શેખાવત, સુમેરસિંહ (જ. 1933, સરવાડી, સિકર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘મારુ મંગલ’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ શેખાજી શેખાવતના વંશના છે. તેમનું પ્રારંભિક જીવન બિનાસર, રાજસ્થાનમાં પસાર થયું. આનંદીલાલ શર્મા તથા નેમનારાયણ જોશીના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ તેમણે શિક્ષણ મેળવ્યું હતું.
વ્યવસાયે તેઓ શિક્ષક રહેલા અને તેમણે ‘ગીતમાલા’ તથા ‘મેઘમાલ’ લખવા ઉપરાંત રાજસ્થાનીમાં અનેક નિબંધો લખ્યા છે.
ભાવોની સઘનતા, અભિવ્યક્તિની તાજગી તથા ઉદાત્ત ચિંતનશીલતા જેવી લાક્ષણિકતાઓને કારણે આ કાવ્યસંગ્રહ ગણનાપાત્ર ઠર્યો છે.
મહેશ ચોકસી