શૂરસેન : 1. કાર્તવીર્ય રાજાનો આ નામનો પુત્ર.
2. પાંડવ પક્ષનો પાંચાલનો ક્ષત્રિય રાજા. મહાભારતના યુદ્ધમાં તેને કર્ણે માર્યો હતો.
3. મથુરાની આસપાસના પ્રદેશનું પ્રાચીન નામ. ઋષિઓના યજ્ઞમાં વિઘ્ન કરનાર લવણાસુરનો શત્રુઘ્ને વધ કર્યો; ત્યારે દેવીએ વરદાન માગવાનું કહેતાં શત્રુઘ્ને માગ્યું કે આ દેશમાં લોકો શૂરવીર થાઓ. આ વરદાન આપવાથી તે દેશનું નામ શૂરસેન પડ્યું. ત્યાં મધુપુરી નામની નગરી હતી. તે નામ બદલીને મથુરા પાડવામાં આવ્યું અને ત્યાં શત્રુઘ્ને પાટનગર રાખ્યું.
4. વિષ્ણુનાં હજાર નામોમાંનું એક.
5. વસુદેવના પિતાનું નામ. તે શ્રીકૃષ્ણના દાદા અને મથુરાના પ્રસિદ્ધ રાજા હતા.
6. ઇક્ષ્વાકુ વંશના એક રાજાનું નામ, જેની રાજધાની મથુરામાં હતી. તેના રાજ્યને મનુએ શૂરસેન નામ આપ્યું છે.
જયકુમાર ર. શુક્લ