શુક્લ, રાજેન્દ્ર અનંતરાય (. 12 ઑક્ટોબર 1942, બાંટવા, જિ. જૂનાગઢ) : પ્રશિષ્ટ પરંપરાના આધુનિક કવિ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન બાંટવામાં. ઉચ્ચ શિક્ષણ અમદાવાદમાં. સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે 1965માં બી.એ., 1967માં એમ.એ.. વિવિધ કૉલેજોમાં કેટલોક સમય સંસ્કૃતના અધ્યાપક રહ્યા. દાહોદ કૉલેજમાંથી 1982માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને કાવ્યસર્જન તથા પઠન માટે સમયને પ્રયોજતા રહ્યા. બે દીકરાઓને ‘ભીંત વિનાના ભણતર’ દ્વારા જીવનકળાની અર્થપૂર્ણ કેળવણી આપી. પત્ની નયના જાની પણ કવયિત્રી.

‘કોમલ રિષભ’ (1970), ‘અંતર ગંધાર’ (1981) તથા ‘સ્વવાચકની શોધમાં’ (કાવ્યપુસ્તિકા) કાવ્યસંચયો પ્રગટ થયા બાદ લાંબા વિરામ બાદ 2005માં ‘ગઝલસંહિતા’ (1થી 5) ગ્રંથ પાંચ ભાગોમાં પ્રકાશિત થયો. વિપુલ સંખ્યામાં ગઝલો લખી આ સર્જકે ગુજરાતી ગઝલને ઊંચી કવિતાનો દરજ્જો અપાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. રાજેન્દ્ર શુક્લે ગીતો, છાંદસ તથા અછાંદસ કાવ્યોમાં પણ મહત્વનું સર્જનકાર્ય કર્યું છે. એ માટે એમને 1980-81નું ‘ઉમાસ્નેહરશ્મિ પારિતોષિક’ પણ આપવામાં આવેલું.

ઇતિહાસ, જ્યોતિષ, તત્વજ્ઞાન અને સંગીતાદિના વિશેષ અધ્યયનથી પોતાનાં રસરુચિ કેળવનાર આ કવિ એક તરફ પરંપરાને માન આપીને પ્રશિષ્ટ રચનાઓ કરે છે; તો બીજી તરફ આધુનિક યુગનાં વિરતિ, નૈરાશ્ય, વિચ્છિન્નતા આદિનો અનુભવ કરે છે અને એની અભિવ્યક્તિ વાસ્તે કવિતામાં પ્રયોગશીલ વલણો પણ અપનાવે છે. સમૃદ્ધ પરંપરા એમની કવિતાને આંતરબળ આપે છે તો પ્રયોગશીલતા એમની રચનાઓની રૂપરચનાને અસરકારક બનાવે છે. તાજગી અને નવતાનો અનુભવ કરાવતી આ કવિની કવિતા પ્રશિષ્ટ કવિતાની ભારતીય પરંપરાને સમૃદ્ધ કરે છે.

ગીત વગેરેમાં તળચેતનાને અભિવ્યક્તિ આપતો લોકલય અને એવી જ લોકબોલીના મરોડ ધ્યાન ખેંચે છે તો બસ-કાવ્યોમાં નગરચેતનાનો આધુનિક અનુભવ વાચકને સ્પર્શે છે. ‘અવાજ’ જેવી કેટલીક છંદોબદ્ધ રચનાઓમાં ભાવ-સંવેદનાની માવજત કરતી સંસ્કારદીપ્ત તત્સમ પદાવલિ સારી રીતે ખપમાં લેવાઈ છે.

કેટલાક કાવ્યજ્ઞો તત્ત્વાભિનિવેશી આ કવિની સંસ્કૃત પ્રશિષ્ટ કાવ્યપરંપરા સાથે પોતાની રીતે સંવાદ સાધતી કવિની ગઝલોથી પ્રસન્ન થઈને એમને ‘ગઝલર્ષિ’ પણ કહે છે. એમની ગઝલસમૃદ્ધિનો રસાત્મક કોશ તે ‘ગઝલસંહિતા’ (2005). ગુજરાતી કવિતામાં તે મહત્વનું પ્રકાશન છે. એના પાંચ ભાગ આ રીતે ઓળખવામાં આવ્યા છે :

ગ્રંથનામ ભાગ પેટાશીર્ષક
1. ગઝલસંહિતા : પ્રથમ મંડલ : સભર સુરાહી
2. ગઝલસંહિતા : દ્વિતીય મંડલ : મેઘધનુના ઢાળ પર
3. ગઝલસંહિતા : તૃતીય મંડલ : આ અમે નીકળ્યાં
4. ગઝલસંહિતા : ચતુર્થ મંડલ : ઝળહળ પડાવ
5. ગઝલસંહિતા : પંચમ મંડલ : ઘિર આઈ ગિરનારી છાયા

આત્મચેતનાનું ક્રમશ: ઊર્ધ્વારોહણ સૂચવતાં પેટાશીર્ષકો તો છે જ, પણ આ ગઝલો પ્રણય-મસ્તી સાથે અધ્યાત્મને અને જીવનસમેત તત્વચિંતનને ઊંડળમાં લે છે. ગઝલના રૂપસૌષ્ઠવની ચુસ્તી સાથે એનું અંતસ્તત્વ પણ સમૃદ્ધ છે. અહીં ગઝલ કાવ્યત્વ ધારણ કરે છે અને ગઝલત્વને નિભાવવા સાથે ભક્તિપરંપરા-સંત-સૂફી-પરંપરાને ચીંધી આપે છે. ઝૂલણાછંદમાં લખાયેલી ગઝલો નરસિંહનાં પ્રભાતિયાં સાથે અનુસંધાઈને વર્તમાન સમયનો પણ તત્વબોધ કરાવે છે  ને તેય કાવ્યની રીતિમાં રહીને ! સંવેદનાનું વૈવિધ્ય અને રજૂઆતમાં તાજપ/નવતા સાથે માર્મિક અભિવ્યક્તિ સાધતી રાજેન્દ્ર શુક્લની કવિતા ગુજરાતી કવિતાનું મહત્વનું પદાર્પણ બની રહે છે.

મણિલાલ હ. પટેલ