શૂન્યવાદ : બધી ધારણઓમાં વિરોધી ધર્મોની ઉપસ્થિતિ છે, આથી બધું શૂન્ય છે એવો મતવાદ. મહાયાન બૌદ્ધ સંપ્રદાય માધ્યમિક (શૂન્યવાદી) અને વિજ્ઞાનવાદ (યોગાચાર) એવી બે શાખાઓમાં વિભાજિત છે. એમાં શૂન્યવાદના પ્રબળ પ્રતિપાદક આચાર્ય નાગાર્જુન ઈ. સ.ની બીજી સદીમાં થઈ ગયા. નાગાર્જુને ‘માધ્યમિકશાસ્ત્ર’ની રચના કરી, તેના દ્વારા શૂન્યવાદને દાર્શનિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત કર્યો. એમણે ઉત્પત્તિ, ગતિ, દુઃખ, બંધન, મોક્ષ વગેરે બધી ધારણાઓનું તર્કપૂર્ણ પરીક્ષણ કરીને એમ સિદ્ધ કર્યું કે બધામાં વિરોધી ધર્મોની ઉપસ્થિતિ છે આથી બધું શૂન્ય છે. આને માટે નાગાર્જુને અષ્ટ નિષેધોનું વિધાન કર્યું અને કહ્યું કે પ્રત્યેક વસ્તુ અનિરોધ, અનુત્પાદ, અનુચ્છેદ, આશાશ્વત, અનેકાર્થી, અનાનાર્થી, અનાગમી અને અનિર્ગમી છે. ‘માધ્યમિકશાસ્ત્ર’ની પ્રથમ કારિકામાં આ આઠ નિષેધોનો નિર્દેશ કરીને એમણે કહ્યું કે આનાથી જે સંપૂર્ણપણે પરિચિત થઈ જાય છે તે ક્યારેય કોઈ અતિવાદોનો આશ્રય લેશે નહિ અને તે સદાય મધ્યમ માર્ગને અનુસરતો રહેશે.
વસ્તુતઃ શૂન્યનો અર્થ બિનબૌદ્ધ દાર્શનિકોએ ‘સત્તાનો અભાવ’ કર્યો છે. શૂન્યવાદીઓ આ અર્થનો સ્વીકાર કરતા નથી. તેમને મતે વસ્તુઓ સત્તાશૂન્ય હોતી નથી તેમજ તે નરી તાત્વિક પણ હોતી નથી. કેમ કે તે કારણો પર નિર્ભર હોય છે અને અનિત્ય હોય છે. સંસારમાં કોઈ વસ્તુ એવી નથી જે કારણો પર આધારિત ન હોય. આથી કોઈ વસ્તુ કે ધર્મ સ્વતંત્ર કે નિરપેક્ષ નથી, તેથી એનો પોતાનો કોઈ સ્વભાવ નથી. આમ બતાવીને આચાર્ય નાગાર્જુન કાર્ય-કારણનો અંતર્વિરોધ દર્શાવે છે. તેઓ કહે છે કે જો કાર્ય અને કારણ ભિન્ન છે તો એનો અર્થ એ થયો કે કારણ વગર પણ કાર્ય સંભવે, જો એમાં ભિન્નતા ન હોય તો એક જ વસ્તુને બે નામો આપવાં ઉચિત નથી. પછી તો બે વસ્તુમાંથી બીજી વસ્તુ ઉત્પન્ન પણ ના થઈ શકે. કેમ કે જ્યારે એ વસ્તુને કોઈ ધર્મ જ ન હોય તો બીજી વસ્તુને કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? આ રીતે શૂન્યવાદ ઉત્પત્તિ, ગતિ, સ્વભાવ અને ધર્મનો નિષેધ કરીને સમસ્ત સૃષ્ટિને અનન્ત શૂન્યતાનો ચિર પ્રવાહ માત્ર હોવાનું સિદ્ધ કરે છે.
તો પછી પ્રશ્ન એ થાય છે કે બધું શૂન્ય છે તો નિર્વાણ શું છે ? શા માટે એ પ્રાપ્ત કરવું જોઈએ ? એ કેવી રીતે મેળવાય ? નાગાર્જુન કહે છે કે નિર્વાણ સંસારથી પર નથી તેમ સંસાર પણ નિર્વાણથી પર નથી. વસ્તુતઃ ભાવ અને અભાવની ધારણાનો ક્ષય થવો એ જ નિર્વાણ છે. નિર્વાણ એ શૂન્યમાં ગૂંચવાયેલી ગાંઠ છે, જે કેવળ શૂન્યમાં જ ખૂલી જાય છે.
પ્રવીણચંદ્ર પરીખ