શુમેન રૉબર્ટ (. 29 જૂન 1886, લક્ઝમબર્ગ; . 4 સપ્ટેમ્બર 1963, મેટ્ઝ, ફ્રાન્સ) : ફ્રેંચ રાજનીતિજ્ઞ, યુરોપિયન કૉલ ઍન્ડ સ્ટીલ કંપનીના સ્થાપક અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ યુરોપના સ્વપ્નશિલ્પી. તેઓ જર્મન અને ફ્રેંચ ભાષા તથા સંસ્કૃતિ વચ્ચે ઊછર્યા હતા. બોન, મ્યુનિક, બર્લિન અને સ્ટ્રેસબર્ગમાં તેમણે 1904થી 1910 દરમિયાન અભ્યાસ કર્યો અને સ્નાતક થયા. 1912માં તેમણે મેટ્ઝમાં પોતાની લૉ-ઑફિસ ખોલી હતી.

રૉબર્ટ શુમેન

1913માં તેઓ જાહેર જીવનમાં પડ્યા અને રાજનીતિજ્ઞ તરીકે ઊપસી આવ્યા. જર્મન કૅથલિક દૈનિક સાથે મેટ્ઝ ખાતે સંકળાયા. 1914માં જર્મન લશ્કરમાં જોડાયા. 1918માં ફ્રાન્સનું નાગરિકત્વ મેળવ્યું. 1919માં ‘યુનિયન રિપબ્લિક લોરેન’માં પ્રવેશ, અને મોઝેલના પ્રતિનિધિત્વ વિભાગમાં કામ કર્યું.

1919થી ફ્રેંચ નૅશનલ એસેમ્બલીના સભ્ય. 1940માં જર્મન ગેસ્ટાપોએ તેમની ધરપકડ કરેલી, જેમાંથી તેઓ 1942માં નાસી છૂટ્યા અને ફ્રાંસને માટે કામ કર્યું. રોમન કૅથલિક મૂવમેન્ટ રિપબ્લિકન પૉપ્યુલેરના સ્થાપક. વિવિધ તબક્કે નાણામંત્રી તરીકે કામગીરી બજાવેલી. પછીના ગાળામાં વિદેશમંત્રી અને ન્યાયમંત્રી તરીકે પણ ફરજો બજાવેલી. 1950માં વિદેશમંત્રી તરીકે ‘શુમેન-પ્લાન’ રજૂ કરેલો. શુમેન-પ્લાનનો ઉદ્દેશ બંને દેશો  ફ્રાંસ અને જર્મની વચ્ચે યુદ્ધ અટકાવી યુરોપની આર્થિક-લશ્કરી સહાયને બઢતી આપવાનો હતો. આ યોજનાએ 1952માં યુરોપિયન કોલ ઍન્ડ સ્ટીલ કંપની તરીકે નક્કર આકાર ધારણ કર્યો હતો; જે દ્વારા યુરોપિયન ઇકૉનૉમિક કમ્યૂનિટીનો પ્રારંભ થયેલો ગણી શકાય.

ધાર્મિક અને ભાષાકીય બાબતોમાં સ્વત્વના હિમાયતી શુમેને જીવનપર્યંત નૅશનલ એસેમ્બલીમાં સેવાઓ આપી હતી.

હરબન્સ પટેલ