શેક્સપિયર, વિલિયમ

January, 2006

શેક્સપિયર, વિલિયમ (. 23 એપ્રિલ 1564, સ્ટ્રૅટફર્ડઅપોનએવન; . 23 એપ્રિલ 1616, સ્ટ્રૅટફર્ડઅપોનએવન, ઇંગ્લૅંડ) : વરિષ્ઠ અંગ્રેજ કવિ અને નાટ્યકાર. તેમના જીવન વિશે પૂર્ણ અને પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ નથી. આઠ ભાઈબહેનોમાં ત્રીજા ક્રમના. પિતા જૉન શેક્સપિયર, વગ ધરાવતા સ્થાનિક વેપારી; માતા મેરી આર્ડન, રોમન કૅથલિક જમીનદાર પિતાનાં પુત્રી. સ્થાનિક શાળામાં પ્રાથમિક શિક્ષણ. કદાચ પિતાની દુકાનમાં ધંધો શીખતા હતા અને એક વૃત્તાંત અનુસાર પિતાની આર્થિક સ્થિતિ બગડતાં ખાટકીની દુકાનમાં નોકરીએ રહ્યા હતા. અન્ય માન્યતા અનુસાર શાળામાં શિક્ષકની નોકરી. 1582માં એન હેથાવે સાથે લગ્ન. સર થૉમસ લ્યુસી નામના શૅરીફ(Justice of Peace)ના ઉદ્યાનમાંથી હરણની ચોરી કરવા માટેની સજામાંથી બચવા માટે વિલિયમ સ્ટ્રૅટફર્ડ છોડીને નાસી ગયેલા : 1583માં તેમને ત્યાં પુત્રી સુસાન અને 1585માં જોડિયાં બાળકો-પુત્ર-પુત્રીનો જન્મ થયેલો. પુત્ર હેન્મેટનું નાની વયે અવસાન થયેલું. 1588માં લંડનમાં આવ્યા પછી 1592માં નટ અને નાટ્યકાર તરીકે તેમનું નામ જાણીતું થયેલું. હેનરી રિઑથૅસલી, સાઉધમ્પટનના ત્રીજા અર્લ તરફથી તેમને આશ્રય મળેલો. ‘વીનસ ઍન્ડ ઍડોનિસ’ (1593), ‘ધ રેપ ઑવ્ લુક્રીસ’ (1594)  અને ‘સૉનેટ્સ’(1609)નાં પ્રકાશનોએ શેક્સપિયરની કવિ તરીકે પ્રતિષ્ઠા સ્થાપી. સૉનેટોમાં એક યુવાનના સૌંદર્ય અને ગુણનું તથા રહસ્યમય અને બેવફા શ્યામ રમણીનું વર્ણન છે. અહીં ત્રણેય વચ્ચે પ્રણયત્રિકોણ રચાયો છે. 154 સૉનેટ સ્વતંત્ર અને છતાંય વિચારના એક તંતુમાં માળાના મણકાની માફક વણાયાં છે. જોકે શેક્સપિયરની કીર્તિ મુખ્યત્વે તેમનાં 37 કે 38 નાટકો પર આધારિત છે.

વિલિયમ શેક્સપિયર

શેક્સપિયર ‘ચૅમ્બરલેઇન મૅન’ (પાછળથી ધ કિંગ્ઝ મૅન) તેમજ ‘ગ્લોબ થિયેટર’ અને ‘બ્લૅક ફ્રાયર્સ’  એ થિયેટરો સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. રાણી ઇલિઝાબેથ-I અને રાજા જેમ્સ-Iના રાજ્યદરબારમાં તેમનાં નાટકો ભજવાતાં. 1608 પછી કવિ સ્ટ્રૅટફર્ડમાં ખરીદેલ ‘ન્યૂ પ્લેસ’ નામના ભવ્ય મકાનમાં રહેવા ગયેલા.

શેક્સપિયરનાં નાટકો લખાયાની ચોક્કસ પ્રમાણભૂત તારીખો મળતી નથી, જોકે તેમનાં નાટકો લખાયાના ચાર તબક્કાઓ – (1) 1594 સુધી, (2) 1594થી 1600, (3) 1600થી 1608 (4) અને 1608થી અંત સુધી  માટે લગભગ એકમતી સધાઈ છે. ઐતિહાસિક હેવાલ કે વૃત્તાંત, ઇતિહાસ કે કાલ્પનિક કથાનકોમાં તેમનાં નાટકોના સ્રોત મળે છે. શેક્સપિયરનાં નાટકોના મૂળ સ્રોત પર લંડનની કિંગ્ઝ કૉલેજના પ્રાધ્યાપક જ્યૉફ્રે બુલૉનું સંશોધન નોંધપાત્ર ગણાય છે.

પ્રથમ તબક્કાના પ્રયોગશીલ સર્જનમાં હેનરી VI, પાર્ટ I – II અને III (1590? – 1592?) અને રિચર્ડ III (1593?) સ્વાર્થી નબળી રાજસત્તાના દુષ્પરિણામની રજૂઆત કરે છે. આ નાટકો પર સમકાલીન નાટ્યકાર ક્રિસ્ટોફર માર્લો અને રોમન નાટ્યકાર સેનેકાની અસર જણાય છે. ‘ટિટસ અન્ડ્રોનિક્સ’ (1594) પર ટૉમસ કીડની અસર છે. આ પ્રથમ તબક્કામાં ‘ધ કૉમેડી ઑવ એરર્સ’ (1592) રોમન કૉમેડી પ્રકારનું ફારસ છે. ‘ધ ટેમિંગ ઑવ્ ધ શ્રૂ’ (1593?) પાત્રાલેખનમાંથી ઉદ્ભવતું હાસ્યપ્રધાન નાટક છે. ‘ધ ટુ જેન્ટલમૅન ઑવ્ વેરોના’ (1594?) રૉમાંચક પ્રેમનું નાટક છે. ‘લવ્ઝ લેબર ઇઝ લૉસ્ટ’ (1594) તેમના જમાનાના બનાવટી પ્રેમ અને દંભને છતાં કરે છે.

બીજા તબક્કાનાં ઐતિહાસિક નાટકોમાં રિચર્ડ II (1595 ?), હેનરી IV, પાર્ટ I અને II (1597?) અને હેનરી V (1598?) છે. આ નાટકોમાં સ્થૂલકાય ફૉલસ્ટાફનું હાસ્યરસિક પાત્ર ખૂબ જાણીતું થયું છે. આ સમયમાં લખાયેલું ‘અ મિડસમર નાઇટ્સ ડ્રીમ’ (1595?) તેમાં રજૂ થયેલ પક, કિંગ ઑબરોન અને રાણી ટિટાનિયાનાં પાત્રોને લીધે જગવિખ્યાત બન્યું છે. ‘ધ મર્ચન્ટ ઑવ વેનિસ’ (1596) કરુણ-હાસ્ય રજૂ કરતું નાટક છે. આમાં આવતું ખલપાત્ર શાયલોક છેવટે પ્રેક્ષકોની સહાનુભૂતિ પામે છે. ‘મચ ઍડો એબાઉટ નથિંગ’ (1599), ‘ઍઝ યુ લાઇક ઇટ’ (1599?) અને ‘ટ્વેલ્ફ્થ નાઇટ’ (1600) તેમાંનાં સ્ત્રીપાત્રોને લીધે નોંધપાત્ર છે. ‘ધ મેરી વાઇવ્ઝ ઑવ્ વિંડસર’ (1599?) મધ્યવર્ગના કૌટુંબિક જીવન વિશેનું ફારસ છે, ‘રોમિયો ઍન્ડ જુલિયેટ’ (1595?) બે યુવાન પ્રેમીઓના કુટુંબના સંઘર્ષની કરુણ કથા છે તો ‘જુલિયસ સીઝર’ (1599 ?) રાજકીય વેરની વસૂલાતનું રોમન નાટક છે.

ત્રીજા તબક્કામાં ‘હૅમ્લેટ’ (1601 ?) શેક્સપિયરનું જગવિખ્યાત કરુણરસિક નાટક છે. તેનાં વિટંબણા અને સંઘર્ષ માનવજાતના કરુણને અદ્ભુત રીતે રજૂ કરે છે. ‘ઑથેલો’ (1604?) મનુષ્યમાં ઈર્ષ્યા કેટલી હદે ખાનાખરાબી કરી શકે છે તેનું નિદર્શન કરે છે. ‘કિંગ લિયર’ (1605) મહાકાવ્યના ફલક પર માનવહૃદયની કોમળ અને તીવ્ર લાગણીના નિરૂપણ દ્વારા પ્રદર્શિત માનવજાતની ઉદાત્ત કરુણાંતિકા છે. ‘ઍન્ટની ઍન્ડ ક્લિયૉપૅટ્રા’ (1606?) રૉમન જનરલ ઍન્ટની અને ઇજિપ્તની રાણી ક્લિયૉપૅટ્રાના અમર પ્રેમની કહાણી છે. ‘મૅકબેથ’ (1606) મહત્ત્વાકાંક્ષાના અતિરેકમાંથી ઉદ્ભવતી મહાન કરુણાંતિકા છે. ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રેસિડા’ (1602), ‘કોરિયોલેનસ’ (1608) અને ‘ટિમૉન ઑવ્ એથેન્સ’ (1608 ?) હૃદયસ્પર્શી કરુણાંતિકાઓ છે, ‘ઑલ્સ વેલ ધૅટ એન્ડ્ઝ વેલ’ (1602?) અને ‘મેઝર ફૉર મેઝર’(1604)ને ‘પ્રૉબ્લેમ પ્લેઝ’ તરીકે ઓળખવામાં આવે છે.

ચોથા તબક્કામાં લખાયેલાં નાટકો ‘ટ્રૅજી કૉમેડિઝ’ કે રૉમાન્સ નાટકો તરીકે ઓળખાય છે. આ ત્રણેય નાટકો ‘પૅરિકલ્સ’ (1608?), ‘સિમ્બેલિન’ (1610), ‘ધ વિન્ટર્સ ટેલ’ (1610?) જીવનના સંપૂર્ણ દર્શનને રજૂ કરે છે, ‘ધ ટેમ્પેસ્ટ’ (1611?) રજૂ કર્યા પછી શેક્સપિયર નાટ્યજગતને અલવિદા કરે છે, ચૌદ વર્ષને અંતે વૈરનો અગ્નિ શમી જાય છે. પેઢી-દર-પેઢીનું વેર લુપ્ત થાય છે અને નવી પેઢી દ્વારા નવું સુંદર આશાભર્યું જગત છતું થાય છે.

‘હેનરી VIII’ (1613?) અને ‘ધ ટુ નોબલ કિન્સમૅન’ (1613) કદાચ જ્હૉન ફ્લેચર સાથે લખાયેલાં શેક્સપિયરનાં અંતિમ નાટકો છે.

18મી સદી સુધીનું વિવેચન શેક્સપિયરને લગામ વગરની નિરંકુશ પ્રતિભાવાળો, પાસા પાડ્યા વગરનો હીરો ગણે છે. શેક્સપિયરનાં નાટકો સર ફ્રાન્સિસ બૅકને કે અર્લ ઑવ્ સાઉધમ્પટને લખ્યાં હોવાનો એક મત છે. જોકે કવિના સમકાલીન બેન જૉન્સન જેવા વિવેચક-નાટ્યકારે શેક્સપિયરનાં નાટકો પ્રસિદ્ધ કરી, તેના ટીકાત્મક ઉપોદ્ઘાતમાં શેક્સપિયરની ભારે પ્રશંસા કરી છે. જોકે 19મી સદીમાં ને ત્યારપછી શેક્સપિયરનો મહિમા દિનપ્રતિદિન વધતો ગયો છે. પશ્ચિમના જગતમાં શેક્સપિયરનું સ્થાન સર્વોચ્ચ નાટ્યકાર તરીકે પંકાયું છે. મનુષ્યના મનુષ્ય સાથેના સંબંધો સમજવા માટે તેનાં નાટકો સર્વશ્રેષ્ઠ રહ્યાં છે. માનવબુદ્ધિનું ચરમ બિંદુ કેટલા બધા ઊંચા આંક પર હોઈ શકે તેનાં દ્યોતક શેક્સપિયરનાં નાટક છે અને તેમાં પ્રગટ થયેલી કવિતા આજ સુધી પણ તેટલી જ પ્રભાવક નીવડી છે. 1991માં સમર્થ નટ જ્હૉન ગીલગુડ પોતાના અનુભવના નિચોડ તરીકે શેક્સપિયરનું યથાર્થ અને અદ્ભુત દર્શન કરાવે છે.

જ્યાં વિલિયમ શૅક્સપિયરનો જન્મ થયો હતો તે સ્ટ્રેટફર્ડ-અપૉન-એવન ખાતેનું મકાન

શેક્સપિયરનાં નાટકો જગતભરના વિવિધ રંગમંચો પર આજે પણ ભજવાય છે. મહાન દિગ્દર્શક પીટર બ્રુકના મત મુજબ આજે શેક્સપિયર ‘અમારો આદર્શ’ છે. ઇંગ્લડ, જર્મની, રશિયા, ભારત, અમેરિકા વગેરે દેશોના અનેક નાટ્યકારો પર તેમની પ્રબળ અસર છે. ઑપેરા અને બેલે જેવાં સ્વરૂપોમાં પણ તેમનાં નાટકોનું રૂપાંતર થયું છે. સંગીતનાટકોમાં ‘ધ ટેમિંગ ઑવ્ ધ શ્રૂ’ ઉપરથી ‘કિસ મી કેઇટ’ અને ‘ઑથેલો’ પરથી 1971માં ‘કૅચ માય સોલ’ (1971) અને ‘મૅકબેથ’ પરથી રાજકીય-કટાક્ષનું નાટક ‘મૅકબર્ડ’ (1967) બન્યાં છે. શેક્સપિયર ‘હૅમ્લેટ’ દ્વારા કહે છે કે નાટક એટલે પ્રકૃતિ સામે ધરેલો અરીસો. તેમનાં તમામ નાટકો આ વાતની સાખ પૂરે છે. ‘ધ પેલિકન શેક્સપિયર’ (1969), ‘ધ સિગ્નેટ ક્લાસિક શેક્સપિયર’ (27 ગ્રંથો; 1963-66), ‘ધી આર્ડન શેક્સપિયર’ (1951, સંવર્ધિત આવૃત્તિ), ‘ધ ન્યૂ કેમ્બ્રિજ શેક્સપિયર’ (પ્રત્યેક નાટક માટે એક ગ્રંથ), ‘ધ ન્યૂ વેરિયોરમ એડિશન’ (1871થી શરૂ થયેલી આવૃત્તિ)  ઉપરાંત અનેકવિધ સંપાદકોએ તેમનાં નાટકો અને કાવ્યોનું સંપાદન કર્યું છે. ‘શેક્સપિયર સર્વે’માં દર વર્ષે તેમના વિશેના સંશોધનલેખો પ્રગટ થાય છે. સૅમ્યુઅલ શૉનબોમે ‘શેક્સપિયર્સ લાઇવ્ઝ’(1970)માં કલ્પનાનો આધાર લઈ રસપ્રદ જીવનચરિત્ર લખ્યું છે. આ જ લેખકે તેમની ડૉક્યુમેન્ટરી લાઇફ (1975), ‘શેક્સપિયર : ધ ગ્લોબ ઍન્ડ ધ વર્લ્ડ’ (1979) અને ‘વિલિયમ શેક્સપિયર : રેકર્ડ્ઝ ઍન્ડ ઇમેજિઝ’ (1981) પ્રસિદ્ધ કર્યાં છે. એચ. જી. બાર્કર અને જી. બી. હેરિસને ‘અ કમ્પેનિયન ટુ શેક્સપિયર સ્ટડિઝ’(1960)નું સંપાદન કર્યું છે. બાર્કરનું ‘પ્રિફેસ ટુ શેક્સપિયર’ (ચાર ગ્રંથો, 1963) સુપ્રસિદ્ધ પ્રકાશન છે. જાન કૉટના ‘શેક્સપિયર, અવર કન્ટેમ્પોરરી’ (1964, મૂળ પૉલિશ ભાષામાં) પુસ્તકે રંગભૂમિ પર ભજવાતાં શેક્સપિયરનાં નાટકો ભજવતાં નટવૃંદ પર ભારે અસર કરી છે.

શેક્સપિયર ગુજરાતીમાં

મરાઠી, બંગાળી, તમિળ, તેલુગુ, કન્નડ, મલયાળમ, ઉર્દૂ અને હિન્દી નાટ્યસૃદૃષ્ટિમાં શેક્સપિયરની નાટ્યપ્રતિભાનો પ્રભાવ-સંચાર એક યા બીજી રીતે જોવા મળે છે. શેક્સપિયરનાં કેટલાંક નાટકો ગુજરાતી રંગમંચ પર ભજવાયાં છે, તો કેટલાંકનું ગુજરાતી ગદ્યવાર્તાઓમાં પુન:કથન થયું છે. તેનાં કેટલાંક નાટકોના ગુજરાતીમાં અનુવાદ કે રૂપાંતર થયાં છે.

મુંબઈમાં પારસી જુવાનોના જૂથે શરૂ કરેલી ‘યંગ બૉમ્બે’ નામની નાટકમંડળીએ 1857ના ફેબ્રુઆરી માસમાં શેક્સપિયરના ‘ટેમિંગ ઑવ્ ધ શ્રૂ’, ‘કૉમેડી ઑવ્ એરર્સ’, ‘મર્ચન્ટ ઑવ્ વેનિસ’ અને ‘ઑલ્સ વેલ ધૅટ એન્ડ્ઝ વેલ’ નાટકોનાં ગુજરાતી ભાષાંતર રજૂ કર્યાં; તેમાં ભાષા ગુજરાતી અને પોશાકો ભૂમિકા અનુસાર સ્પૅનિશ અને ઇટાલિયન પદ્ધતિના હતા. 18 એપ્રિલ, 1858ની રાત્રે ‘ટેમિંગ ઑવ્ ધ શ્રૂ’ના ગુજરાતી ભાષાંતરની સાથે ‘ધુતારાનું ફારસ’ મહિલા-પ્રેક્ષકો સમક્ષ ભજવેલું, જેની પ્રશંસાત્મક નોંધ ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ પત્રે લીધી હતી. 1853થી 1867 સુધીના ગાળામાં ત્રીસથી વધુ નાટકમંડળીઓમાં એક ‘શેક્સપિયર નાટકમંડળી’ પણ હતી. 11 સપ્ટેમ્બર, 1858ની રાત્રિએ સ્ટુડન્ટ્સ ઍમેચ્યૉર ક્લબે શેક્સપિયરનું ‘રોમિયો ઍન્ડ જૂલિયેટ’ નાટક રજૂ કરેલું. ‘કાલિદાસ ઍલ્ફિન્સ્ટન સોસાયટી’ ડૉ. ભાઉ દાજી લાડની પ્રેરણાથી મહારાષ્ટ્રીય યુવાનોએ સ્થાપેલી. તેણે 24 મે, 1867ના રોજ ‘જૂલિયસ સીઝર’ ગ્રાન્ટ રોડ થિયેટરમાં ભજવેલું. કાબરાજીએ કસરતશાળાના લાભાર્થે 21 ડિસેમ્બર, 1867ના રોજ ગ્રાન્ટ રોડ થિયેટરમાં ‘કૉમેડી ઑવ્ એરર્સ’નું ગુજરાતી રૂપાંતર ‘ભૂલચૂકની હસાહસ’ ભજવવાની વ્યવસ્થા કરેલી. જાણીતું પ્રહસન ‘મચ એડો અબાઉટ નથિંગ’ પરથી થયેલું ભાષાંતર ‘ખણ્યો ડુંગર અને ક્હાડ્યો ઉંદર’ ગ્રાન્ટ રોડ થિયેટરમાં 16 મે, 1868ની રાત્રે ભજવાયેલું તેના ત્રણ ખેલ થયેલા. નાટક ઉત્તેજક મંડળી દ્વારા 1861માં સૂરતમાં ‘ટેમિંગ ઑવ્ ધ શ્રૂ’નું ગુજરાતી ભાષાંતર ‘નઠારી ફિરંગણ ઠેકાણે આણી’ ભજવાયું હતું. 1898થી 1940 દરમિયાન આલ્ફ્રેડ થિયેટ્રિકલ કંપનીએ શેક્સપિયરનાં નાટકોને ઉર્દૂ જબાન અને મુસ્લિમ પોશાકમાં રજૂ કરેલાં. અમૃત કેશવ નાયકે ‘હૅમ્લેટ’ના ઉર્દૂ રૂપાંતર ‘ખૂને નાહક’માં મલિકાની યાદગાર ભૂમિકા ભજવી હતી. એ જ રીતે ‘બજમે ફાની’ (રોમિયો જૂલિયેટ) નાટક ખૂબ વખણાયેલું. ડૉ. ધનજીશા ન. પારેખે ‘મર્ચન્ટ ઑવ્ વેનિસ’માં પોર્શિયાનો અને ‘ઑથેલો’માં ડેસ્ડિમોનાનો પાઠ સરસ રીતે ભજવેલો. અમૃત પારસી નાટક મંડળીમાં અમૃત નાયકે ‘સિમ્બેલાઇન’ ઉપરથી ‘મીઠા ઝહર’ નાટક રજૂ કર્યું હતું.

શેક્સપિયરના જીવન અને કવન પર વેધક પ્રકાશ પાડતું પુસ્તક પ્રો. એસ. આર. ભટ્ટે ‘શેક્સપિયર’ શીર્ષકથી ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનુક્રમે 1970 અને 1997માં પ્રકાશિત કર્યું છે. આ ઉપરાંત રંભાબહેન ગાંધીનું ‘પરિવર્તન’ (1980), ચંદ્રકાન્ત અમીનનાં ‘બારમી રાત’, ‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ અને ‘તોફાન’ (ત્રણેય 1988) તથા મધુસૂદન પારેખનું ‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ પુસ્તક નોંધપાત્ર છે. રણછોડભાઈ ઉદયરામ દવેએ મન:સુખરામ ત્રિપાઠી અને છોટાલાલ સેવકરામની સાથે મળીને ‘શેક્સપિયર કથાસમાજ’ નામના ગ્રંથમાં શેક્સપિયરનાં નાટકોનો કથાસાર આપ્યો છે. નરસિંહરાવના મત મુજબ ‘લૅમ્બ્ઝ ટેલ્સ ફ્રૉમ શેક્સપિયર’ના ભાષાંતરરૂપ આ ગ્રંથમાં મણિભાઈ જસભાઈ અને હરિદાસ બિહારીદાસનું પણ કર્તૃત્વ હતું. ‘શેક્સપિયર દૃશ્યાવલી’નું સંપાદન ચંદ્રવદન મહેતાએ 1964માં કર્યું છે. તેમાં શેક્સપિયરનાં નાટકોમાંથી જુદાં જુદાં શ્યોના દી. બ. કેશવ હર્ષદ ધ્રુવ, હંસાબહેન મહેતા, ધનસુખલાલ મહેતા, પ્રાગજી ડોસા, જશવંત ઠાકર, ચન્દ્રવદન મહેતા, શિવકુમાર જોષી, નંદકુમાર પાઠક, ઉપેન્દ્ર ભટ્ટ, દુષ્યન્ત પંડ્યા, ગુલાબદાસ બ્રોકર, આપાભાઈ પટેલ, પરમસુખ પંડ્યા, બિપિન ઝવેરી, નટવરલાલ માળવી, રામનારાયણ વિ. પાઠક તથા ચંદ્રવદન મહેતાએ કરેલા દૃશ્યાનુવાદો આપ્યા છે. હંસાબહેન મહેતાએ શેક્સપિયરના ‘હૅમ્લેટ’ (1942) અને ‘વેનિસનો વેપારી’ (1945) એ બે નાટ્યાનુવાદો આપ્યા છે.

શેક્સપિયરનાં અનેક નાટકોનાં ગુજરાતીમાં સંપૂર્ણ અનુવાદ કે રૂપાંતર પણ થયાં છે. ‘જૂલિયસ સીઝર’નો અનુવાદ ભાણજી ગોકુળ પારેખે 1874માં તથા મગનલાલ હરિલાલ પારેખે ‘ધ કૉમેડી ઑવ્ એરર્સ’નો અનુવાદ ‘આશ્ચર્યકારક ભૂલવણી’ 1892માં કરેલો. બમનજી નવરોજી કાબરાજીએ ‘હૅમ્લેટ’ તથા ‘ઑથેલો’નાં રૂપાંતર પ્રસિદ્ધ કરેલાં.  નારાયણ વિસનજી ઠક્કુરે ‘માલવકેતુ અથવા માયાપ્રભાવ’ નામનું નાટક અનેક ફેરફારો સાથે ‘મૅકબેથ’ પરથી તૈયાર કર્યું હતું. આપાભાઈ પટેલે ‘તાંડવનૃત્ય’ નામે રૂપાંતર પ્રગટ કર્યું છે, જે મૂળ પ્રમાણે ગદ્યનાટક છે. મનસુખલાલ ઝવેરીએ ‘હૅમ્લેટ’, ‘ઑથેલો’ અને ‘કિંગ લિયર’ના ગુજરાતીમાં અનુવાદ કર્યા છે. તે પહેલાં ‘હૅમ્લેટ’નો અનુવાદ નરભેશંકર પ્રાણજીવન દવેએ કરેલો. ‘મૅકબેથ’નો અનુવાદ જશવંત ઠાકરે 1963-64માં પ્રસિદ્ધ કરેલ છે. જયંત પટેલે ‘ઑથેલો’ તેમજ ‘મૅકબેથ’ તથા ‘ધ મર્ચન્ટ ઑવ્ વેનિસ’ નાટકનો ગદ્યમાં અનુવાદ કરેલ.

રામનારાયણ વિ. પાઠકે ‘રોમિયો-જૂલિયેટ’નું એક દૃશ્ય ‘બાગમાં મિલન’ (‘બાલ્કની સીન’) વનવેલી છંદમાં ઉતાર્યું છે. કૃષ્ણશંકર અંબાશંકર વ્યાસે ‘મર્ચન્ટ ઑવ્ વેનિસ’નું ગદ્યપદ્યાત્મક ગુજરાતી ભાષાંતર 1975માં ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રસિદ્ધ કર્યું છે. તેમણે ‘ઍઝ યુ લાઇક ઇટ’નું ભાષાંતર ‘જંગલમાં મંગલ’ નામે કર્યું છે. મહમદ રૂપાણીએ પણ તેનો અનુવાદ ‘આપની પસંદગી’ નામે આપ્યો છે. નલિન રાવળે કરેલો ‘ધ ટેમ્પેસ્ટ’ નાટકનો ગુજરાતી અનુવાદ તે જ નામે 1992માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયો છે. શેક્સપિયરનાં સૉનેટોનો મહમદ રૂપાણીએ કરેલો અનુવાદ પણ પ્રસિદ્ધ થયેલો છે.

વિ. પ્ર. ત્રિવેદી