શૂર્પણખા : એકદળી વર્ગમાં આવેલા એરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Monstera deliciosa Liebm. syn. Philodendron pertusum Kunth & Bouche છે. તે સદાહરિત આરોહી જાતિ છે અને વેસ્ટ ઇંડિઝ અને ઉષ્ણકટિબંધીય અમેરિકાની મૂલનિવાસી છે. શોભન પર્ણસમૂહ અને 25.0 સેમી. સુધીની લંબાઈ ધરાવતાં ખાદ્ય ફળો માટે તેનો ભારતમાં પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તે ખૂબ મોટી, કાષ્ઠમય મૂલારોહી વનસ્પતિ છે અને મૂળ ઘણી વાર દોરડાં જેવાં હોય છે. પર્ણો વધતે ઓછે અંશે દ્વિપંક્તિક (distichous) એકાંતરિક એકાદ મીટર જેટલાં મોટાં ભાલાકાર(lanceolate)થી માંડી લંબચોરસ (oblong), પક્ષવત્ દર (pinnatifid) પ્રકારનું છેદન ધરાવતાં છિદ્રલ (perforated), લીલાં અને ચળકતાં હોય છે. છિદ્રો ગોળ, લંબગોળ કે પટ્ટી જેવાં હોય છે. પર્ણદંડો મોટા અને આવરક (sheathing) હોય છે. પર્ણકિનારી સળંગ અથવા પટ્ટી જેવી કપાયેલી હોય છે.
પુષ્પનિર્માણની ક્રિયા જુલાઈથી સપ્ટેમ્બરમાં થાય છે. પુષ્પવિન્યાસ મોટો માંસલ શુકી (spadix) પ્રકારનો હોય છે, જે અંડાકાર (ovate) કે લંબચોરસ નૌકાકાર પૃથુપર્ણ (spathe) વડે આવરિત હોય છે. પુષ્પવિન્યાસ કરતાં પૃથુપર્ણ મોટું હોય છે. પુષ્પવિન્યાસ અક્ષ નળાકાર હોય છે અને ટોચ ઉપર દ્વિલિંગી પુષ્પો અને નીચેની તરફ વંધ્ય પુષ્પો ધરાવે છે. પરિદલપત્રો હોતાં નથી. પુંકેસરો ચાર હોય છે. બીજાશય દ્વિકોટરીય હોય છે. પ્રત્યેક કોટરમાં બે અંડકો જોવા મળે છે. ફળ શંકુ જેવું લાંબું હોય છે અને ષટ્કોણીય તકતીઓ ધરાવે છે.
શૂર્પણખાનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે, છતાં કટકારોપણ-પદ્ધતિ પણ અજમાવવામાં આવે છે. તે કોઈ પણ પ્રકારની સારી નિતારવાળી ભૂમિમાં સારી રીતે ઊગે છે. તેને આરોહણ માટે આધારની જરૂરિયાત હોય છે. મૂળ આગળ વધારે ખાતર-પાણી જોઈએ છે, પણ તે ઉપરાંત ફુવારાથી છોડ ઉપર પાણી છાંટીને ભેજ રાખવામાં આવે તો તે ખૂબ સરસ વૃદ્ધિ પામે છે. તેને ફળ માટે ઉગાડવામાં આવી હોય તો તેનું કૃંતન (pruning) કરવું અને 2.4 મી.થી 3.0 મી. જેટલી જ લાંબી વેલ થવી જરૂરી બને છે. વાવેતર પછી 2થી 3 વર્ષમાં તેને ફળ આવે છે. પુષ્પનિર્માણ પછી ફળ પાકવા માટે એક વર્ષ લાગે છે. ફળ નીચેની તરફથી ઉપરની તરફ પાકે છે અને ઉતાર્યા પછી એક અઠવાડિયા પછી તેનો ઉપયોગ કરી શકાય છે. ફળ સારી રીતે ધોવામાં ન આવે તો પુષ્પના અવશેષોથી ગળામાં ખૂજલી જેવી ઉત્તેજના ઉત્પન્ન થાય છે. તેના ફળની સાથે અનેનાસ અને કેળાની સોડમ (flavour) ઉમેરવામાં આવે છે, જે એક સ્વાદિષ્ટ વાનગી ગણાય છે. કેટલીક વાર આ ફળ ખાવાથી પ્રત્યૂર્જતા (allergy) અથવા તીવ્રગ્રાહિતા (anaphylaxis) થાય છે. મેક્સિકોમાં તેનાં હવાઈ મૂળનો ઉપયોગ મજબૂત ટોપલીઓ બનાવવામાં થાય છે.
કેટલાક તેને અડુની વેલ(pothos)ની જાતિ ગણે છે; પરંતુ ખરેખર બંને જુદી જાતિઓ છે. કૂંડામાં ઉછેરવા માટેની કેટલીક જાતોમાં Philedendron gloriosum, P. mamei અને P. squaniferum છે. આ જાતિઓ બહુ ઊંચી થતી નથી.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ