન જીવવાનો રસ્તો મળ્યો.

માનવતાવાદી સદ્ભાવનાવાળા તેમના એક શ્લોકનો ભાવાર્થ છે :

‘બધાનાં હૃદય ઝવેરાત સમાં છે તેમને દુ:ખ દેવું જરા પણ સારું નથી. જો તમે તમારા પ્રીતમને ચાહતા હો તો કદી કોઈના પણ હૃદયને ચોટ પહોંચાડશો નહિ.’

બળદેવભાઈ કનીજિયા