શેખ, નૂરુદ્દીન (જ. 1377, ખેજોગીપોરા, તા. કુલગામ, જિ. જમ્મુ; અ. 1441, રૂપવન, તા. બેરવા, કાશ્મીર) : મહાન કાશ્મીરી સંત અને કાશ્મીરી યૌગિક સંસ્કૃતિના પ્રતીક. તેમનું મૂળ નામ નંદ ઋષિ હતું. તેઓ ‘શેખ-ઉલ્-આલમ’, ‘આલમદારી કાશ્મીર’, ‘શમ્સ-ઉલ્-આરિફિન’, ‘કાશુર વાઝખાન’, ‘પિરાની પીર’, ‘પીરી ઋષિ’ અને ‘સહજ આનંદ’નાં વિવિધ ઉપનામે ઓળખાતા હતા. ધર્મ-શ્રદ્ધા અને જાતિ ધ્યાનમાં લીધા વિના તમામ કાશ્મીરીઓ તેમના પર એકસરખો ભક્તિભાવ રાખતા. તેઓ કાશ્મીરી ‘નઝ્મ’ના પિતા અને કાશ્મીરના મુસ્લિમ ઋષિ સંઘના એક સ્થાપક હતા, જે દેશી મૂળનો સૂફી સંપ્રદાય છે.
તેમના વડવાઓ સૂરજવંશી રાજપૂતો અને કિસ્તાવર(જિ. જમ્મુ)ના શાસકો હતા. યુદ્ધમાં હાર મળતાં તેમને હિંદુ શાસનવાળા કાશ્મીરમાં સ્થળાંતર કરવાની ફરજ પડી. 1320 પછી અનંતનાગ જિલ્લાના કુલગામ ખાતે સ્થિર થયા. ત્યાં સૈયદ હુસેન સિમનાનીના પ્રભાવ હેઠળ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. નંદ ઋષિનાં માતા સુદ્રામજ સૂરજવંશી રાજપૂત હતાં અને તેમણે પણ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. નંદ ઋષિને તેમનાં માતાપિતા શૂરવીર રાજપૂત કોમનાં હોવાનો ગર્વ હતો. તેમણે બાળપણમાં તેમના પિતા ગુમાવ્યા હતા. તેમનાં લગ્ન નાની વયે દાદાસરાના ઝૈદેદ સાથે થયાં. તેનાથી તેમને એક પુત્ર હૈદર અને પુત્રી ઝૂન દેદ થયાં. તેઓ પણ નાની ઉંમરે અવસાન પામ્યાં.
21 વર્ષની ઉંમરે નંદ ઋષિએ કુટુંબનો ત્યાગ કર્યો અને ચિંતન અને મનન કરવા અને આધ્યાત્મિક ચેતના મેળવવા તેઓ ગુફાબલ ગુફામાં દાખલ થયા. તેમનાં માતાએ તેમને ત્યાંથી પાછા વાળવા ઘણા પ્રયત્નો કર્યા પણ તે નિષ્ફળ નીવડ્યા. નંદ ઋષિએ 12 વર્ષ સુધી તે ગુફામાં તપ કર્યું. ગુફામાંથી બહાર આવ્યા ત્યારે તેમણે 2,000 કડવાં ધરાવતા દીર્ઘ વૃત્તાન્ત ‘બુદ્ધચરિત’ની રચના કરી. આ કૃતિ સદાને માટે ગુમ થઈ છે, પરંતુ કવિને મહાત્મા બુદ્ધનાં જીવન અને કાર્ય માટે કંઈક કહેવું છે તે તેનું શીર્ષક પુરવાર કરે છે. નંદ ઋષિનાં વચનો અને કાર્યો પર બુદ્ધ અને તેમના ઉપદેશનો ઊંડો પ્રભાવ વરતાય છે. તેથી તેઓ મુસ્લિમ સૂફી કરતાં વધુ બૌદ્ધ સાધુ જેવા લાગે છે. જીવતાં પ્રાણીઓની કતલ સમેત તમામ પ્રકારની હિંસા અને આપખુદી અને જુલમી રાજ્યકારભાર સામે તેમનો સખત વિરોધ હતો.
કૈમોહથી નીકળી છ મહિના નૂરબાદમાં અને છ મહિના મુક્ત પુખરી નામના શ્રીનગરના મહોલ્લામાં રહ્યા. ત્યારબાદ બેરવા તાલુકાના હોન્ચીપોરા ખાતે 7 વર્ષ સુધી રોકાયા. ત્યાંથી થોડો વખત સુથરાન રોકાયા. બાદ દારિગામમાં 12 વર્ષ રહ્યા. છેલ્લાં 6 વર્ષ તેમણે તપસ્વીની રીતે પરિભ્રમણ કર્યું અને રૂપવન ખાતે દેહત્યાગ કર્યો. તેમના શબની દફનક્રિયા ચારી શરીફ ખાતે તેમને અશ્રુભીની વિદાય આપતી હજારો લોકોની મેદની વચ્ચે કાશ્મીરના તત્કાલીન રાજા બડશાહની કબરની બાજુમાં કરવામાં આવી,
તેઓ ચુસ્ત શાકાહારી હતા. તેમણે ભારતની પ્રાચીન ઋષિસંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કર્યું. જે તેમના ઉમદા વિચારો અને ઉચ્ચ નૈતિક શક્તિ પરથી સ્પષ્ટ થાય છે. ગૃહત્યાગ કર્યા બાદ તેઓ સૂકાં શાકભાજી પર રહ્યા અને ‘પત્રાહાર’ ઋષિના માર્ગને અનુસર્યા અને જીવનના છેલ્લા તબક્કામાં માત્ર પાણી પર રહીને ભારતના પ્રાચીન ઋષિ ‘સાલિહરા’ માર્ગને અનુસર્યા.
મહાન સંત હોવાની સાથોસાથ નંદ ઋષિ ખ્યાતનામ અને ઊંચા દરજ્જાના કવિ હતા અને તેઓ લલ દદથી બીજા સ્થાને આવે છે. તેમનાં કાવ્યો લાલિત્યપૂર્ણ અને અર્થપૂર્ણ છે. તે વાચકના હૃદયને ઊંડી અસર કરે છે અને જીવનના ઉચ્ચ આદર્શો વિશે વિચારતા કરી મૂકે છે. તેમની રચનાઓ ‘શ્રુક’ તરીકે ઓળખાય છે, જે સંસ્કૃત શ્લોકનું કાશ્મીરી સ્વરૂપ છે. ફક્ત નામમાં જ સરખાપણું છે. પિંગળ અને સ્વરૂપની બાબતમાં સંસ્કૃત શ્લોક અને શ્રુક વચ્ચે ઘણું અંતર છે. તેમના કાવ્યમાં મહાકાવ્યો, પુરાણો અને અન્ય શાસ્ત્રોમાંના સંદર્ભો વણી લેવામાં આવ્યા છે. તેમાં ફારસીનો ઓછામાં ઓછો પ્રભાવ જોવા મળે છે અને વિચારો, હકીકત અને ભાષાની દૃષ્ટિએ તે સંસ્કૃતની નજીક છે.
ફારસી લેખકોએ તેમની કૃતિઓને ‘સંસ્કૃતે’ અને ‘ગુરી’ જેવાં નામ આપ્યાં છે; પરંતુ તેમનાં સંસ્કૃતે અને ગુરી કાવ્યો ક્યારનાંય નાશ પામ્યાં છે. તેમનાં શ્રુક શ્રીનગરના પ્રકાશક મુહમ્મદ નૂર મુહમ્મદે શ્રેણીબદ્ધ રીતે પ્રગટ કર્યાં હતાં. અમીન કામિલે નંદ ઋષિના ‘નૂરનામા’(કાવ્ય-સંગ્રહ)નું સંપાદન કર્યું અને જમ્મુ અને કાશ્મીર અકાદમી ઑવ્ આર્ટ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજ, શ્રીનગરે 1965માં, સંતના અવસાન બાદ 500 વર્ષ પછી પ્રગટ કર્યું હતું. 1977-78માં સરકાર-કક્ષાએ કાશ્મીરમાં નંદ ઋષિની ષટ્-સંવત્સરીની પ્રતિષ્ઠાભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અનેક સેમિનાર, મુશાયરા અને ચર્ચાસભાઓ યોજવામાં આવ્યાં હતાં અને તેમનાં જીવનનાં વિવિધ પાસાંઓ પર લખાયેલા 12 ગ્રંથોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી દરમિયાન મોતીલાલ ‘સાકી’ દ્વારા સંપાદિત સંતના સર્વગ્રાહી ‘કુલ્લિયાત’ના બે ગ્રંથોનું વિમોચન અકાદમી દ્વારા કરવામાં આવ્યું હતું. આ વખતે તેમનાં શ્રુક હિંદી, અંગ્રેજી અને પંજાબીમાં અનૂદિત કરવામાં આવેલાં, જે અકાદમી દ્વારા ગ્રંથ રૂપે પ્રગટ કરેલાં છે. કાશ્મીરના મુસ્લિમો તેને ‘કાશુર કુરાન’ (કુરાન ઑવ્ કાશ્મીર) કહે છે.
આમ તેઓ ‘જીવો અને જીવવા દો’ના ઉદ્દેશમાં માનનારા બંધુત્વની મહાન પરંપરાના દ્યોતક રહ્યા છે.
બળદેવભાઈ કનીજિયા