શેખાવત, સૌભાગ્યસિંગ

January, 2006

શેખાવત, સૌભાગ્યસિંગ (. 22 જુલાઈ 1924, ભગતપુરા, જિ. સિકર, રાજસ્થાન) : રાજસ્થાની પંડિત. તેઓ રાજસ્થાન શોધ સંસ્થાન,  જોધપુરના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : રાજસ્થાની ભાષા સાહિત્ય એવમ્ સંસ્કૃતિ અકાદમી, બિકાનેરના અધ્યક્ષ; રાજસ્થાની સાહિત્ય અકાદમી, નવી દિલ્હી માટેની જનરલ કાઉન્સિલ અને સલાહકાર બોર્ડના સભ્ય (1998-2002); ‘સંઘર્ષ’ માસિકના સંપાદક; ‘પરંપરા’ ત્રૈમાસિકના સહસંપાદક વગેરે.

તેમણે રાજસ્થાની તથા હિંદીમાં 45થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ઉલ્લેખનીય ‘રાજસ્થાની બતન’ (ગ્રંથ 3, 4, 5 અને 7), સંપાદિત વાર્તાસંગ્રહ (1957-58); ‘રાજસ્થાની વીરગીતસંગ્રહ’ 3 ભાગમાં સંપાદિત (1968-72) છે. હિંદીમાં : ‘રાજસ્થાની નિબંધસંગ્રહ’ (1974); ‘રાજસ્થાની સાહિત્ય સંપદા’ (1977) નિબંધસંગ્રહો છે. ‘ચારણ સાહિત્ય કી મર્મપરીક્ષા’ વિવેચનગ્રંથ છે. તેમણે અનેક પ્રાચીન રાજસ્થાની કાવ્યોનું સંકલન અને સંપાદન કર્યું છે.

તેમને 1980માં મહારાણા કુંભા પુરસ્કાર અને વ્રજનિધિ સાહિત્ય પુરસ્કાર (જયપુર) પ્રાપ્ત થયા છે અને કંવર લક્ષ્મણસિંગ ગુર્જર સાહિત્ય સન્માન; તથા રાજસ્થાન સાહિત્ય અકાદમી તરફથી વિશિષ્ટ સાહિત્યકાર સન્માનથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા