શૂન (રાજા) : ચીનનો માત્ર દંતકથાઓમાં જાણીતો રાજા. તે ચીનનાં પુરાણોમાં યુ તી શૂન નામથી પ્રસિદ્ધ છે. તે ઈ. પૂ. 23મી સદી દરમિયાન શાસન કરતો હતો. પ્રાચીન કાળમાં તેનો સુવર્ણયુગ હતો. કન્ફ્યૂશિયસે તેને પ્રામાણિકતા તથા તેજસ્વિતાના નમૂનારૂપ ગણાવ્યો છે. તેની અગાઉના, દંતકથામાં જાણીતા રાજા યાઓ સાથે તેનું નામ જોડાયેલું છે.
શૂનના પિતાએ તેનું ખૂન કરવાના પ્રયાસો કર્યા હતા, છતાં તે છોકરાની ધાર્મિક ભાવના ઘટી નહિ. સ્વર્ગ અને પૃથ્વી પરના બધા જીવો તેના સદ્ગુણો જાણતા હતા. તેથી પ્રાણીઓ અને પક્ષીઓ તેને મદદ કરવા દોડી આવતાં. રાજા યાઓએ પોતાના વારસ તરીકે શાસન કરવા વાસ્તે પોતાના પુત્રને બદલે શૂનને સૌથી સારા રાજા તરીકે પસંદ કર્યો હતો. રાજા યાઓએ પોતાની બંને દીકરીઓ ઓ હુઆંગ તથા નુ યિંગ (તેઓ સિઆંગ હુન અને ફુ-જેન નામથી પણ જાણીતી હતી.) શૂન રાજા સાથે પરણાવી હતી.
રાજા શૂને પોતાના રાજ્યમાં તોલમાપ નક્કી કર્યાં, પાણી જવાના માર્ગો નિયંત્રિત કર્યા અને સારો વહીવટ થઈ શકે તે માટે રાજ્યને 12 પ્રાંતોમાં વહેંચ્યું હતું. તેના અમલ દરમિયાન સ્વર્ગમાં તથા પૃથ્વી ઉપર અદ્ભુત ઘટનાઓ ઘટી હતી.
જયકુમાર ર. શુક્લ