શેખ, ગુલામમોહમ્મદ નૂરમોહમ્મદ (જ. 16 ફેબ્રુઆરી 1937, વઢવાણ, ગુજરાત) : ગુજરાતના અગ્રણી આધુનિક ચિત્રકાર, કલાગુરુ અને ગુજરાતી કવિ. એક ગરીબ પરિવારમાં જન્મ અને ઉછેર થયેલો. સુરેન્દ્રનગરમાં મૅટ્રિક્યુલેશન કર્યા પછી વડોદરા ખાતેની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ બરોડાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા અને કલાગુરુ રવિશંકર રાવળની નાણાકીય સહાય વડે કલા-અભ્યાસ આગળ ધપાવ્યો અને 1958માં ચિત્રકલાની સ્નાતક પદવી તથા 1961માં ચિત્રકલાની અનુસ્નાતક પદવી હાંસલ કરી.
અભ્યાસ દરમિયાન કલાગુરુઓ શંખો ચૌધરી, કે. જી. સુબ્રમણ્યન્, નારાયણ શ્રીધર બેન્દ્રે અને વી. આર. આંબેડકરનો તેમની પર ઊંડો પ્રભાવ પડેલો. ત્યારબાદ કોમનવેલ્થ સ્કોલરશિપ મળતાં લંડન ખાતેની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં વધુ ત્રણ વરસ 1963થી 1966 સુધી ચિત્રકલાનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ પૂરો કરીને તે છ માસ માટે ઇટાલીનાં નગરોનાં પરિભ્રમણમાં નીકળી પડ્યા અને રેનેસાંસ યુગના ઇટાલિયન ભીંતચિત્રોનાં તેમણે ઘનિષ્ઠ અભ્યાસ-નિરીક્ષણ કર્યાં. યુરોપથી પાછા ફર્યા બાદ 1967થી તેમણે માતૃસંસ્થા વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં ચિત્રકલાના અને કલાઇતિહાસના પ્રાધ્યાપક તરીકે નિમાયા. આ પદ ઉપરથી તેઓ 1993માં નિવૃત્ત થયા. ત્યાં સુધીમાં તેમણે અનેક નામી-અનામી કલાકારો અને કલાઇતિહાસકારોનું ઘડતર કર્યું.
એક ચિત્રકાર તરીકે શેખનું અદકું મહત્ત્વ એટલા માટે છે કે 1960-65 સુધીમાં અત્યંત અમૂર્ત અને ક્લિષ્ટ થઈ ગયેલી ગુજરાતની આધુનિક ચિત્રકલાને તેમણે મિત્ર ચિત્રકાર ભૂપેન ખખ્ખરના સહયોગમાં માનવઆકૃતિ તરફ વાળી અને ખાસ તો વિવિધ પ્રસંગ-નિરૂપણો મારફતે તે ફરીથી કથનાત્મક (નૅરેટિવ) અભિગમ લઈ આવ્યા. તેમના પ્રભાવના પરિણામે માત્ર તેમના જ શાગિર્દો નહિ, પણ સમગ્ર ભારતના ઘણા આધુનિક ચિત્રકારો અને શિલ્પકારો કથનાત્મક નિરૂપણ તરફ વળ્યા.
ગુજરાતી ભાષાના એક મહત્ત્વના કવિ એવા ગુલામમોહમ્મદ શેખના આરંભનાં ચિત્રોમાં ઘોડા, વૃક્ષો, ડુંગરા અને નગરની શેરીઓ જોવા મળે છે. પ્રસિદ્ધ અને લોકપ્રિય આધુનિક ભારતીય ચિત્રકાર મકબૂલ ફિદા હુસેનમાંથી પ્રેરણા પામી તેમણે ઘોડાની આકૃતિઓને વિવિધ પરિમાણ, મુદ્રાઓ, અંગભંગિઓ અને લય સાથે પ્રયોજી છે. ત્યારબાદ તેમણે કૉલાજ, પૉપ અને ઓપ પ્રકારના અત્યાધુનિક પ્રયોગો કર્યા. ત્યારબાદ આત્મકથનાત્મકતા તેમની કલામાં મુખર બની. આ દરમિયાન તેમણે ચીતરેલાં ચિત્રોમાં તેમનાં ચહેરાનાં આત્મનિરૂપણો અને મિત્ર ચિત્રકાર ભૂપેન ખખ્ખરનાં ચહેરાનાં નિરૂપણો જોવા મળે છે. આ જ ચિત્રોમાં શૃંગારરસથી તરબતર કામમૂલક રતિભાવ પણ ડોકાય છે. આ તબક્કાનાં તેમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં ‘પ્રતીક્ષા અને પરિભ્રમણ’ સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એ પછી વારો આવ્યો નગરોની શેરીઓનાં ચિત્રણોનો. તેમાં ચિત્રફલક ઉપર ક્ષિતિજ ફગાવી દઈ મહત્તમ મકાનો રજૂ કરવાની મોકળાશ તેમણે લીધી છે. આ પ્રકારનાં તેમનાં ચિત્રોમાં શ્રેષ્ઠ ગણાયાં છે : ‘બોલતી ગલી’ અને ‘વેચવાનું છે આ શહેર’. ‘બોલતી ગલી’માં કોઈ ઘરમાં ચાલતી મારામારી, કોઈ ઘરમાં ચાલતી ગુસપુસ તો કોઈ ઘરમાં ચાલતી કામક્રીડા – એમ માનવજીવનની વિવિધ પ્રવૃત્તિઓનું આલેખન કરવામાં આવ્યું છે. ‘વેચવાનું છે આ શહેર’માં આધુનિક ભારતીય નગરોમાં થતી કોમી હિંસાને વાચા આપી છે. આ નગરચિત્રોમાં શેરીઓમાં રહેતા નાગરિકોની પ્રવૃત્તિઓ ઉપરાંત પ્રત્યેક મકાનની અંદર રહેલા નાગરિકોની વિધવિધ પ્રવૃત્તિઓ સ્પષ્ટ દર્શાવી છે, અને એ રીતે તેમણે સંકુલ માનવસમાજને કેન્દ્રસ્થાને મૂક્યો છે. વૃક્ષ પણ શેખનો એક પ્રિય વિષય છે. વૃક્ષની આકૃતિની સંકુલતા મારફતે શેખ ‘વિકાસ’ના ખ્યાલ ઉપર ભાર મૂકતા હોય તેમ જણાય છે. 1990 પછીનાં તેમનાં શ્રેષ્ઠ ચિત્રોમાં ‘ગહન ક્ષિતિજ’, ‘અઝીઝ-અઝીઝાની કથા’, ‘બદલાતા પટ’, ‘સમયની પેલે પાર’ અને ‘પ્યાર, જંગ, સિતમ, અનિદ્રા’નો સમાવેશ થાય છે. મધ્યયુગના સંતકવિ ‘કબીર’ ઉપર પણ તેમણે તાજેતરમાં એક ચિત્રશ્રેણી કરી છે. શેખ ચિત્રોમાં આયોજન (composition) ક્ષેત્રે મુઘલ ચિત્રકલાથી પ્રભાવિત છે. તેમનાં ચિત્રોમાં માનવ-આકૃતિઓની ભરચક ગિર્દી અને ક્ષિતિજનો અભાવ મુઘલ ચિત્રકલાની દેણ છે.
શેખે પોતાનાં ચિત્રોનાં સોથી પણ વધુ વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. એમાં દુનિયાના ઘણા ખૂણા તેમણે આવરી લીધા છે : વડોદરા, મુંબઈ, અમદાવાદ, દિલ્હી, ચંડીગઢ, હરિયાણા, ભોપાલ, કોલકાતા, ચેન્નાઈ, બૅંગલોર, ન્યૂયૉર્ક, શિકાગો, કુવૈત, સિંગાપુર, ટોકિયો, બ્રસેલ્સ, લંડન, વૉશિંગ્ટન ડી.સી. અને પૅરિસ. 1987થી તે આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ શિકાગોમાં ચિત્રકલા અને કલાઇતિહાસના મુલાકાતી પ્રાધ્યાપક છે. ભારત સરકારે ‘પદ્મશ્રી’ ખિતાબ વડે 1983માં તેમનું સન્માન કરેલું. 1998માં ગુજરાત સરકારે રવિશંકર રાવળ ઍવૉર્ડ વડે અને 2002માં મધ્યપ્રદેશ સરકારે ‘કાલિદાસ સન્માન’ વડે તેમનું બહુમાન કર્યું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી (1961), કેન્દ્રીય લલિતકલા અકાદમી (1962) અને બૉમ્બે આર્ટ સોસાયટીએ (1963) પણ વિવિધ ખિતાબો વડે તેમને નવાજ્યા છે.
કેટલાંક નામી મ્યુઝિયમોમાં શેખનાં ચિત્રો કાયમી ધોરણે સંગ્રહ પામ્યાં છે :
1. નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, દિલ્હી
2. વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ, લંડન
3. રૂપાન્કર મ્યુઝિયમ, ભોપાલ
4. યુનિવર્સિટી મ્યુઝિયમ, ચંડીગઢ
5. પીબૉડી મ્યુઝિયમ, યુ.એસ.
ભોપાલના ધારાસભાગૃહમાં શેખનું એક વિરાટ કદનું તૈલચિત્ર સ્થાન પામ્યું છે.
આંધ્રપ્રદેશના આધુનિક ચિત્રકાર લક્ષ્મા ગૌડ ઉપર શેખે એક પુસ્તિકા લખી છે. દેશવિદેશમાં અનેક સ્થળે પ્રણાલિકાગત ભારતીય કલા ઉપરાંત આધુનિક ભારતીય કલા ઉપર તેમણે વ્યાખ્યાનો આપ્યાં છે. કે. જી. સુબ્રમણ્યન્, અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, જેરામ પટેલ, આનંદ કુમારસ્વામી, રાજા રવિ વર્મા અને અમૃતા શેરગીલ ઉપર તેમણે વિશદ સંશોધન-નિબંધો લખ્યા છે. ‘લલિતકલા કોન્ટેમ્પરરી’, ‘માર્ગ’ ઉપરાંત ઘણાં હિન્દી અને ગુજરાતી સામયિકોમાં અવારનવાર કલાના જુદા જુદા મુદ્દાઓ ઉપર લખ્યું છે. વડોદરા ખાતેની ‘ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ’ના સ્થાપના-ઉદ્ભવ અને વિકાસના ઇતિહાસ તથા તેની સાથે સંકળાયેલા અને તેમાંથી પ્રકટેલા કલાકારો અંગેની રૂપરેખા આલેખતા પુસ્તક ‘કોન્ટેમ્પરરી આર્ટ ઑવ્ બરોડા’નું સંપાદન શેખે કર્યું છે. (1997). તદુપરાંત વલ્લભ-વિદ્યાનગરની જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના ખંડ 30માં ‘દૃશ્યકલા’નું સંપાદન પણ તેમનું છે. (આ બંને ગ્રંથોમાં કેટલાંક પ્રકરણો તેમણે પોતે જ લખેલાં છે.) શેખે લખેલાં ગુજરાતી કાવ્યો ‘અથવા’ (1974) શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થયાં છે. અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન(એન.આઇ.ડી.)ની ગવર્નિન્ગ કાઉન્સિલના તેઓ સભ્ય છે.
લીનોકટ, વૂડકટ, એચિન્ગ જેવી પદ્ધતિઓ વડે શેખે છાપચિત્રો પણ સર્જ્યાં છે.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અને વડોદરામાં કોમી એકતા જાળવવામાં શેખે સક્રિય ફાળો આપેલો. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે પ્રવર્તતી કોમી વેરઝેરની વૃત્તિને ડામવા માટે તે અવારનવાર આગળ આવ્યા છે. 1990માં મંડલ કમિશનનાં સૂચનોને તત્કાલીન વડાપ્રધાન વી. પી. સિંહે અમલમાં મૂકેલાં ત્યારે વડોદરાના વિદ્યાર્થીગણમાં જે આક્રોશ ફાટી નીકળેલો તેને ડામીને એખલાસનું વાતાવરણ ઊભું કરવામાં તેમણે નીલોફર પટેલ સાથે નેતૃત્વ પૂરું પાડ્યું હતું.
ફ્રાન્સના પ્રસિદ્ધ અને અતિ પ્રતિષ્ઠિત પોમ્પીન્દૂ આર્ટ સેન્ટરે આજ સુધીમાં માત્ર બે જ ભારતીય કલાકારોને કલાપ્રદર્શન આપ્યું છે. તેમાં એક છે ગુલામમોહમ્મદ શેખ (બીજા તે કેરળના વિશ્વનાથન્). ત્રણેક દાયકા પહેલાં તેમણે તેમની એક શિષ્યા નીલિમા ઢઢ્ઢા સાથે લગ્ન કર્યાં છે. નીલિમા ઢઢ્ઢા એક મહત્ત્વનાં ભારતીય આધુનિક ચિત્રકાર છે. હાલમાં (2006) તે બંને વડોદરામાં નિવાસ કરે છે અને ચિત્રસર્જનમાં વ્યસ્ત છે.
ગુજરાતના પ્રથમ કલાગુરુ રવિશંકર રાવળની સ્મૃતિમાં ગુજરાત સરકાર જે રવિશંકર રાવળ ઍવૉર્ડ આપે છે તેની સાથે રૂપિયા એક લાખ પણ તે આપે છે. પોતાને મળેલી આ ઇનામની રકમ ‘રવિશંકર રાવળ કલા વ્યાખ્યાન’શ્રેણી શરૂ કરવામાં રોકી શેખે રવિશંકરને યોગ્ય અંજલિ આપી છે. અત્યાર સુધીમાં આ શ્રેણીમાં બે વ્યાખ્યાનો ગોઠવાયાં છે : 2004માં પ્રો. મધુસૂદન ઢાંકી દ્વારા ભારતના શિલ્પવારસા વિશેનું અને 2005માં પ્રો. બ્રિજેન ગોસ્વામી દ્વારા પહાડી ચિત્રકલાના શિરમોર ચિત્રકાર નયનસુખ વિશેનું વ્યાખ્યાન.
અમિતાભ મડિયા