શેટલૅન્ડ : સ્કૉટલૅન્ડની મુખ્ય ભૂમિથી ઈશાનમાં આશરે 160 કિમી.ના અંતરે આવેલા એકસોથી વધુ ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુઓ 60° 30´ ઉ. અ. અને 1° 15´ પ. રે. વચ્ચેનો આશરે 1,438 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. શેટલૅન્ડના ટાપુઓ ઉત્તર-દક્ષિણ આશરે 115 કિમી. લંબાઈમાં અને પૂર્વ-પશ્ચિમ આશરે 60 કિમી. પહોળાઈમાં પથરાયેલા છે. મેઇનલૅન્ડ અહીંનો મુખ્ય ટાપુ છે, તેની લંબાઈ આશરે 85 કિમી. જેટલી છે. શેટલૅન્ડ ટાપુઓની બધી બાજુ ઉત્તર સમુદ્ર પથરાયેલો છે.

ભૂપૃષ્ઠઆબોહવા : શેટલૅન્ડ ટાપુઓની મોટાભાગની ભૂમિસપાટી વૃક્ષવિહીન ઉજ્જડ છે. મેઇનલૅન્ડ પર આવેલી રોનાસહિલ 450 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીંની આબોહવા એકંદરે ઠંડી રહે છે. ઉનાળા અને શિયાળા બંને ઠંડા રહે છે. ઉનાળાનું અને શિયાળાનું તાપમાન અનુક્રમે 13° સે. અને 3° સે. જેટલું રહે છે. અહીં સૂસવાતા પવનોને કારણે ઘણાં વાવાઝોડાં ફૂંકાય છે.

કૃષિમાછીમારી : શેટલૅન્ડના ખેડૂતો નાના વિસ્તારો પર ખેતીકામ કરે છે. કેટલાક લોકો ઓછી સંખ્યામાં ગાયો અને ઘેટાં પાળે છે, તો બીજા કેટલાક ટટ્ટુઓને કેળવીને તેમની નિકાસ કરે છે. અહીં એક કાળે હેરિંગ માછલીઓનો મહત્ત્વનો ઉદ્યોગ ચાલતો હતો. 1977થી 1981ના ગાળા દરમિયાન ઉત્તર સમુદ્રમાં હેરિંગ માછલીઓ પકડવા પર સમાન બજાર આરક્ષણ નીતિ અખત્યાર થવાથી મનાઈ મૂકવામાં આવેલી; પરંતુ 1981 પછી આ નીતિનો અમલ કરવાનું ઉઠાવી લેવાતાં ફરીથી માછીમારીની પ્રવૃત્તિ વિકસી છે. અહીંથી હેરિંગ, કૉડ, હૅડ્ડૉક, મૅકેરેલ, સાલમન તેમજ વ્હાઇટિંગ માછલીઓ પકડવામાં આવે છે.

શેટલૅન્ડ

તેલઉદ્યોગ : શેટલૅન્ડ એ ઉત્તર સમુદ્ર તેલ ઉદ્યોગની સેવાપ્રવૃત્તિ કરતો મહત્ત્વનો વિસ્તાર બની રહેલો છે. 1970ના દાયકાથી આ ઉદ્યોગનો વિકાસ થવાથી શેટલૅન્ડના જીવનધોરણમાં ઘણા ફેરફારો થયેલા જોવા મળે છે. તેલ સેવા-ઉદ્યોગમાં અહીંના ઘણા લોકો કામ કરતા થયા હોવાથી તેમણે ખેતી અને માછીમારીના વ્યવસાયો છોડી દીધા છે. જહાજોના સમારકામની વ્યવસ્થા ગોઠવવા લારવિકના બારાને મોટા પાયા પર વિસ્તૃત કરાયું છે. વળી સમ્બર્ગ હવાઈ મથકે તેલના કૂવાખોદાણની સાધનસામગ્રીની જરૂરિયાતોને પૂરી કરવામાં હેલિકૉપ્ટર-ટ્રાફિક સેવા ખૂબ જ વ્યસ્ત રહે છે. મેઇનલૅન્ડના ઉત્તર છેડા ખાતે આવેલા સલોમ વો નામના ફાંટા પર ઉત્તર સમુદ્રનાં તેલક્ષેત્રોમાંથી આવતી પાઇપલાઇનનું અંતિમ મથક રાખેલું છે.

1970ના દાયકામાં અહીં તેલઉદ્યોગનો વિકાસ થયો તે અગાઉ ટાપુઓ પર માત્ર કૃષિપ્રવૃત્તિ, માછીમારી તથા ગૂંથણકામ થતાં હતાં. 16મી સદીથી લોકો શેટલૅન્ડનું ખૂબ જ બારીક ઊન વાપરતા થયા છે. તેમાંથી તેઓ ઊની કપડાં બનાવે છે અને ઊનના ગૂંથણકામમાંથી સારા પોશાકો તૈયાર કરે છે. ગૂંથણકળા અહીં વિશિષ્ટ રીતે વિકસી છે, તે ‘Shetland and Fair Isle’ ગૂંથણપદ્ધતિ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે 1588માં વિનાશ પામેલી સ્પૅનિશ યુદ્ધનૌકામાંથી બચી ગયેલા લોકોએ અહીંના તત્કાલીન નિવાસીઓને આ પ્રકારની ગૂંથણકળા શીખવેલી.

પરિવહનસંદેશાવ્યવહારપ્રવાસન : શેટલૅન્ડના લારવિક અને સ્કૉટલૅન્ડના ઍબર્ડિન વચ્ચે નિયમિત જહાજી વ્યવહાર ચાલે છે. આ બે સ્થળો વચ્ચેનું 340 કિમી. જેટલું અંતર ચૌદ કલાકમાં કપાય છે. ઍબર્ડિનથી ઘણા પ્રવાસીઓ મેઇનલૅન્ડના ટાપુ પરના સમ્બર્ગ હવાઈ મથકે ઊતરે છે. વળી કેટલાક જુદા જુદા ટાપુઓ વચ્ચે પણ સ્ટીમરો, નૌકાઓ વગેરેની અવરજવર રહે છે. હજારોની સંખ્યામાં દરિયાઈ પક્ષીઓને ઊડતાં જોવાનો લ્હાવો માણવા ઘણા નિસર્ગપ્રેમીઓ અહીં આવે છે. આ કારણે પ્રવાસન-ઉદ્યોગનો પણ અહીં વિકાસ થયો છે. હમણાં અહીં ઢળી ગયેલા તેલના પ્રદૂષણને કારણે ઘણાં પક્ષીઓ મરણ પામેલાં. અહીંનાં અન્ય જોવાલાયક સ્થળોમાં સત્તરમી સદીમાં બંધાયેલા સ્કૅલૉવ કૅસલનો તથા સમ્બર્ગ નજીકના જાલ્શૉફ પુરાતત્ત્વીય ઉત્ખનનસ્થળનો સમાવેશ થાય છે. શેટલૅન્ડમાં સ્નાનની, ટેનિસ રમવાની તેમજ બીજી કેટલીક રમતો રમવાની ઘણી સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે. અહીં લારવિક ખાતેથી ‘શેટલૅન્ડ ટાઇમ્સ’ નામનું દૈનિક પત્ર બહાર પડે છે. બીબીસી રેડિયો-મથક પર શેટલૅન્ડ રેડિયોનું કેન્દ્ર છે.

વસ્તી : શેટલૅન્ડ ટાપુઓની કુલ વસ્તી 1998 મુજબ 22,910 જેટલી છે. 50 % જેટલી વસ્તી મુખ્ય ટાપુ મેઇનલૅન્ડ પર વસે છે. મેઇનલૅન્ડ એ અહીંનો મોટામાં મોટો ટાપુ છે, બાકીના પૈકી માત્ર 10 % ટાપુઓ પર જ વસ્તી જોવા મળે છે. મેઇનલૅન્ડના પૂર્વ કાંઠે આવેલું લારવિક અહીંનું વહીવટીમથક છે. લારવિકમાં 33 % વસ્તી રહે છે. સ્કૉટલૅન્ડની સ્થાનિક સરકારના પુનરાયોજનના એક ભાગરૂપ 1975માં શેટલૅન્ડ ટાપુઓનો વહીવટ ટાપુ-સલાહકાર સત્તાને સોંપાયો છે.

ઇતિહાસ : આઠમી અને નવમી સદીમાં અહીં નૉર્સમૅન (ચાંચિયાઓ) આવીને વસેલા. તેથી હજી પણ અહીંનાં ઘણાં સ્થાનોનાં તેમજ લોકોનાં નામ જૂના નૉર્સ શબ્દો પરથી પડાય છે. કેટલાક નૉર્સ રીતરિવાજો હજી પણ જોવા મળે છે. જાન્યુઆરીમાં અહીંના લોકો ‘ફાયર-ફેસ્ટિવલ’ ઊજવે છે.

1469 સુધી શેટલૅન્ડ નૉર્વેનો ભાગ હતું, કારણ કે સ્કૉટલૅન્ડનો રાજા જેમ્સ ત્રીજો નૉર્વેની રાજકુંવરી માર્ગારેટને પરણેલો. તે પછીથી શેટલૅન્ડ સ્કૉટલૅન્ડની સત્તા હેઠળ છે.

ગિરીશભાઈ પંડ્યા