શુક્લ, રામચંદ્ર
January, 2006
શુક્લ, રામચંદ્ર (જ. 1884; અ. 1941) : હિન્દીના સુપ્રસિદ્ધ સાહિત્ય-ઇતિહાસલેખક. નિબંધકાર અને વિવેચક. એમણે ઈ. સ. 1904માં લંડન મિશન સ્કૂલ મિર્ઝાપુરમાં કલાશિક્ષક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પછી ‘કાશી નાગરી પ્રચારણી સભા’માં જોડણીકોશ(હિન્દી શબ્દસાગર)ના કાર્ય માટે સહાયક સંપાદક તરીકે જોડાયા. આ કાર્ય પૂર્ણ થતાં ઈ. સ. 1919માં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં હિન્દીના અધ્યાપક થયા અને 1937થી 1941 સુધી હિન્દી વિભાગના અધ્યક્ષ રહ્યા. ‘હિન્દી શબ્દસાગર’ માટે જે ભૂમિકા એમણે લખી તે 1929માં ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’ નામથી દળદાર ગ્રંથ રૂપે પ્રકાશિત થઈ અને હિન્દીના પહેલા વ્યવસ્થિત સાહિત્યના ઇતિહાસ તરીકે આજે પણ પ્રસિદ્ધ છે. એનું સંશોધિત-સંવર્ધિત સંસ્કરણ ઈ. સ. 1940માં શુક્લજીએ પ્રકાશિત કર્યું હતું. આ ગ્રંથમાં એક વ્યવસ્થિત ઇતિહાસનું માળખું જોવા મળે છે.
એમનો પ્રથમ મૌલિક નિબંધ ‘કવિતા ક્યા હૈ ?’ (1909) પ્રતિષ્ઠિત સાહિત્યિક સામયિક ‘સરસ્વતી’માં પ્રકાશિત થયો. આ નિબંધમાં તેઓ વીસ વર્ષ સુધી સંશોધન કરતા રહ્યા અને 1929માં ફરી પ્રકાશિત કર્યો. ‘ગોસ્વામી તુલસીદાસ’ (1933), ‘મહાકવિ સૂરદાસ’ (1943) જેવા વિવેચનગ્રંથ ક્રમશ: ‘તુલસી ગ્રંથાવલી’ અને ‘ભ્રમરગીત-સાર’ની ભૂમિકા તરીકે લખાયા હતા. ‘ચિન્તામણિ ભાગ 1’ (1939)માં ભાવ અને મનોવિકાર સંબંધી લેખો ઉપરાંત ‘કવિતા ક્યા હૈ ?’, ‘માનસ કી ધર્મભૂમિ’, ‘કાવ્ય મેં લોકમંગલ કી સાધનાવસ્થા’, ‘સાધારણીકરણ ઔર વ્યક્તિવૈચિત્ર્યવાદ’ અને ‘રસાત્મક બોધ કે વિવિધ રૂપ’ જેવા નિબંધો સંકલિત છે. મરણોત્તર પ્રકાશિત ગ્રંથોમાં ‘ચિન્તામણિ ભાગ 2’ (1945), ‘નિબંધસંગ્રહ’ (સં. વિશ્વનાથપ્રસાદ મિશ્ર), ‘જ્રઠ્ઠજ્હ્મજ્દ્વઠ્ઠ’ (1949; સં. વિશ્વનાથ પ્રસાદ મિશ્ર), ‘ચિન્તામણિ ભાગ 3’ (1983, નિબંધસંગ્રહ, સં. નામવરસિંહ) અને ‘ચિન્તામણિ ભાગ 4’ (2002; સં. કુસુમ ચતુર્વેદી)માં રામચંદ્ર શુક્લના અસંકલિત અને અપ્રકાશિત હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલા નિબંધોનું સંકલન છે. ‘મધુસ્રોત’ (1971) એમનો કવિતાસંગ્રહ છે.
રામચંદ્ર શુક્લે ચિંતનપ્રધાન નિબંધને ક્ષેત્રે જે લક્ષ્ય સિદ્ધ કર્યું ત્યાં સુધી અનુગામી નિબંધકાર પહોંચી શક્યા નથી.
શ્રદ્ધા-ભક્તિ, લોભ, પ્રીતિ, ઉત્સાહ, કરુણા, ક્રોધ જેવા મનોવિકાર સંબંધી નિબંધો તેઓ સાહિત્યક્ષેત્રમાં લઈ આવ્યા એમાં એમનો વ્યાપક જીવન-અનુભવ, સૂક્ષ્મ વિશ્લેષણશક્તિ અને પાંડિત્યપૂર્ણ સંવેદનનો મહત્વનો ફાળો છે. પ્રારંભમાં એક સૂત્ર આપ્યા પછી એક એક તથ્યનું સામાસિક શૈલીથી વિશ્લેષણ કરી પોતાના વિચારને પુષ્ટ કરતા જાય છે. ચુસ્ત વાક્યવિન્યાસ અને તત્સમપ્રધાન પરિમાર્જિત ભાષા એમના નિબંધોની આગવી વિશેષતા છે.
હિન્દીના માકર્સવાદી સમીક્ષક ડૉ. રામવિલાસ શર્માએ લખ્યું છે કે જે સ્થાન નવલકથામાં પ્રેમચંદ અને કવિતામાં ‘નિરાલા’નું છે તેવું જ વિવેચનક્ષેત્રે રામચંદ્ર શુક્લનું છે. રામચંદ્ર શુક્લે હિન્દી વિવેચનાને ગુણ-દોષ-વર્ણનથી આગળ લઈ જઈ એનો વ્યવસ્થિત માનદંડ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. સાહિત્યમાં વસ્તુપરકતા, સમગ્રતા અને સામાન્ય(વિશિષ્ટ નહિ)ની પ્રતિષ્ઠાનો આગ્રહ એમની વિવેચનપદ્ધતિના આધારસ્તંભ છે. ‘કાવ્ય મેં લોકમંગલ કી સાધનાવસ્થા’, ‘કવિતા ક્યા હૈ ?’, ‘મહાકવિ તુલસીદાસ’ અને ‘રસમીમાંસા’ જેવા નિબંધો-ગ્રંથોમાં જ નહિ; ‘હિન્દી સાહિત્ય કા ઇતિહાસ’ ગ્રંથમાં કાવ્યવિશેષણમાં આ માનદંડ જોઈ શકાય છે. એમણે ઉક્તિવૈચિત્ર્ય, ચમત્કારવાદ અને કલાવાદનો વિરોધ કર્યો. પશ્ચિમી સાહિત્ય અને સાહિત્યશાસ્ત્રના એ સમયે થતા અંધાનુકરણથી સાહિત્યકારો-વિવેચકોને ચેતવ્યા. ક્રૉચેના અભિવ્યંજનાવાદ અને કવિ યીટ્સની કવિતામાંના રહસ્યવાદની પણ ટીકા કરી હતી. શુક્લજી ઇમ્પ્રેશનિઝમ અને એક્સપ્રેશનિઝમને એકાંગી ગણાવતા હતા. ‘કાવ્ય મેં રહસ્યવાદ’ નિબંધમાં એમણે લખ્યું છે : ‘‘યહ અચ્છી તરહ સમજ રખના ચાહિયે કિ હમારે કાવ્ય કા, હમારે સાહિત્યશાસ્ત્ર કા એક સ્વતંત્ર રૂપ હૈ જિસકે વિકાસ કી ક્ષમતા ઔર પ્રણાલી ભી સ્વતંત્ર હૈ ! ઉસકી આત્મા કો, ઉસકી છિપી હુઈ ભીતરી પ્રકૃતિ કો, પહલે જબ સૂક્ષ્મતા સે પહચાન લેંગે, તભી દૂસરે દેશોં કે સાહિત્ય કે સ્વતંત્ર પર્યાલોચન દ્વારા અપને સાહિત્ય કે ઉત્તરોત્તર વિકાસ કા વિધાન કર શકેંગે. હમેં અપની દૃષ્ટિ સે દૂસરે દેશોં કે સાહિત્ય કો દેખના હોગા; દૂસરે દેશોં કી દૃષ્ટિ સે અપને સાહિત્ય કો નહીં.’’
હિન્દી સાહિત્યના પ્રથમ શિસ્તબદ્ધ ઇતિહાસલેખક, પ્રૌઢ નિબંધકાર અને હિંદી વિવેચનાને આગવું રૂપ આપનારા વિવેચક તરીકે આજે પણ રામચંદ્ર શુક્લ મૂર્ધન્ય સ્થાને પ્રતિષ્ઠિત છે.
આલોક ગુપ્તા