શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)]
January, 2006
શુબર્ટ, ફ્રાન્ઝ (પીટર) [Schubert, Franz (Peter)] (જ. 31 જાન્યુઆરી 1797, હીમેલ્ફૉર્ટર ગ્રૂન્ડ, ઑસ્ટ્રિયા; અ. 19 નવેમ્બર 1828, વિયેના, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીતકાર અને સ્વરનિયોજક. અત્યંત ઋજુ સૂરાવલિઓ માટે એ જાણીતો છે.
શુબર્ટના પિતા ફ્રાન્ઝ થિયોડૉર શુબર્ટ શાલેય શિક્ષક હતા અને માતા એલિઝાબેથ લગ્નસમયે ઘરગથ્થુ નોકરાણી હતાં. આ યુગલનાં પાંચ સંતાનોમાં શુબર્ટ ચોથું સંતાન હતાં. એમને ત્રણ મોટા ભાઈ તથા એક નાની બહેન હતાં. પિતા ફ્રાન્ઝ થિયોડૉરે શાળા સ્થાપેલી, જેની નામના થયેલી. સમગ્ર શુબર્ટ પરિવાર સંગીતને વરેલો હતો. ઘરગથ્થુ ક્વાર્ટેટમાં બાળક ફ્રાન્ઝ શુબર્ટ વાયોલા વગાડતા. પિતા તેમજ મોટા ભાઈ ઇગ્નેઝ પાસેથી તેમને સાંગીતિક શિક્ષણ મળ્યું અને તેમનો સાંગીતિક પાયો પાકો થયો. સ્થાનિક ગ્રામીણ ચર્ચના ઑર્ગનવાદક પાસે તેમણે ઑર્ગનવાદન અને સંગીતના સિદ્ધાંતોનું શિક્ષણ મેળવ્યું. 1808માં તેમને વિયેનાના રાજદરબારના ચૅપલ કોયરમાં ગાયક તરીકે પ્રવેશ મળી ગયો તથા વધારામાં વિયેનાની સ્ટેટ્કૉન્વિક્ટ નામની રેસિડેન્શિયલ શાળામાં વિદ્યાર્થી તરીકે હાઈસ્કૂલના સ્તરે પ્રવેશ પણ મળી ગયો.
આ શાળામાં તેમને બે સુપ્રસિદ્ધ સંગીતકારો પાસેથી સંગીત શીખવા મળ્યું : રાજદરબારી ઑર્ગેનિસ્ટ વેન્ઝેલ રુઝિકા અને ઇટાલિયન ઑપેરાસર્જક ઍન્તોનિયો સાલિયેરી. શાલેય ઑર્કેસ્ટ્રામાં શુબર્ટનું વાયોલિનવાદન ઝળકી ઊઠ્યું. પરિણામે એ ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકેની (કન્ડક્ટિન્ગ) જવાબદારી રુઝિકાએ શુબર્ટના શિરે મૂકી. વળી આ જ સમય દરમિયાન તેમણે કોયરમાં ગાવાનું તથા ચૅમ્બર (નાનકડા) ઑર્કેસ્ટ્રામાં પિયાનોવાદન પણ ચાલુ રાખ્યું.
બાળપણથી જ શુબર્ટની પ્રકૃતિ અત્યંત શરમાળ હતી. એ પોતાની મૌલિક રચનાઓ કોઈને પણ બતાવતા નહિ. એમની આરંભિક કૃતિઓમાં ત્રણ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ, બે ગીત, બે પિયાનો માટેનો ફેન્ટાસિયા તથા ઑગુસ્ત ફોન કોટ્ઝેબ્યુ(Kotzebue)ના સંવાદો ઉપરથી ‘ધ લૂકિંગ-ગ્લાસ નાઇટ’ નામના ઑપેરાનો સમાવેશ થાય છે. મિત્રોનાં પ્રોત્સાહન અને ધગશના પરિણામે આ કૃતિઓ સાલિયેરી સમક્ષ રજૂ કરવામાં આવેલી. સાલિયેરી ખુશ થયો. 1812માં શુબર્ટનો અવાજ ફાટતાં ગાયન અશક્ય થઈ ગયું. એમનું મૅટ્રિક્યુલેશન પણ પૂરું થયું. સાલિયેરી પાસે વધુ ત્રણ વરસ સુધી તાલીમ લઈ એ વિયેનાની ટીચર્સ ટ્રેનિંગ કૉલેજમાં વિદ્યાર્થી તરીકે દાખલ થયા. એ અભ્યાસ પૂરો કરીને 1814માં શુબર્ટ પોતાના પિતાની શાળામાં શિક્ષક તરીકે જોડાઈ ગયા. અહીં એ 1818 સુધી ચાલુ રહ્યા. એમની ઓછી ઊંચાઈને કારણે એમને લશ્કરી ભરતીમાં ગેરલાયક ઠરાવવામાં આવ્યા.
શાલેય શિક્ષકની નોકરીનાં પાંચ વરસ દરમિયાન શુબર્ટની સર્જનાત્મકતા ખીલી ઊઠી. આ દરમિયાનની એમની રચનાઓમાં પાંચ સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ, ત્રણ લાંબા માસ, ત્રણ સિમ્ફની અને એક ઑપેરા ‘ધ ડેવિલ્સ પેલેસ ઑવ્ ડિઝાયર’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગીતોમાં તેમની સર્જનાત્મકતાનો શ્રેષ્ઠ ઉન્મેષ જોવા મળે છે. આ તબક્કાનાં તેમનાં ત્રીસ ગીતોમાંથી ગેટેના કાવ્ય ‘Gretchen at the spinning wheel’નું સ્વરાંકન શ્રેષ્ઠ ગણાયું છે.
1816માં યુગોસ્લાવિયાના જુબ્લિયા(Ljubljana)ના ખાતેની કૉલેજમાં સંગીત નિયામકના પદ માટે શુબર્ટે અરજી કરી; જે નકારી કાઢવામાં આવી. એ જ વર્ષે શુબર્ટના મિત્રોએ શુબર્ટે કરેલા ગેટેનાં સોળ ગીતોના સ્વરાંકન વીમાર ખાતે ગેટેને મોકલી આપ્યાં. ગેટેને એ સ્વરાંકન વાંચવાની ફુરસદ નહોતી, એણે સ્વીકૃતિની પહોંચ પણ મોકલી નહિ.
1817માં બેરિટોન ગાયક મિકાયેલ વૉગ્લે વિયેનામાં સંગીતના જાહેર જલસાઓ અને ખાનગી મહેફિલોમાં શુબર્ટે સ્વરાંકન કરેલાં ગીતો ગાવા માંડ્યાં. વિયેનાના નાગરિકોને આ ગીતો ખૂબ ગમ્યાં. 1817માં શુબર્ટે બે સિમ્ફનીઓ લખી : સિમ્ફની નં. 4 ‘ધ ટ્રૅજિક ઇન સી માઇનોર’ તથા સિમ્ફની નં. 5 ‘ઇન બી ફ્લૅટ મેજર’. આ ઉપરાંત એ વર્ષે તેમણે એક માસ ઇન સી મેજર, છ પિયાનો સૉનાટા લખ્યાં, તથા ઘણાં ગીતોનું સ્વરાંકન કર્યું. આ ગીતોમાં ગેટેની નવલકથા ‘વિલ્હેમ માઇસ્ટર’(Wilhelm Meister)માંથી ‘હાર્પર્સ સૉન્ગ્ઝ’ તથા ગીતો ‘ગેનીમિડ’ અને ‘ધ વન્ડરર’ ઉત્તમ ગણાયાં છે.
1818માં શુબર્ટે શાલેય શિક્ષકની નોકરી છોડી દીધી. એ વર્ષે એમણે બે જ કૃતિઓ લખી; પણ એ બંને મોટા ફલકની છે : સિમ્ફની નં. 6 ‘ઇન સી મેજર’ અને ‘ઇટાલિયન ઑવર્ચર ઇન સી મેજર’. હવે શુબર્ટ ધીમે ધીમે વિયેનામાં જાણીતા થવા માંડેલા. પહેલી જ વાર એમની એક ઑર્કેસ્ટ્રલ કૃતિનું વિયેનામાં જાહેર જનતા માટે વાદન થયું. એ કૃતિ હતી ‘ઇટાલિયન ઑવર્ચર’. હંગેરીના જમીનદાર કાઉન્ટ એસ્ટર્હેર્ઝીની બે પુત્રીઓના સંગીતશિક્ષક બનવાનું સ્વીકારી તેઓ એ જ વર્ષે જૂનમાં હંગેરીમાં ઝેલિઝ (Zseliz) ખાતે આવી પહોંચ્યા. અહીં એમણે પ્રસન્ન મિજાજને તાદૃશ કરતી કૃતિઓ લખી : ‘વેરિયેશન્સ ઑન એ ફ્રેંચ સૉંગ ઇન ઇ માઇનોર’, ‘સોનાટા ઇન બી ફ્લૅટ મેજર’ અને ‘જર્મન રેક્વિયમ’.
વિયેના પાછા ફરીને શુબર્ટે ઉત્તર ઑસ્ટ્રિયાના ગ્રામીણ પ્રદેશોનો પ્રવાસ કર્યો. 1819ની એમની શ્રેષ્ઠ કૃતિઓમાં ‘પિયાનો સોનાટા ઇન એ મેજર’ (D 664), ‘ટ્રાઉટ ક્વિન્ટેટ ફૉર પિયાનો ઍન્ડ સ્ટિન્ગ્ઝ’, તથા ઑપેરેટા ‘ધ ટ્વિન બ્રધર્સ’નો સમાવેશ થાય છે.
1820માં તેમના ઑપેરેટા ‘ધ ટ્વિન બ્રધર્સ’નું પહેલી વાર વિયેનામાં મંચન થયું; પણ એમને મળેલી આરંભિક સફળતા ટકી નહિ. આ વર્ષે શુબર્ટને એક યુવાન અને ધનાઢ્ય ચાહક, પ્રશંસક અને આશ્રયદાતા મળ્યા. એ હતા વિયેનાનિવાસી લિયૉપૉલ્ડ સોન્લિથ્નર. આ વરસની એમની શ્રેષ્ઠ કૃતિઓમાં આ સમાવેશ પામે છે : ગેટેના ‘સૉન્ગ ઑવ્ સ્પિરિટ્સ ઓવર ધ વૉટર’નું આઠ પુરુષોના એકલ અવાજો (solo) અને વૃંદગાન અને બાસ સ્ટ્રિન્ગ માટે સ્વરાંકન (D 714) તથા ‘ડી ઝુબેહાર્પ’ (‘ધ મૅજિક હાર્પ’) નાટક માટે લખેલું ‘રોસામુન્ડે ઑવર્ચર ફૉર ઑર્કેસ્ટ્રા’.
પોતાના સંગીતને પ્રકાશિત કરવાના શુબર્ટના સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. 1821માં ગ્રાહકો પાસેથી આગોતરા પૈસા લઈને શુબર્ટના કેટલાક મિત્રોએ શુબર્ટનાં કેટલાંક ગીતોનાં સ્વરાંકનો છપાવ્યાં; જેમાં ગેટેના જાણીતા ગીત ‘અકર્લીન્ગ’નું સ્વરાંકન પણ સામેલ હતું.
હવે શુબર્ટ વિયેનાની જનતામાં લાડકા થઈ ગયા. માત્ર શુબર્ટના સ્વરાંકન કરેલાં ગીતોના ગાનના અને ચૅમ્બર (નાના) ઑર્કેસ્ટ્રાની કૃતિઓના જલસા વિયેનામાં ગોઠવાવા માંડ્યા. આ જલસા ‘શુબર્ટિયા-ટેન’ (Schubertiaden) નામે ઓળખાતા. વિયેનાના શ્રીમંતોના અને સરકારી અધિકારીઓના ઘર કે ફાર્મહાઉસની ખુલ્લી વિશાળ લૉન ઉપર તે યોજાતા; પરંતુ ઑપેરા અને ઑર્કેસ્ટ્રાના જલસાગૃહો હજુ સુધી શુબર્ટની કૃતિઓને અડવાનું નામ સુધ્ધાં લેતાં નહોતાં. 1821માં એમણે સાતમી સિમ્ફની લખવી શરૂ કરી ખરી, પણ એ તેને તત્કાળ પૂરી કરી શક્યા નહિ. પણ એ જ વર્ષે એમણે એક ઑપેરા ‘અલ્ફોન્સો ઉન્ડ ઍસ્ટ્રેલા’ લખ્યો. 1822માં એમણે આઠમી સિમ્ફની (ઇન બી માઇનોર) લખવી શરૂ કરી, જે તે મૃત્યુપર્યંત પૂરી કરી શક્યા નહિ અને એ કૃતિએ મરણોત્તર અપૂર્વ લોકચાહના મેળવી. એ વર્ષે એમણે બીજી પણ બે ઉત્તમ કૃતિઓ લખી : ‘પિયાનો ફેન્ટાસિયા ઑન ધ થીમ ફ્રૉમ ધ સૉન્ગ ધ વન્ડરર’ તથા ‘માસ ઇન એ ફ્લૅટ મેજર.’ એ જ વર્ષે તેમને સિફિલિસ રોગ લાગુ પડ્યો.
1823માં શુબર્ટે પિયાનો સોનાટા ઇન એ માઇનોર તથા ગીતમાળા ‘ધ મિલર્સ બ્યૂટિફૂલ ડૉટર’નું સ્વરાંકન, એકાંકી ઑપેરા ‘ધ કૉન્સ્પિરેટર્સ’ લખ્યા. સિફિલિસની સારવારને કારણે આ વર્ષે એમણે ઘણા મહિના હૉસ્પિટલમાં રહેવું પડ્યું. હૉસ્પિટલની પથારી પર લંબાયેલી હાલતમાં તેમણે ઑપેરા ‘ફીરાબ્રાસ’ (Fierrabras) લખ્યો. વિયેના ઑપેરા હાઉસે આ ઑપેરાનું મંચન કરવાની ના પાડી.
1824માં શુબર્ટ તદ્દન હતાશ અને નિરાશ થઈ ગયા. એમની આર્થિક હાલત સાવ કંગાળ હતી. ઝેલિઝ પહોંચીને એમણે ફરીથી એસ્ટર્હેર્ઝી પરિવારના સંગીત-શિક્ષકની નોકરી સ્વીકારી અને પોતાની નાણાકીય મુશ્કેલીનો તોડ કાઢ્યો. આ વરસની એમની શ્રેષ્ઠ કૃતિઓ છે : ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ ઇન એ માઇનોર’, ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ ઇન ડી માઇનોર’, ‘ઑક્ટેટ ઇન એફ મેજર ફૉર સ્ટ્રિન્ગ ઍન્ડ વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ’, ‘સોનાટા ઇન સી મેજર ફૉર ટુ પિયાનોઝ’ તથા ‘હંગેરિયન ડાયવર્ટિસ્મેન્ટ (Divertissement)’.
હજી સુધી શુબર્ટના ઑપેરા અને સિમ્ફનીઓમાંથી એક પણ કૃતિનું ગાયન-વાદન થયું નહોતું; પણ તેમનાં ગીતોના સ્વરાંકન છપાવા માંડેલાં, તેથી તે નાણાં રળવા માંડેલા. વળી તેમનાં ગીતોને કારણે તેમને જર્મનભાષી પ્રદેશોમાં ખાસ્સાં માનપાન અને નામના મળવા માંડ્યાં. 1825માં મિત્ર વૉગલ સાથે લિન્ઝની યાત્રાએ ગયા. આ સમયે તેમણે ‘લેડી ઑવ્ ધ લેઇક’ ગીતમાળાને સ્વરબદ્ધ કરી. તેમાંથી ગીત ‘આવે મારિયા’ અત્યંત લોકપ્રિય થયું. આ ઉપરાંત આ સમયે તેમણે ‘પિયાનો સોનાટા ઇન એ માઇનોર’ અને ‘પિયાનો સોનાટા ઇન ડી મેજર’ લખ્યાં તથા એક નવી સિમ્ફની ‘ધ ગ્રેટ ઇન સી મેજર’ લખવી શરૂ કરી.
ઑસ્ટ્રિયન રાજદરબારના સંગીત-નિયામકના પદેથી સાલિયેરીએ રાજીનામું આપ્યું, પણ એ પદે એમનો ઉપનિયામક જોસેફ એઇબ્લેર (Eybler) નિમાયો. ખાલી પડેલા ઉપનિયામકના પદ માટે શુબર્ટે અરજી કરેલી અને વધારામાં એમને ઘણા દરબારીઓનો ટેકો હોવા છતાં નિષ્ફળતા જ સાંપડી. હવે પછી દુન્યવી સફળતા માટે કોઈ જ પ્રયત્નો કર્યા નહિ; ક્યાંય એમણે કોઈ પદ માટે અરજી કરી નહિ અને કોઈ પણ ઑપેરા હાઉસ કે ઑર્કેસ્ટ્રામાં પોતાના ઑપેરા અને સિમ્ફનીના ગાયનવાદન માટે એમણે આજીજી કરી નહિ. શુબર્ટ પોતાની વિરલ સાંગીતિક પ્રતિભાથી પૂરા વાકેફ હતા જ; પણ હવે એ આ દુનિયાથી થાક્યા હતા. તેમના ગરીબ-કંગાળ બાળપણ અને ઉછેરને કારણે તેમનામાં આવેલ અમુક લહેકા-લઢણો ખાનદાની શ્રીમંતોને પસંદ નહોતાં પડતાં. હવે તે વધુ એકલવાયા થતા ગયા. લોકો સાથે હળતાં-મળતાં તે અચકાતા. પ્રકાશકોએ ચૂકવેલ રૉયલ્ટી અને ક્વચિત્ આવેલ સંગીતટ્યૂશનની ફી ઉપર એ પોતાનો નિભાવ કરતા.
શુબર્ટના જીવનનાં અંતિમ બે વર્ષોમાં સર્જાયેલી કૃતિઓમાં શ્રેષ્ઠ છે : (1) શેક્સપિયરનાં ગીતો ‘હાર્ક ! હાર્ક ! ધ લાર્ક !’ અને ‘હુ ઇઝ સિલ્વિયા ?’નું સ્વરાંકન, (2) ‘સ્ટ્રિન્ગ ક્વાર્ટેટ ઇન જી મેજર’, (3) ‘પિયાનો સૉનાટા ઇન જી મેજર’, (4) ‘પિયાનો ટ્રાયો ઇન બી ફ્લૅટ મેજર’, (5) બાર ગીતોની શ્રેણી ‘વિન્ટર જર્ની’નું સ્વરાંકન, (6) ‘પિયાનો ટ્રાયો ઇન ઇ ફ્લૅટ મેજર’, (7) ‘પિયાનો સૉનાટા ઇન સી મેજર’, (8) ‘ફૅન્ટસી ઇન એફ મેજર’, (9) ‘કેન્ટાટા મરિયમ્સ વિક્ટરી સૉન્ગ’, (10) ‘માસ ઇન ઇ ફ્લૅટ મેજર’, (11) ‘સ્ટ્રિન્ગ ક્વિન્ટેટ ઇન સી મેજર’ અને (12) ગીતમાળા ‘ધ સ્વાન સૉન્ગ’.
1828ના માર્ચની છવ્વીસમીએ શુબર્ટે પ્રથમ વાર સંગીતનો જાહેર જલસો કર્યો. કલાકીય અને નાણાકીય બંને પ્રકારની સફળતા એ જલસાને સાંપડી. એ આવકના પ્રતાપે શુબર્ટ આખરે એક પિયાનો ખરીદી શક્યા ખરા. (એમની અંગત માલિકીનો એ એકમાત્ર પિયાનો હતો) ટાઇફૉઇડના કારણે એમનું મૃત્યુ થયું. એમની ઉંમર માત્ર એકત્રીસ વરસની હતી. પરંતુ એમની બળૂકી રચનાઓને કારણે એમને યુરોપિયન સંગીતના શ્રેષ્ઠ સર્જકો મોત્સાર્ટ, બાખ, બીથોવન, શુમાન, શોપાં અને વાગ્નરની હરોળમાં સ્થાન મળ્યું છે.
અમિતાભ મડિયા