શેખાવત, ભૈરોસિંગ (જ. 23 ઑક્ટોબર 1923, ખાચરિયાવાસ ગામ, સિકર જિલ્લો, રાજસ્થાન) : ભારતના 11મા ઉપરાષ્ટ્રપ્રમુખ. ભારતીય જનતા પક્ષના અગ્રણી અને અનુભવી નેતા તેમજ 1977માં અને 1993માં રાજસ્થાનના પૂર્વમુખ્યમંત્રી. માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ મેળવ્યા બાદ તેમના પિતાનું અવસાન થતાં અભ્યાસ છોડવો પડ્યો અને પોલીસ-કૉન્સ્ટેબલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. નાની ઉંમરથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હોવાથી કેટલાંક વર્ષો પછી રાજકારણમાં પ્રવેશ્યા.
1952ની ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનસંઘના ઉમેદવાર થઈ રાજસ્થાનની વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા, નોકરી છોડી અને પૂરા સમયના રાજકારણી બન્યા. તે પછી દસ વાર રાજ્યની વિધાનસભામાં ચૂંટાતા રહ્યા. પહેલી ચાર વાર તેઓ ભારતીય જનસંઘ વતી, પાંચમી વાર જનતા પક્ષ વતી અને ત્યારબાદ ભારતીય જનતા પક્ષ વતી તેઓ ચૂંટાતા રહ્યા છે. 1974થી 1977 દરમિયાન રાજ્યસભાના સભ્ય તરીકે તેમણે કામગીરી બજાવી.
તેમણે પ્રારંભથી પક્ષનો ઉદાર અને પ્રગતિશીલ ચહેરો રજૂ કર્યો. તેઓ ઉચ્ચ જમીનદારી હિતો ધરાવતા હોવા છતાં 1950માં જમીનદારી-નાબૂદીના કાયદાને જનસંઘના સભ્ય તરીકે ટેકો આપ્યો હતો. એ જ રીતે ‘દેવરાલા’ની સતીની ઘટનામાં તેઓ સૌથી બોલકા પ્રતિનિધિ બન્યા અને આ પગલાની આકરી ટીકા કરી હતી.
રાજસ્થાનના પ્રભાવક નેતા હોવા સાથે તેઓ ત્યાંના જનસંઘના અને પછીથી અખિલ ભારતીય જનતા પક્ષના પ્રમુખ રહ્યા હતા. રાજસ્થાનના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ રહ્યા. 1977માં અને પછી 1993થી 1998 – એમ બે વાર રાજસ્થાનના મુખ્યમંત્રીનો હોદ્દો શોભાવેલો. અંત્યોદય યોજના જેવા લોકકલ્યાણના કાર્યક્રમો તેમણે આ રાજ્યમાં અમલી બનાવ્યા હતા. બે કરતાં વધુ બાળકો ધરાવનાર વ્યક્તિ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકનાર રાજસ્થાન પ્રથમ રાજ્ય હતું. તેમાં શેખાવતે મહત્વની ભૂમિકા નિભાવી. જયપુરની જુમ્મા મસ્જિદ પર્યટકોના માટે ખોલવા અંગે તથા અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહનું પુનર્નિર્માણ કરવા બાબતે તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ કારણોથી રાજસ્થાનમાં મુસ્લિમ મતદારો ભારતીય જનતા પક્ષ તરફ આકર્ષાયા હતા.
તેમણે ઘણી બંધારણીય સમિતિઓમાં સેવા આપી હતી. ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખના પદ સુધી પહોંચનાર તેઓ ભારતીય જનતા પક્ષના અગ્રિમ નેતા છે.
ભારતના રાષ્ટ્રપતિપદની વર્ષ 2007માં આયોજિત ચૂંટણીમાં સંયુક્ત પ્રગતિશીલ મોરચા(UPA)નાં ઉમેદવાર પ્રતિભા પાટીલ સામે રાષ્ટ્રીય લોકશાહી સંગઠન(NDA)ના ટેકાથી તેમણે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, જેમાં તેમનો 6,06,300 મતોથી પરાજય થયો હતો અને તે જ દિવસે તેમણે ઉપરાષ્ટ્રપતિપદનું રાજીનામું આપ્યું હતું.
રક્ષા મ. વ્યાસ