શેખોન સંતસિંગ (જ. 1908, લાયલપુર [હાલ પાકિસ્તાનમાં]; અ. 8 ઑક્ટોબર 1997) : પંજાબી લેખક. ‘મિટ્ટર પિયારા’ નામના તેમના નાટક(1907)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1972ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. અંગ્રેજીમાં તથા અર્થશાસ્ત્રમાં એમ.એ., 1931માં અંગ્રેજીના અધ્યાપક તરીકે આરંભ, પછી અમૃતસરની ખાલસા કૉલેજમાં અર્થશાસ્ત્ર તથા પંજાબીનું અધ્યાપન. 1938માં અંગ્રેજી સાપ્તાહિક ‘નૉર્ધન રિવ્યૂ’નું સંપાદન. તેમનું પ્રથમ નાટક ‘વુમન ઍટ બે’ અંગ્રેજીમાં લખાયું. કૃષ્ણચંદ્ર તથા રાજેન્દ્રસિંગ બેદીના સહવાસમાં ઉર્દૂમાં વાર્તાલેખનનો પ્રારંભ; પછી માતૃભાષા પંજાબીમાં લેખનકાર્ય. શાલીમાર પેઇન્ટ્સમાં ઊંચા હોદ્દાની નોકરી 1940માં સ્વીકારી, પણ પોતાની રુચિને સાનુકૂળ ન લાગતાં મૂળ અધ્યાપનની કારકિર્દી અપનાવી. સામ્યવાદી પક્ષના ટેકાથી પાર્લમેન્ટ માટે ઉમેદવારી કરી પણ હારી ગયા. લુધિયાનાની ખાલસા કૉલેજમાં અંગ્રેજી વિભાગના અધ્યક્ષ નિમાયા. 1957માં પાર્લમેન્ટની ચૂંટણીમાં ફરીથી હાર્યા. લુધિયાના, પતિયાળા અને જલંધરમાં આચાર્ય તરીકે રહ્યા.
તેમનાં 30 ઉપરાંત પ્રકાશનોમાં નાટકોમાં ‘કલાકાર’ (1946), ‘નારકી’ (1952), ‘વારિસ’ (1955), ‘ભૂદાન’, ‘બેડા બંધ ના શક્યો’, ‘મોઇન સર ના કઈ’ (1958), ‘દમયંતી’ (1962), ‘સિયાલાન દી નધી’ (1968) તથા ‘મિટ્ટર પિયારા’ (1970) અને એકાંકીસંગ્રહમાં ‘છે ધર’ (1941), ‘મેરે દશ એકાંકી’ (1950), ‘તપિયાં ક્યોં ખપ્યા’ (1950), ‘નટ સુનેહે’ (1950), ‘સુંદર પદ’ (1956), ‘બાબા બોદ’ (1964) અને વાર્તાસંગ્રહોમાં ‘સમાચાર’ (1943), ‘બરન સિધન’ (1946), ‘તીજા પહર’ (1953), ‘આધી વાટ’ (1954), ‘નૌ નિધાન’ (1956) તથા ‘બારાનદરી’ (1956) તેમજ નવલકથામાં ‘લહુ મિટ્ટી’ (1949), ‘બાબ આસ્માન’ (1973) અને કાવ્યસંગ્રહોમાં ‘કવિ દૂત’ (1955) તથા વિવેચનમાં ‘પરસિ ધ પંજાબી કવિ’, ‘સાહિત્યાર્થ’ (1957), ‘પંજાબીકવિ શિરોમણિ’ (1964), ‘પંજાબી બોલી દા ઇતિહાસ’ અને નિબંધસંગ્રહ તરીકે ‘પ્રગતિ પંધ’ (1977) મુખ્ય છે.
કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1972) ઉપરાંત પંજાબ સરકારનો ઍવૉર્ડ (1965) પણ તેમને મળેલો.
મહેશ ચોકસી