શુમાન, એલિઝાબેથ (Schumann Elisabeth) (. 13 જૂન 1885, જર્મની; . 23 એપ્રિલ 1952, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : વૉલ્ફગૅન્ગ મોત્સાર્ટ અને રિચાર્ડ સ્ટ્રૉસની કૃતિઓ ગાવા માટે વિશ્વવિખ્યાત બનેલી સોપ્રાનો ગાયિકા.

એલિસાબેથ શુમાન

હેમ્બર્ગ ઑપેરા ખાતે 1910માં એલિસાબેથે સોપ્રાનો ગાયિકા તરીકેની કારકિર્દી શરૂ કરી. 1914માં ન્યૂયૉર્ક નગરના મેટ્રોપોલિટન ઑપેરા હાઉસમાં સ્ટ્રૉસના ઑપેરા ડી રોસેન્કાવેલિયર(Die Rosenkavalier)માં તેમણે ગાયું. તે પછી તેમને આંતરરાષ્ટ્રીય નામના મળી. 1919થી 1921 સુધી વિયેના ખાતે વિયેના ઑપેરા હાઉસમાં ગાયું. ત્યારબાદ તેમણે રિચાર્ડ સ્ટ્રૉસ સાથે અમેરિકાનો પ્રવાસ કર્યો. 1938માં તે અમેરિકામાં સ્થિર થયાં. તેમણે ફિલાડેલ્ફિયાની કુર્ટિસ ઇન્સ્ટિટ્યૂટમાં ગાયન ભણાવવું શરૂ કર્યું. 1944માં અમેરિકાની નાગરિકતા સ્વીકારીને તેમણે કન્ડક્ટર કાર્લ એલ્વિન સાથે લગ્ન કર્યું હતું.

અમિતાભ મડિયા