શેક્સપિયર સોસાયટી (સ્થાપના : 1951) : વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગ સાથે સંકળાયેલી અને અંગ્રેજી ભાષામાં નાટકો ભજવતી પચાસથી પણ વધારે વર્ષો જૂની પ્રમુખ નાટ્યસંસ્થા. સન 1950ના અરસામાં અંગ્રેજી વિભાગ દ્વારા સ્થપાયેલ ‘અભ્યાસવર્તુળ’ કે જેમાં દર શુક્રવારે અભ્યાસક્રમ સિવાયની કૃતિઓનો અભ્યાસ થતો, તેમાં વર્ગખંડની બહાર ભીંતો વિનાના ભણતરનો, નાટ્યપ્રયોગ દ્વારા અંગ્રેજી ભાષાના પ્રશિક્ષણનો વિચાર દૃઢ થતાં તેમાંથી શેક્સપિયર સોસાયટીનો જન્મ થયો અને તે અંતર્ગત માત્ર અંગ્રેજી વિભાગના જ નહિ પણ મેડિસિન, ટૅક્નૉલૉજી, હોમ-સાયન્સ, ફાઇન આર્ટ્સ, મ્યૂઝિક કૉલેજ વગેરે અન્ય વિદ્યાશાખાઓના વિદ્યાર્થીઓ ભેગા મળી પહેલાં બરોડા કૉલેજના ગુમ્બજ તળે, પછી ટૅક્નૉલૉજી અને હોમસાયન્સ ફૅકલ્ટીનાં સભાગૃહોમાં અને તત્પશ્ચાત્ પ્રો. ચંદ્રવદન મહેતા ઑડિટૉરિયમમાં અંગ્રેજી ભાષાના નાટ્યસૂઝ ધરાવતા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શરૂઆતમાં શેક્સપિયરનાં ને પછી અંગ્રેજી ભાષામાં લખાયેલાં રૂપાંતર-અનુવાદ પામેલાં પ્રશિષ્ટ અને આધુનિક નાટકો ભજવવા લાગ્યા. સર્વશ્રી હસમુખ શાહ, નાનુભાઈ અમીન, ડૉ. ઠાકોરભાઈ પટેલ, ડૉ. કુલશ્રેષ્ઠ જેવા નગરશ્રેષ્ઠીઓના પીઠબળથી વેગવંતી બનેલી ‘શેક્સપિયર સોસાયટી’ના સ્થાપક-પ્રમુખ અને અંગ્રેજી વિભાગના અધ્યક્ષ પ્રો. વામન યશવંત કંટકે ‘શેક્સપિયર દૃશ્યાવલી’થી આરંભ કરી સન 1952થી સન 1958 દરમિયાન શેક્સપિયરનાં વિખ્યાત નાટકો ‘ઑથેલો’, ‘ઍઝ યૂ લાઇક ઇટ’, ‘ધ ટેમિંગ ઑવ્ ધ શૂ્ર’, ‘કિંગ લિયર’, ‘અ મિડસમર નાઇટ્સ ડ્રીમ’ તથા જ્યૉર્જ બર્નાર્ડ શૉ-કૃત ‘યૂ નેવર કૅન ટેલ’ ઉપરાંત સન 1965માં બ્રેખ્તની જાણીતી કૃતિ ‘મધરકુરાઝ’ અને સન 1970માં પીટર શેફર-કૃત ‘ફાઇવ ફિંગર એક્સરસાઇઝ’ રજૂ કર્યાં ને કિંગ લિયરની પ્રાણવાન ભૂમિકા પણ ભજવી. યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટર, યુ.કે. અને બ્રાઉન યુનિ. – યુ.એસ. ખાતે નાટક અને રંગભૂમિ અંગેનું પ્રશિક્ષણ મેળવનાર અંગ્રેજી વિભાગના મેધાવી શિક્ષક અને દિગ્દર્શક પ્રો. બિરજે પાટીલે શેક્સપિયર સોસાયટીના નેજા હેઠળ સન 1959થી સન 1986 દરમિયાન શેક્સપિયરનાં મશહૂર નાટકો ‘જૂલિયસ સીઝર’, ‘ટ્વેલ્ફ્થ નાઇટ’, ‘ધ મર્ચન્ટ ઑવ્ વેનિસ’ ઉપરાંત જ્યૉર્જ બર્નાર્ડ શૉનાં ઉત્કૃષ્ટ નાટકો ‘આર્મ્સ ઍન્ડ ધ મૅન’, ‘પિગ્મેલિયન’; ઇબ્સનનાં વિખ્યાત નાટકો ‘પિલર્સ ઑવ્ ધ સોસાયટી’, ‘અ ડૉલ્સ હાઉસ’; અમેરિકન નાટ્યકારોમાં ટેનેસી વિલિયમ્સ-કૃત ‘ધ ગ્લાસ મિનેજરી’, ‘ધ લૉન્ગ ગુડબાય’ અને ‘અ સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર’; આર્થર મિલર-કૃત ‘ધ ક્રૂસિબલ’ અને ‘અ વ્યૂ ફ્રૉમ ધ બ્રિજ’; યુજિન ઑનિલ કૃત ‘મૉર્નિગ બિકમ્સ ઇલેક્ટ્રા’, એડવર્ડ આલ્બી-કૃત ‘ધ ઝૂ સ્ટોરી’ ઉપરાંત આધુનિક નાટ્યકારોમાં આયૉનેસ્કો-કૃત ‘ધ લેસન’ અને ‘ધ બાલ્ડ સોપ્રાનો’; હેરોલ્ડ પિન્ટર-કૃત ‘ધ બર્થ ડે પાર્ટી’; ‘રે વ્યૂ સ્કેચીઝ’. જૉન ઑસ્બોર્ન-કૃત ‘લુક બૅક ઇન ઍન્ગર’ અને સૅમ્યુઅલ બૅકેટ-કૃત ‘વેઇટિંગ ફૉર ગોદો’ની ભજવણી તથા ટી. એસ. એલિયટનાં કાવ્યો ‘ધ વેસ્ટ લૅન્ડ’ અને ‘ઓલ્ડ પૉએમ્સ બુક ઑવ્ પ્રૅક્ટિકલ કૅટ્સ’નો નાટ્યપ્રયોગ તેમજ ગિરીશ કર્નાડના વિખ્યાત ભારતીય નાટક ‘હયવદન’ની અંગ્રેજીમાં રજૂઆત કરી, શેક્સપિયર સોસાયટીને રાષ્ટ્રીય કક્ષાએ મોખરાનું સ્થાન અપાવ્યું. સન 1979માં ડેવિડ કૉમ્પટનનું નાટક ‘અસ ઍન્ડ ધેમ’ ભજવનાર પ્રો. રાણી ધારકરે સન 1989થી સન 2001 દરમિયાન દિગ્દર્શનનો દોર સંભાળ્યો અને જ્યૉર્જ રાયગા-કૃત ‘ધી એક્સ્ટસી ઑવ્ રીટા જૉ’, જૉન ગ્યુરે-કૃત ‘ધ હાઉસ ઑવ્ બ્લ્યૂ લીવ્ઝ’, માઇકલ ટ્રેમ્બલે-કૃત ‘સરપ્રાઇઝ સરપ્રાઇઝ’, ‘જૉની મેન્ગાનો ઍન્ડ હિઝ એસ્ટૉનિશિંગ ડૉગ્ઝ’ અને ‘ગ્લોરિયા સ્ટાર’, રે ક્રુની-કૃત ‘રન ફૉર યૉર વાઇફ’, પીટર શેફર-કૃત ‘ઍક્વસ’, રૉબર્ટ હાર્લિગ-કૃત ‘સ્ટીલ મૅગ્નોલિયાઝ’ તેમજ ભારતીય નાટ્યકારોમાં ગિરીશ કર્નાડ-કૃત ‘હયવદન’ અને ‘નાગમંડલ’, મહેશ દત્તાની-કૃત ‘ધ ફાઇનલ સોલ્યૂશન્સ’ અને યાસ્મિના રેઝા-કૃત ‘આર્ટ’ વગેરે પરંપરાથી ઊફરાં ચાલતાં નાટકો ભજવી, શેક્સપિયર સોસાયટીને પ્રાયોગિક રંગમંચની દિશામાં અગ્રેસર કરી. અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપકો ઉપરાંત બહારના મુલાકાતી દિગ્દર્શકોએ પણ શેક્સપિયર સોસાયટીના નેજા હેઠળ નાટકો ભજવ્યાં. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રાધ્યાપક તેમજ દિગ્દર્શક પ્રો. જેમ્સ ઓ. બાર્નહિલે નાટ્યશિબિરોનું આયોજન કરી સન 1973માં ‘મૅકબેથ’નું ભારતીયકરણ ‘રાજા વિશાલ’ તથા પિરાન્દેલોની વિખ્યાત કૃતિ ‘સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર’ તેમજ સન 1990માં બેથ હેનલિ-કૃત ‘ક્રાઇમ્સ ઑવ્ ધ હાર્ટ’ નાટકો રજૂ કર્યાં તો સન 1977માં કૅનેડાના જૉન નૉરથમે પીટર ઉસ્તીનૉવનું વિખ્યાત નાટક ‘હાફ વે અપ ધ ટ્રી’ તથા સન 1997માં યુ.કે.ના રૉબર્ટ ફોધરગિલે જ્યૉર્જ વૉલ્કરનું જાણીતું નાટક ‘લવ ઍન્ડ ઍન્ગર’ ભજવ્યાં. વડોદરાના સ્થાનિક દિગ્દર્શકોમાં અરુણ અગ્નિહોત્રીએ સન 1979માં સ્લાવૉમિર મ્રોઝેકનું નાટક ‘ધ પાર્ટી’, મધુકર પંડિતે સન 1994 અને 1995માં મહેશ એલકુંચવારનાં વિખ્યાત નાટકો ‘પ્રતિબિમ્બ’ અને ‘આત્મકથા’, પી. એસ. ચારીએ સન 1995માં અભિજાત જોષીનું બી.બી.સી. લંડન દ્વારા આયોજિત નાટ્યલેખન-સ્પર્ધામાં વિજેતા નાટક ‘ધ શાફ્ટ ઑવ્ ધ સનલાઇટ’ તથા હર્ષવર્ધન હેગડેએ સન 1998માં નોબેલ પારિતોષિક-વિજેતા ઇટાલિયન નાટ્યકાર દારિયો ફોની વિખ્યાત કૃતિ ‘ઍક્સિડેન્ટલ ડેથ ઑવ્ ઍન એનાર્કિસ્ટ’ સફળતાપૂર્વક ભજવ્યાં. અંગ્રેજી વિભાગના અન્ય વિભાગાધ્યક્ષો પ્રો. આર. એન. મહેતા, પ્રો. સી. કે. શેષાદ્રિ, પ્રો. પ્રફુલ્લ કાર તેમજ અન્ય શિક્ષકો, પ્રો. એ. પેપાલા તથા પ્રો. જે. ડી. દેસાઈની આયોજનશક્તિથી સુઢ બનેલી શેક્સપિયર સોસાયટીએ પોતાનાં નાટકો વડોદરાની બહાર મુંબઈ, સૂરત, અમદાવાદ, નવી દિલ્હી અને ગાંધીનગર ખાતે પણ ભજવ્યાં છે. સન 1963માં નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘રાષ્ટ્રીય યુવા મહોત્સવ’માં તત્કાલીન વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરુની નિશ્રામાં ‘ધ ગ્લાસ મિનેજરિ’ ભજવ્યું તો સન 1983માં ગાંધીનગર ખાતે નવા બંધાયેલા નાટ્યગૃહમાં રાજ્ય સરકારના આમંત્રણથી ‘વેઇટિંગ ફૉર ગોદો’ અને ‘હયવદન’ તેના ઉદ્ઘાટન-સમારોહમાં રજૂ થયાં હતાં. મુંબઈના પૃથ્વી થિયેટરમાં અને NCPAમાં ‘ધ વેસ્ટ લૅન્ડ’, ‘ધી એક્સટસી ઑવ્ રીટા જૉ’ની ભજવણી થઈ. નાટ્યપ્રયોગો ઉપરાંત શેક્સપિયર સોસાયટીએ રંગમંચનાં વિવિધ પાસાંઓને આવરી લેતા નાટ્યશિબિરો પણ યોજ્યા છે. સન 1996માં યુ.જી.સી. દ્વારા પ્રાયોજિત ‘શેક્સપિયર ઍન્ડ રૅનેસાં કલ્ચરલ પોએટિક્સ’વિષયક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું, તો સમય સમયે શેક્સપિયરનાં નાટકો પર આધારિત ફિલ્મો પણ દર્શાવી. શેક્સપિયર સોસાયટીના ઉપક્રમે સન 1954માં મેરિયસ ગોરિન્ગ કંપનીએ તથા સન 1963માં ઑલિવર કોક્સે શેક્સપિયરનાં નાટકોમાંથી વિખ્યાત દૃશ્યો ભજવ્યાં, તો સન 1994માં ભારતી મુખરજી અને ક્લાર્ક બ્લેઇઝની કૃતિઓના પઠનનો કાર્યક્રમ અને સન 1996માં રાણી ધારકારના ‘સ્પુફઝ્ ફ્રૉમ શેક્સપિયર’નો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અંગ્રેજી વિભાગના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શેક્સપિયર સોસાયટીએ એમ.એ. કક્ષાએ ‘પ્રો. કટંક સુવર્ણચંદ્રક’ તથા બી.એ. કક્ષાએ ‘સ્વ. ધ્રુવકુમાર જોશી પારિતોષિક’ની સ્થાપના કરી તો સન 1973માં મ. સ. યુનિવર્સિટીની સ્થાપનાની રજતજયંતી નિમિત્તે રૂ. દસ હજારનો ફાળો પણ આપ્યો. સન 1996માં પ્રો. કટંકની 85મી વર્ષગાંઠે તેમનું જાહેર સન્માન કર્યું અને તેમના પુસ્તક ‘ક્રિટિકલ થિયરી : વેસ્ટર્ન ઍન્ડ ઇન્ડિયન’ના પ્રકાશન માટે ઉદ્યમ કર્યો. પોતાની વિવિધરંગી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા શેક્સપિયર સોસાયટીએ સંસ્કારનગરી વડોદરાને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન અપાવવામાં અનન્ય ફાળો આપ્યો છે.
મહેશ ચંપકલાલ