શેખ, ગુલામ મુહમ્મદ

January, 2006

શેખ, ગુલામ મુહમ્મદ : જૂનાગઢના બાબી શાસન સમયનો સ્થાનિક ઉર્દૂ તવારીખકાર. જૂનાગઢમાં બાબીઓનું સ્વતંત્ર શાસન સ્થપાતાં ત્યાં વિવિધ લેખનપ્રવૃત્તિને વેગ મળ્યો અને બ્રિટિશ સમયમાં ત્યાં ઉર્દૂ ભાષામાં રચનાઓ થઈ. તેમાં શેખ ગુલામ મુહમ્મદનો ફાળો વિશેષ હતો. તેમણે ઉર્દૂમાં ‘મિરાતે મુસ્તફાબાદ’ તથા ‘મિરાતે મોહમદી’ અને ગુજરાતીમાં ‘જૂનાગઢનો ઇતિહાસ’ લખ્યા છે. સોરઠનો ઇતિહાસ જાણવા માટે આ ગ્રંથો ઘણા ઉપયોગી છે.

આ ગ્રંથો ઉપરાંત તેમણે ગુજરાતીમાં ‘મિરાતે આલમગીરી’ ગ્રંથ લખ્યો છે. તેમાં મુઘલોના સંદર્ભમાં ગુજરાતનો ઇતિહાસ નિરૂપાયો છે. તેમણે અંગ્રેજીમાં તૈયાર કરેલ ‘મહાબત આલ્બમ’માં જૂનાગઢના બાબી શાસકોનો ટૂંકમાં ચિત્રાત્મક તથા રસિક ઇતિહાસ આપ્યો છે. તેમણે ભારતનો એક સળંગ ઇતિહાસ પણ લખ્યો હતો.

ઈશ્વરલાલ ઓઝા