શુમાકર, માઇકલ (જ. 3 જાન્યુઆરી 1969, હર્થ હર્મેલ્દિરા, જર્મની) : ફાર્મુલા વન કાર-રેસના બેતાજ બાદશાહ. તારીખ 10 સપ્ટેમ્બર 2006ના રોજ ઇટાલિયન ગ્રાન્ડ પ્રિક્સમાં વિજય મેળવ્યા પછી તેમણે ઇટાલીના મોન્ઝા ખાતે 2006ની ચાલુ સિઝન બાદ સ્વૈચ્છિક નિવૃત્તિની જાહેરાત કરતાં દંતકથારૂપ બની ગયેલા આ જર્મન કાર-રેસરની કારકિર્દીનો ઑક્ટોબર 2006થી અંત આવ્યો છે. ફેરારી ટીમ વતી વિશ્વસ્તરની કાર-સ્પર્ધામાં ભાગ લેનાર આ સ્પર્ધકે 1991માં બેલ્જિયમ ખાતે યોજાયેલ ગ્રાન્ડ પ્રિક્સ કાર-હરીફાઈમાં જૉર્ડન-ફોર્ડ વતી સૌપ્રથમ વાર અવેજી સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો અને 500 મીટરનું અંતર કાપવાની સાથે જ સ્પર્ધાના આયોજકોને અને આ રમતના રસિયાઓને તેની સુપ્તશક્તિનો ખ્યાલ આવી ગયેલો. તેમણે ઇટાલીમાં આયોજિત તેની બીજી સ્પર્ધામાં પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1992માં મૅક્સિકો ખાતેની સ્પર્ધામાં તે પહેલી વાર વિજયમંચ પર આરૂઢ થયા હતા. ત્યારબાદ 1992ના અંતમાં બેલ્જિયમ ખાતે આયોજિત સ્પર્ધામાં વિજય હાંસલ કર્યો હતો અને એ રીતે તેમની કારકિર્દીની વિજય-શૃંખલાનો ત્યારથી શુભારંભ થયો હતો. 1996માં ફેરારી કંપનીએ તેમને કરારબદ્ધ કર્યા હતા. તે સમયે ઉપર્યુક્ત કંપનીની હાલત ખૂબ જ ખરાબ હતી, છતાં તેને પ્રતિષ્ઠા બક્ષવામાં શુમાકરે પોતાના સમગ્ર કૌશલ્યનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન 247 વાર ગ્રાન્ડ પ્રિક્સમાં ભાગ લીધો હતો; જેમાંથી 90 વખત વિજય હાંસલ કર્યો હતો, 153 વખત પોડિયમ ફિનિશ હાંસલ કરવામાં સફળતા મેળવી હતી અને 68 વખત પોલિ-પોઝિશન હાંસલ કરી હતી. કારચાલક તરીકે તેમણે સાત વાર (1994, 1995, 2000, 2001, 2002, 2003 અને 2004) વિશ્વ ચૅમ્પિયનશિપ મેળવી હતી જે એક અસાધારણ સિદ્ધિ ગણાય. તેમણે એક જ ટીમ માટે 71 વખત સર્વાધિક વિજય પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કારકિર્દી દરમિયાન તેણે 1354 પોઇન્ટ્સ હાંસલ કર્યા હતા. કોઈ એક જ કારરેલી સિઝનમાં તેમણે 13 વખત વિજય મેળવ્યો હતો. કાર-સ્પર્ધાના ક્ષેત્રમાં જેટલાં સીમાચિહનો પ્રાપ્ત કરવાં શક્ય હોય છે તે બધાં જ સીમાચિહનો તેમના નામ સાથે જોડાઈ ગયાં છે. એટલા માટે જ તેની ગણના ફાર્મુલા વનના ઇતિહાસમાં સર્વકાલીન મહાન ચાલકોમાં થાય છે.

માઇકલ શુમાકર

માઇકલ શુમાકરે કાર્ટ-રેસિંગની શરૂઆત, પોતે માત્ર સાડાચાર વર્ષના હતા ત્યારથી કરી હતી. તે પોતાના પિતાએ બનાવેલ કાર્ટ કારનો જ ઉપયોગ કરતા. અગિયાર વર્ષની વયે તેમને કાર ચલાવવા માટેનું લાઇસન્સ મળી ગયું હતું. 1984–87ના ત્રણ વર્ષના ગાળામાં શુમાકરે અનેક જર્મન અને કાર્ટ-સ્પર્ધાઓમાં પ્રથમ ક્રમ અને ચૅમ્પિયનશિપ મેળવ્યાં હતાં. 1988માં તેમણે બે વર્ષ માટે જર્મન ફાર્મુલા 3 રેસમાં ભાગ લીધો હતો. સાથોસાથ તેમણે જર્મન ટૂરિંગ કાર-ચૅમ્પિયનશિપની સ્પર્ધામાં ભાગ લેવાની શરૂઆત કરી હતી.

વર્ષ 2004માં એશિયાખંડના કેટલાક વિસ્તારોમાં સુનામીએ સર્વનાશ નોતર્યો હતો ત્યારે માઇકલ શુમાકરે તે માટેના રાહતભંડોળમાં એક કરોડ અમેરિકન ડૉલર્સ જેટલી રકમ આપી હતી, જે એક વિક્રમી સહાય ગણાય.

નિવૃત્તિ પછી તેઓ પોતાની પત્ની કોરિન્ના અને બે સંતાનો સાથે સ્વિટ્ઝર્લૅન્ડમાં રહે છે; જ્યાં કાર-રેસિંગ પ્રતિબંધિત રમત છે.

કાર-રેસિંગ ગ્રાન્ડ પ્રિક્સ સ્પર્ધાની વર્તમાન (2006) ઋતુમાં જે ત્રણ સ્પર્ધાઓ બાકી છે તેમાં ઑક્ટોબર 1, 2006ના રોજ ચીનમાં, ઑક્ટોબર તારીખ 8, 2006ના રોજ જાપાનમાં અને 22 ઑક્ટોબર 2006ના રોજ બ્રાઝિલમાં. આ ત્રણેયમાં ભાગ લીધા પછી જ તે નિવૃત્ત થયા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે