શુક્લ, રામચંદ્ર દામોદર (. 8 જુલાઈ 1905, શહેરા, જિ. પંચમહાલ; . 16 મે 2000, અમદાવાદ) : જાણીતા સાહિત્યકાર. તેમણે ‘સ્વિટ્ઝરલૅન્ડની સ્વતંત્રતા’ (1924), ‘નવલિકા-સંગ્રહ’ (નવલિકાનો વિકાસના અગ્રલેખ સાથે, 1928), ‘નવલિકા-સંગ્રહ-2’ પુસ્તક બીજું (નવલિકાનાં તત્વો પરના અગ્રલેખ સાથે, 1932), ‘ગુજરાતી સાહિત્ય : એનું મનન અને વિવેચન’ (1936), પશ્ચિમની કલાકૃતિઓ – ફ્રેન્ચ, રશિયન, ઇડ્ડિશ નવલિકાઓ અને ગાલ્સવર્ધીના ‘મૉબ’ નાટકનું ‘હુમલાખોર’ નામે ભાષાન્તર (1936), ‘Gandhiji as I saw him’ (1973), ‘નવલિકાનાં 50 વર્ષ’ (સન 1929થી 1978ના 48 નવલિકાકારો વિશે વિવેચન, 1982), ‘સ્વાતંત્ર્યસંગ્રામમાં પંચમહાલ’ (1986), ‘આધુનિક નવલકથાસર્જકો  ખંડ 1’ (1996) અને ‘આધુનિક નવલકથા સર્જકો  ખંડ 2’ (1998) જેવાં 10 જેટલાં પુસ્તકો રચ્યાં છે. તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર ગુજરાતી સાહિત્યના વિવેચનનું હતું. તેમનાં અપ્રસિદ્ધ પુસ્તકોમાં સંસ્કૃત સાહિત્યના સર્જકો (વાલ્મીકિથી જગન્નાથ) તથા અર્ધશતકના ગુજરાતી નવલકથાકારો (1935થી 1984)  ભાગ 1 વગેરેનો સમાવેશ થાય છે. સન 1924માં ‘સાહિત્ય’ નામના સામયિકમાં કનૈયાલાલ મુનશીની ‘પાટણની પ્રભુતા’માં ઍલેક્ઝાન્ડર ડૂમાની અસર અંગેના તેમના લેખે તેમને ઘણી પ્રસિદ્ધિ અપાવી હતી.

રામચંદ્ર દામોદર શુક્લ

તેઓ સૂરજબહેન અને દામોદર શુક્લનું સૌથી છેલ્લું આઠમું સંતાન હતા. તેમના એક મોટાભાઈ નંદુભાઈ શુક્લ કેળવણીકાર તરીકે જાણીતા હતા. તેઓ 28મી નવેમ્બર, 1924ના રોજ લલિતાબહેન સાથે પરણ્યા અને તેનાથી તેમને 3 પુત્રો છે. રામચંદ્રભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા (1925) અને સન 1931માં તેમણે અંગ્રેજી અને ગુજરાતી વિષયો સાથે અનુસ્નાતકની પદવી મેળવી. સન 1926થી 1931 સુધી તેઓ અમદાવાદની જે. એલ. હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા અને તે દરમિયાન લૉની પદવી અને વકીલાત માટેની સનદ મેળવી (1930). સન 1931માં અમદાવાદમાં વકીલાતનો આરંભ કર્યો અને સન 1932થી તેઓ દાહોદ ખાતે જઈને વસ્યા અને ત્યાં તેમણે પંચમહાલ જિલ્લા માટે મુંબઈ હાઈકોર્ટની સનદ મેળવી. વકીલાત તેમની જીવનપર્યંતની આજીવિકા બની રહી. સન 1962થી તેમણે ગુજરાત હાઈકોર્ટની સનદ મેળવી. તેઓ દાહોદ વકીલમંડળના મંત્રી (1940-65) અને પ્રમુખપદે (1965-1985) રહી ચૂક્યા હતા. સન 1982માં તે મંડળે તેમની વકીલાતની સુવર્ણજયંતી પણ ઊજવી હતી. સન 1940-41માં તેઓ અમદાવાદની એલ. એ. શાહ લૉ કૉલેજમાં ખંડકાલીન પ્રાધ્યાપક રહ્યા હતા.

તેમણે સારા એવા પ્રમાણમાં જાહેરસેવાના ક્ષેત્રે પ્રદાન કર્યું હતું. સન 1939થી 1942 સુધી અને સન 1946થી 1957 સુધી તેઓ પંચમહાલ જિલ્લા સ્કૂલ બોર્ડના વાઇસ ચૅરમૅન અને સન 1958થી 1963 સુધી ચૂંટાયેલા ચૅરમૅન તરીકે રહ્યા હતા. સન 1942-43માં તેઓ ભીલ સેવા મંડળની સંચાલક સમિતિના સભ્યપદે રહ્યા હતા. સન 1950થી 1955 સુધી તેઓ ગુજરાત યુનિવર્સિટીના સેનેટના સભ્ય રહ્યા હતા. જ્યારે તેમણે ઠરાવ મુકાવીને ઍક્સટર્નલ બી.એ.ની ઉપાધિ દાખલ કરાવી હતી. સન 1949થી 1955 તેઓ દાહોદ-ઝાલોદ સહકારી બૅન્કિંગ યુનિયનના મૅનેજિંગ ડિરેક્ટર હતા અને સન 1955થી 1966 તેઓ પંચમહાલ જિલ્લા સહકારી બૅન્ક્ધાા ડિરેક્ટર બન્યા હતા. સન 1952થી 1962 સુધી તેઓ પંચમહાલ જિલ્લા વિકાસ બોર્ડના સભ્ય હતા. સન 1947થી 1950માં તેઓ દાહોદ રિક્રિયેશન ક્લબના પ્રમુખ હતા. તેમને સન 1994માં ‘નિષ્ઠા ઍવૉર્ડ’થી સન્માનવામાં આવ્યા હતા.

પ્રિયદર્શન રા. શુક્લ

શિલીન નં. શુક્લ