શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં શંકરાચાર્યે સ્થાપેલા શારદા અને મહેશ્વરદેવનાં મંદિરો આવેલાં છે. કેટલાક લોકોની માન્યતા છે કે અહીં શૃંગી ઋષિના પિતા વિભાંડક ઋષિનો આશ્રમ હતો અને મંદિરોમાંની મૂર્તિઓ એમણે સ્થાપી હતી. અહીંથી લગભગ 20 કિમી. દૂર શૃંગી ગિરિ આવેલો છે. આ તીર્થને શૃંગી ઋષિનું જન્મસ્થાન માનવામાં આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ