શુમેકર્સ હૉલિડે (ધ) (નાટક) (1600) : અંગ્રેજ નાટ્યકાર અને કવિ ટૉમસ ડેક્કર લિખિત હાસ્યપ્રધાન નાટક. રાણી ઇલિઝાબેથ સમક્ષ નૂતન વર્ષના દિવસે ભજવાયેલું. 1600 અને 1657 દરમિયાન તેની છ આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી, જે આ નાટકની લોકપ્રિયતા સાબિત કરે છે. ટૉમસ ડેલોની-રચિત નવલકથા ‘ધ જેન્ટલ ક્રાફ્ટ’માંથી આ નાટકનું વસ્તુ લેવાયું છે. આમાં ત્રણ કથાઓ એકમેકમાં વણાઈ છે. પહેલી ઘટનામાં સાઇમન આયરની પુત્રી રોઝ અર્લ ઑવ્ લિંકનના ભત્રીજા લેસીના પ્રેમમાં પડે છે તેની વાત છે. ઉમરાવ કુટુંબનો નબીરો લેસી ડચ મોચી હોવાનો ઢોંગ કરે છે. બીજામાં એનોક આર્ડનની વાર્તા રાલ્ફ નામના મોચીની કહાણી છે. રાલ્ફ ફ્રેન્ચ લશ્કરમાં જોડાયેલો અને તે લડાઈમાં મૃત્યુ પામ્યો છે તેવી અફવા છે. ત્રીજી કથામાં સાઇમન આયર પોતે સામાન્ય કક્ષાનો મોચી હોવા છતાં લંડનનો લૉર્ડ મેયર બન્યો છે તેવી વાત ઘેર ઘેર જાણીતી થઈ છે.
નાટકમાં આજે પણ રસ પડે છે તેના કારણમાં ઉષ્મા અને ઋજુતાથી ભર્યુંભર્યું હૃદય ધરાવતા સાઇમન આયર છે. તે સ્વભાવે અત્યંત લહેરી છે. તેમના તરંગી વર્તનની વિલક્ષણતામાંથી ખડખડાટ હાસ્ય નિપજાવતા પ્રસંગો બને છે. સાયમન આયરનું પાત્ર નાટકના ઇતિહાસમાં ચિરંજીવ બન્યું છે. આ પાત્ર દ્વારા ડેક્કરે એલિઝાબેથના સમયના એક શ્રમજીવી વર્ગની રીતભાતનું સહાનુભૂતિને પાત્ર એવું મજબૂત અને સ્વતંત્ર સ્વભાવનું ચિત્રણ કર્યું છે. મેયર પિતાને પોતાની પુત્રી રોઝનું લગ્ન રોલૅન્ડ લેસી સાથે થાય તે મંજૂર નથી; તેથી લેસીને તેને ફ્રાન્સના લશ્કરમાં કંપની કમાન્ડર તરીકે મોકલી આપે છે. આ લેસી પોતાની જગ્યાએ તેના મિત્રને ગોઠવી, ડચ મોચી તરીકે વેશપલટો કરી સાઇમનની સેવામાં જોડાઈ જાય છે. લેસી મેયર સાઇમનના પરિવારનાં જોડાં બનાવી દેવાનું કામ કરે છે. આમ કરતાં તે મેયરની પુત્રી સાથે છાનોમાનો પ્રેમ કરે છે. ચાલાકી કરીને તે મેયરની પુત્રી રોઝ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જાય છે. મેયર પિતાની કોઈ તરકીબ કામયાબ થતી નથી. જોકે આખરે રાજા લેસીને માફી બક્ષે છે.
વિ. પ્ર. ત્રિવેદી