શૂદ્ર : હિંદુ ધર્મના ચાર વર્ણોમાંનો એક. પુરુષસૂક્તમાં વિરાટ પુરુષના ચરણમાંથી શૂદ્રને ઉત્પન્ન થયેલો ગણાવાયો છે. અર્થાત્ સમાજસેવાનો ભાર શૂદ્રોને સોંપાયો હતો, પણ તેથી તે નીચ કે હલકો ગણાતો ન હતો; પરંતુ પ્રથમ ત્રણ વર્ણના કામ માટે અયોગ્ય ગણાતો હતો. પુરુષસૂક્ત અનુસાર સમાજના ચારેય વર્ણ ચાર વર્ગો રૂપે અલગ અલગ મહત્વ ધરાવતા હતા. (અથર્વવેદ 10-90-12; મનુસ્મૃ. 182).

યજુર્વેદમાં तपसे शूद्रम् (30.5) કહી શ્રમસાધ્ય કાર્ય શૂદ્રને સોંપવા જણાવાયું છે. कर्मार – કારીગર, मणिकार – ઝવેરી, हिरण्यकार – સોની, रंजयिता – રંગાટી, तक्षा – શિલ્પી, वप – નાઈ, अयस्ताप – લુહાર, अजिनसन्ध – મોચી, परिवेष्टा – રસોઇયો જેવી જાતિઓમાં જ્ઞાન, શમ, દમ જેવા ગુણો ઓછા હોવાથી તેમને સેવાનું કાર્ય સોંપાતું હતું. તેમના તરફ ક્યારેય ઘૃણાનો ભાવ ન રાખવા અથર્વવેદ જણાવે છે.

प्रिय मा कृणु देवेषु प्रियं राजसु मा कृणु ।

प्रियं सर्वस्य पश्यत उत शूद्र उतायें ।।  (19.621)

આમ વેદકાલીન વર્ણવ્યવસ્થા ગુણકર્મ ઉપર આધારિત હતી. તે પાછળ સમાજવિષયક પૂર્ણદૃષ્ટિ હતી. વર્ણવ્યવસ્થાનો આધાર મનુષ્યની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક જરૂરિયાત હતી. બ્રાહ્મણ જ્ઞાન, ક્ષત્રિય ક્રિયા, વૈશ્ય ઇચ્છા અને શૂદ્ર સેવા સાથે સંકળાયેલાં હતાં. મનુ આથી જ કહે છે કે

शूद्रो ब्राह्मणतामेति ब्राह्मणश्चेति शूद्रताम् । (મનુ. 10.65)

યજુર્વેદમાં કહ્યું છે કે ‘વેદની કલ્યાણકારી વાણી મનુષ્યમાત્ર માટે છે. ભલે પછી તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર કે અંત્યજ આદિ હોય – ‘शूद्राय चार्याय च स्वाय चारणाय च ।’ (યજુ. 2612). અર્થાત્ શૂદ્રને પણ વેદાધ્યયનનો અધિકાર હતો. દાસીપુત્ર કવશ ઐલૂષ, કક્ષીવત્ જેવા ઋગ્વેદના મંત્રદ્રષ્ટા ઋષિઓ છે.

‘શતપથબ્રાહ્મણ’ અનુસાર ૐ ભૂર્ભુવ: સ્વ:માં સ્વ: વ્યાહૃતિથી શૂદ્ર ઉત્પન્ન થયા છે. સમાજના અભિન્ન અંગ તરીકે તે હેય નથી. વળી રાજાના રાજ્યાભિષેક વખતે નવ રાણીઓમાં શૂદ્રા રાણીને પણ સ્થાન હતું.

વેદના દાસ, દસ્યુ શબ્દો જાતિવાચક નથી. અકર્મા, અમન્તુ, અન્યવ્રત કે અમાનુષ (માનવતાહીન) વ્યક્તિ દસ્યુ છે. અશાન્તિ સર્જનારા, છળકપટ કરનારા વગેરે દસ્યુઓ ગુણકર્મ સ્વભાવથી જુદા તરી આવે છે. દાસદસ્યુને અનાર્ય ગણવા ઉચિત નથી.

शूच + (रक्) ઉપરથી ચોથા વર્ણ માટે ‘શૂદ્ર’ શબ્દ પ્રયોજાય છે. ‘ટ્ટલ્ભ્હ્મ’ શૂદ્ર પત્ની માટે પ્રયોજાતો શબ્દ છે. शुचा द्रवति  (द्रु) કે शोकहेतुकगतियुक्ते કહી ‘શૂદ્રક’ શબ્દ બન્યો છે. વિપ્ર કે દ્વિજસેવા ન કરનાર શૂદ્ર ચાંડાળ બની નરકગામી બને છે. [विप्राणामर्चतं नित्यं शूद्रधर्मो विधीयते । तद्द्वेषी तद्धनग्राही शूद्रश्चाण्डालतां व्रजेत् ।। બ્રહ્મ. વૈ. પુ. 83] તેમનો સેવાધર્મ છે. (પદ્મ સૃ. અ. 16; ગરુડ પુ. 49). અતિથિએ શૂદ્રાન્ન ભિક્ષામાં ન લેવું. (બૃહત્પરાશર). શૂદ્રે નમસ્કારથી અમન્ત્રવત્ પૂજન કરવું. (મત્સ્ય, વરાહ આદિ પુરાણ). ધર્મશાસ્ત્રોનું શ્રવણ શૂદ્ર માટે પાવનકારી છે. શિલ્પાદિ તેમના વ્યવસાય છે.

शिल्पैः संविविधैर्जीवेत् द्विजातिहितमाचरन् ।

भार्यारतिः श्राद्धक्रियारतः नमस्कारेण मंत्रेण पंचयज्ञाय हापयेत् ।।

વગેરેમાં નમસ્કાર મંત્રને પ્રાધાન્ય અપાયું છે.

શૂદ્રના નામકરણમાં વસુઘોષાદિ પદ્ધતિ સૂચવાઈ છે. બ્રહ્મપુરાણ સ્ત્રી શૂદ્રને બે હાથ ધોવાથી શુદ્ધ થતા ગણાવે છે. મનુ શૂદ્ર પત્ની ન કરવાનો આગ્રહ રાખે છે; આમ છતાં શૂદ્રાપુત્રના મિલકતમાં અધિકાર વિશે વિચારે છે; અર્થાત્ શૂદ્રા પત્ની થઈ શકતી હતી.

વ્યુત્પત્તિ ઉપરથી ‘શૂદ્ર’ શબ્દની વિભાવના જોતાં બ્રાહ્મણાદિ દ્વિજમાં જોવા મળતી જ્ઞાનપિપાસા, ક્રિયાશક્તિ કે ઇચ્છાશક્તિના અભાવથી કારીગરી અને શ્રમ પ્રતિ વળવા બદલ શોક કરવાથી શૂદ્ર કહેવાયો છે.

શૂદ્ર કમલાકર, શૂદ્રતત્વ તેમજ શ્રી પિલાજીરાજના આદેશથી શ્રી શેષકૃષ્ણ વિરચિત ‘શૂદ્રાચારશિરોમણિ’ (ગવર્ન્મેન્ટ સંસ્કૃત સીરિઝ, બનારસ, 193336) જેવા ગ્રંથોમાં શૂદ્રવર્ણ-જાતિ અને સંકરજાતિના આચારોની વિગતે ચર્ચા કરવામાં આવી છે. યાજ્ઞવલ્ક્યે અનુલોમ-પ્રતિલોમ વિવાહથી ઉત્પન્ન થયેલાં સંતાનોનાં લગ્નોથી અનુક્રમે જાત્યુત્કર્ષ અને જાત્યપકર્ષ થતો હોવાનું જણાવ્યું છે. પુલ્કસ લોકો શિકાર, આયોગવ શિલ્પ અને ચાંડાળ સ્મશાનની ક્રિયાનો વ્યવસાય કરતા હતા. ‘શૂદ્રાચારશિરોમણિ’ નિબંધગ્રંથમાં શ્રી શેષકૃષ્ણે વર્ણસંકર પ્રજાને શૂદ્રોના સધર્મી ગણાવ્યા છે. शूद्राणां तु सधर्माणः सर्वेडप्यध्वंसजाः स्मृताः । કહી મનુનું વચન ઉદ્ધૃત કર્યું છે. વ્યભિચારથી જન્મેલા બધા જ શૂદ્રવત્ ગણાવાયા છે. દેવલ ‘બારોટ’ ને શૂદ્રધર્મા ગણાવે છે. મનુએ બ્રાહ્મણ પિતાને ક્ષત્રિયાથી થયેલા મૂર્ધાવસિક્ત, વૈશ્યાથી અંબષ્ઠ અને શૂદ્રાથી નિષાદ કે પારશવ ઉત્પન્ન થતા ગણાવ્યા છે. ક્ષત્રિય પિતાને વૈશ્યાથી માહિષ્ય અને શૂદ્રાથી ઉગ્ર જન્મે છે. વૈશ્યને શૂદ્રાથી થતા પુત્રો કરણ કહેવાય છે. આ અનુલોમ લગ્નથી થયેલી શૂદ્રજાતિ છે.

બ્રાહ્મણીને ક્ષત્રિયથી સૂત, વૈશ્યથી વૈદેહક અને શૂદ્રથી જન્મે તેને ચાંડાળ કહે છે. ક્ષત્રિયાને વૈશ્યથી માગધ અને શૂદ્રાથી ક્ષમા જન્મે છે. વૈશ્યા અને શૂદ્રથી ઉત્પન્ન થનાર આયોગવ કહેવાય છે. આ બધી પ્રતિલોમ વૈવાહિક સંબંધથી થનાર જાતિઓ છે.

દેવલ સવર્ણોથી અનુલોમજ, તેથી ઊતરતા અંતરાલ અને પ્રતિલોમજને પતિત ગણે છે. મનુ બ્રાહ્મણથી અનાર્યાને થયેલાં કે અનાર્યથી બ્રાહ્મણને થયેલાં સંતાનો વિશે કહે છે. પ્રથમને આર્ય અને બીજાને અનાર્ય ગણે છે. ઉશનસ્ અનુલોમજ સંતાનોને માતૃધર્મા ગણે છે.

મૂર્ધાવસિક્ત લોકો અશ્વ, રથ, હાથી દ્વારા પરિચર્યા કરે. આથર્વણ ભિષક્ બને. જ્યોતિષ, ગણિત જેવા વ્યવસાયો કરે. અંબષ્ઠો ખેતી કરે છે. આગ્નેય નર્તક થાય, વાજિંત્રો વગાડે. વૈશ્યા-ક્ષત્રિયથી જન્મેલા માહિષ્યો વ્રતબંધ કરી શકે. જ્યોતિષ, શકુનશાસ્ત્ર, સ્વરશાસ્ત્ર આદિનો વ્યવસાય કરે. શૂદ્રા-ક્ષત્રિયજનિત ઉગ્ર લોકો શસ્ત્રાસ્ત્રવિદ્યાથી જીવે. રાજપૂતોનો આ વ્યવસાય ગણાવાયો છે. કારણ લોકો ‘લિપિક’ – હિસાબનીશનો વ્યવસાય કરે. બ્રાહ્મણી-ક્ષત્રિયનાં સંતાન સૂત ગજબંધ અને અશ્વવિદ્યાથી આજીવિકા રળે. વૈદેહક લોકો પાષાણવિદ્યા, કાષ્ઠશિલ્પ કરનારા બને. સૂત્રધાર – સુથાર, લુહાર, સોમપરા જેવી જાતિઓનો સ્રોત જણાય છે. ચાંડાળો ચૌરવધ, કાર્પટિક-નનામી ઉપરનાં વસ્ત્રાદિથી આજીવિકા ચલાવે. તેમનો મલાપકર્ષણ-મેલું ઉપાડવાનો વ્યવસાય પણ આ નિબંધમાં ગણાવાયો છે.

વર્ણસંકરો માટે વર્ણ ગણાવાયો છે. તેઓ અવર્ણ છે. વર્ણસાંકર્યથી જન્મેલાં સંતાનોના વૈવાહિક સંબંધોથી અનેક જાતિઓ ઉત્પન્ન થઈ છે. યાજ્ઞવલ્ક્યના મતે સાત પેઢી પર્યંત ઉત્તમ વર્ણજાતિના પુરુષ ઊતરતી વર્ણજાતિની કન્યા પરણે તો જાત્યુત્કર્ષ થાય અને પ્રતિલોમ ક્રમે પુરુષ પોતાનાથી ચડિયાતી વર્ણજાતિની કન્યાને પરણતાં જાત્યપકર્ષ થાય.

બ્રાહ્મણી અને વ્રાત્યના લગ્નથી ઋજુકંઠ. બ્રાહ્મણી-ઋજુકંઠથી આવર્તક, તે જ પ્રમાણે આગળ કરઘાત અને પુષ્પશેખર જન્મે. પુષ્પશેખર સ્ત્રીને બ્રાહ્મણથી ભોજક, ભોજકસુતા-બ્રાહ્મણથી દેવલક, મહિષ્યા-બ્રાહ્મણથી આભીર, વૈદેહીવિપ્રથી ઉદ્વાહ, વિપ્ર-નિષાદ- કન્યાથી વૈદૃષ્ટિક (પાલખી ઉપાડનાર ભોઈ), વિપ્ર-શૂદ્રીથી નિષાદ, વિપ્ર-માગધીથી ગોપ્તાકારાગૃહ-રક્ષક, ક્ષત્રિયા-વૈશ્યથી માગધી-બંદીજન, અંબષ્ઠા-દ્વિજથી કાંસ્યકાર, વૈશ્યા-વિપ્રથી કાંસ્યકાર, ચિતારા-રંગારા, ઉગ્રા-વિપ્રથી કુંભકાર જન્મે. વ્રાત્યક્ષત્ર-ક્ષત્રિયાથી શસ્ત્રજીવી રાજગુરુ મલ્લ. વૈશ્યશૂદ્રીથી વિવધૂ-વૈતાલિક ભાટ્ટ થાય. આજની અનેક જાતિઓના સ્રોતો વૈવાહિક સંબંધમાં આપી તેમના વિવિધ વ્યવસાયો પણ બતાવ્યા છે.

ભોજકો સૂર્યપૂજન-જીવિક છે. દેવલકો વિષ્ણુમંદિરના પૂજારીઓ છે. આભીરો દૂધનો વ્યવસાય કરે. ઉહવાહ લોકો નારી વિક્રયી ગણાવાયા છે. વૈદૃષ્ટિકો પાલખી ઉપાડનારા હતા. માગધો બંદીજનો હોવાથી રાજાઓની પ્રશંસાનાં ગીતો રચતા હતા. કાંસ્યકાર, રંગારા, ચિતારા, કુંભકાર, મલ્લ, ભાટ્ટ, વૈતાલિકોના વ્યવસાયો જાણીતા છે.

આમ સ્મૃતિગ્રંથો અને નિબંધગ્રંથોમાં શૂદ્રવર્ણ, અનુલોમ, પ્રતિલોમ વૈવાહિક સંબંધથી જન્મેલી શૂદ્રવત્ જાતિઓ, જાતિઓનાં સાંકર્યથી જન્મેલી અનેકાનેક પેટા જાતિઓ વિશે આપેલા આચારોને શૂદ્રાચાર, શૂદ્રવદાચાર ગણાવાયા છે.

પુરાણોમાં બતાવ્યા પ્રમાણે શૂદ્રને વેદાદિ અધ્યાપન કરનાર બ્રાહ્મણને પંક્તિબાહ્ય ગણ્યો છે. (સ્કંદપુરાણ II-1. 19-37-39) દૃઢમતિ શૂદ્ર સુમતિ નામના બ્રાહ્મણ પાસેથી વિદ્યાઓ ભણ્યો. મૃત્યુ પછી શૂદ્ર ગીધ અને બ્રાહ્મણ બ્રહ્મરાક્ષસથી ગૃહીત થયો. (સ્કંદપુરાણ II 1. 25-36). સ્કંદપુરાણ (VII – 1. 24-66-70) અનુસાર દિવસનો છઠ્ઠો ભાગ શૂદ્રે તપ અને ભોજન માટે કાઢવો. બ્રાહ્મણની સલાહથી તપ કરતા શૂદ્ર ઉપર પ્રસન્ન થઈ દુર્વાસાએ સત્યતપસ્ બિરુદ આપ્યાનું વરાહ પુરાણ નોંધે છે. (35-20) બ્રહ્મવૈવર્ત પુરાણ (બ્રહ્મપંડ 10-17-21) સચ્છૂદ્રોની યાદી આપે છે. સ્કંદપુરાણ, અગ્નિપુરાણ વગેરેમાં પણ આવી યાદી છે. બ્રહ્મપુરાણ જન્મ કે સંસ્કારને બદલે વૃત્ત(ચારિત્ર્ય)ને બ્રાહ્મણ કે શૂદ્ર બનાવનાર તત્વ ગણે છે. (न योनिः न संस्कारो न श्रुतिः न च संततिः । कारणानि द्विजत्वस्य वृत्तमेव तु कारणम् ।) (બ્રહ્મપુ. 223-56). બધા જ લોકો વૃત્ત-ચારિત્ર્યથી બ્રાહ્મણ બની શકે છે. (सर्वोडयं ब्राह्मणो लोके वृतेन तु विधीयते ।) (બ્રહ્મપુ. 223-57). वृत्ते स्थितश्च शूद्रोडपि ब्राह्णत्वं च गच्छति । ચારિત્ર્યથી શૂદ્ર પણ બ્રાહ્મણત્વ પામી શકે છે. (બ્રહ્મપુ. 223-58).

દશરથલાલ વેદિયા