શેખ કનકસી ખીમજી (જ. 1936; અ. 18 ફેબ્રુઆરી, 2021, મસ્કત) : દુનિયામાં ‘શેખ’ની ઉપાધિ ધરાવતા એકમાત્ર ‘હિંદુ.’ ‘હિંદુ શેખ’ તરીકે ભારતની સાથે દેશવિદેશમાં પ્રસિદ્ધ. ઓમાનના પ્રસિદ્ધ કૉર્પોરેટ ગ્રૂપ ખીમજી રામદાસ ગ્રૂપ ઑફ કંપનીઝના ભૂતપૂર્વ ચૅરમૅન. ઓમાન ક્રિકેટના ગોડફાધર. ઓમાનના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરનાર ભારતીય મૂળના દૂરંદેશી વ્યાવસાયિક. ઓમાનમાં ઇસ્લામિક સંસ્કૃતિ સાથે સુમેળ સ્થાપિત કરીને હિંદુ અને વૈષ્ણવ પરંપરાને મજબૂત કરનાર પરોપકારી સમાજસેવી.
1800 અને 1900ની શરૂઆતમાં ઓમાનના સૈયદ સુલતાનોને ધિરાણ કરનાર ખીમજી રામદાસ સંબંધો જ સૌથી મોટી મૂડી છે એવું માનતા. કનકસી ખીમજીએ ભારત અને ઓમાન વચ્ચે વેપારવાણિજ્યની સાથે સામાજિક-સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સાથે સાથે, દીર્ઘદ્રષ્ટા, સમાજસેવી, દાનવીર વ્યાવસાયિક તરીકે ઓમાન જ નહીં, પરંતુ ખાડીના તમામ દેશોમાં માનપાન મેળવ્યું હતું.
ખીમજી પરિવારનાં મૂળ ગુજરાતના પ્રસિદ્ધ બંદરનગર માંડવીમાં રહેલા છે. દાદા રામદાસ ઠાકરશીએ 1870ના દાયકામાં માંડવીથી મસ્કત સ્થળાંતર કરીને ભારતીય અનાજ, ચા, મરીમસાલાના બદલામાં ઓમાનની ખજૂર, સૂકો ચૂનો અને લોબાનનો વેપાર શરૂ કર્યો હતો. આયાત-નિકાસનો આ વ્યવસાય ખીમજી રામદાસ ગ્રૂપનો પાયો બન્યો હતો. એ ગાળામાં ભારતીય ઉપમહાદ્વીપ અને ખાડીના દેશો વચ્ચે ઓમાનનું મસ્કત સેતુરૂપ કેન્દ્ર હતું. ધીમે ધીમે ઠાકરશી પરિવાર અને ઓમાનના સૈયદ વંશના સુલતાનો વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતા. ઑઇલની શોધ અગાઉ આ સુલતાનોને ઠાકરશી પરિવાર ધિરાણ પણ પૂરું પાડતું હતું.
કનકસી ખીમજીએ અભ્યાસ ભારતના મુંબઈમાં કર્યો હતો. પછી 1960ના દાયકાનાં અંતિમ વર્ષોમાં ઓમાનમાં પુનરાગમન કરીને પારિવારિક વ્યવસાય સંભાળ્યો હતો. કનકસી ખીમજી અને સૈયદ સુલતાનોના વંશજ હાલના સુલતાન કાબૂસ વચ્ચે ગાઢ મૈત્રીપૂર્ણ સંબંધ હતો. 1970ના દાયકામાં ઓમાનમાં આર્થિક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તનનો પવન ફૂંકાયો હતો.
કનકસીએ તેનો લાભ લઈને ખીમજી રામદાસ ગ્રૂપની પાંખો ઉપભોક્તાલક્ષી ચીજવસ્તુઓમાંથી નિર્માણ, વીમો, જહાજ અને શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં ફેલાવી હતી. ત્યાર બાદ ખીમજી રામદાસ ગ્રૂપ કનકસીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં કૉર્પોરેટ પાવરહાઉસ બની ગયું છે. ગ્રૂપે 400થી વધારે આંતરરાષ્ટ્રીય સ્તરની પ્રસિદ્ધ બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે. તેમાં બ્રિટાનિયા, પ્રોક્ટર ઍન્ડ ગેમ્બલ, રોલેક્સ વગેરે સામેલ છે. કંપનીએ ઓમાનની સાથે દુનિયાના વિવિધ દેશોના બજારમાં પગપેસારો કર્યો છે અને હાલ ગ્રૂપની વાર્ષિક આવક 1 અબજ ડૉલરથી વધારે છે.
વેપારવાણિજ્યની સાથે કનકસીએ ભારત-ઓમાન વચ્ચે વેપારવાણિજ્યિક, સામાજિક, સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવામાં મોટું પ્રદાન કર્યું હતું. એ બદલ વર્ષ 2003માં ભારત સરકારે તેમને ‘પ્રવાસી ભારતીય નાગરિક સમ્માન’ એનાયત કર્યું હતું. તેઓ આ પુરસ્કાર મેળવનાર ખાડીના દેશોમાં વસતા પ્રથમ બિનનિવાસી ભારતીય હતા. ઓમાનના સુલતાન કાબૂસે પણ તેમને 1970ના દાયકામાં ‘શેખ’ની ઉપાધિ આપી હતી, જે સામાન્ય રીતે મુસલમાનોને જ આપવામાં આવે છે. આ રીતે શેખની ઉપાધિ મેળવનાર કનકસી ખીમજી પ્રથમ અને એકમાત્ર હિંદુ છે.
શિક્ષણ થકી સામાજિક વિકાસના હિમાયતી કનકસીએ 1975માં મસ્કતમાં પ્રથમ ઇંગ્લિશ ઇન્ડિયન સ્કૂલની સ્થાપના કરી હતી, જેના નેટવર્કમાં હાલ ઓમાનમાં 21 સ્કૂલ કાર્યરત છે. તેમાં 46,000થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સાથે, ઇશરાક નામની સામાજિક સંસ્થાની સ્થાપના કરીને કનકસીએ ઓમાનમાં સ્થાનિક નેતૃત્વના વિકાસમાં, રોજગારલક્ષી તાલીમમાં અને માનવતાવાદી સહાય જેવાં ક્ષેત્રોમાં અવિસ્મરણીય પ્રદાન કર્યું છે.
કનકસી ‘ઓમાનના ક્રિકેટના ગોડફાધર’ તરીકે પણ જાણીતા હતા. તેમણે 1979માં ઓમાન ક્રિકેટની સ્થાપના કરી હતી તથા ચાર દાયકા સુધી તેના પ્રેસિડન્ટ અને ચૅરમૅન તરીકે સેવા આપી હતી. 2011માં તેમને ‘આઇસીસી લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ’ એનાયત થયો હતો.
કેયૂર કોટક
