શુક્લ, રમેશચંદ્ર મહાશંકર (. 27 નવેમ્બર 1929, સૂરત) : ગુજરાતી લેખક, સંશોધક, સંપાદક અને વિવેચક. તેમણે 1954માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતીમાં એમ.એ.; 1978માં ગુજરાતીમાં અને 1989માં સંસ્કૃતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. અને 2003માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સ(સંશોધન)ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ 1954થી 1979 સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપક, 1980-87 દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં ગુજરાતી ભાષાસાહિત્યના રીડર; 1987-90 દરમિયાન યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સ્થાપિત એકૅડેમિક સ્ટાફ કૉલેજના સ્થાપક નિયામક; 1991-93 દરમિયાન સાંઈ પ્રકાશન (પ્રા.) લિ., સૂરતના જનરલ મૅનેજર હતા અને હાલ (2006) ચુનીલાલ ગાંધી વિદ્યાભવન સૂરતના માનાર્હ નિયામક છે.

એમનાં 35 વર્ષના અધ્યાપકીય અનુભવની સાથોસાથ ગુજરાતી વિવેચનક્ષેત્રે સાતત્ય, વૈવિધ્ય અને વિપુલતાથી છેલ્લાં 30 વર્ષથી તેઓ સત્વશીલ વિવેચક તરીકે કામ કરતા રહ્યા છે. તેમના વિવેચનકાર્યનાં મુખ્યત્વે ત્રણ સીમાચિહ્નો છે : સૌપ્રથમ કલાપી પરનો એમનો શોધપ્રબંધ ‘કલાપી અને સંચિત’ (1981) મળ્યો. તેના પરિણામ રૂપે ‘સ્નેહાધીન સૂરસિંહ’ (1985); ‘કલાપી પત્રસંપુટ’ (1998), ‘કાશ્મીરનો પ્રવાસ અને કલાપીના સંવાદો’ (1999), ‘કલાપીના સ્વીડનબૉર્ગીય ગ્રંથો’ (1999), ‘કલાપી ઘટના’ (2004) વગેરે ગ્રંથો તેમણે આપ્યા.

ત્યારબાદ સંસ્કૃતમાં ‘સંસ્કૃત સમીક્ષાશાસ્ત્ર’ અને ‘સંસ્કૃત કાવ્યસમીક્ષા’ નામક શોધપ્રબંધો તેમણે આપ્યા. સંસ્કૃત કાવ્યમીમાંસાને નજર સમક્ષ રાખી તેમણે ‘ધ્વનિ’ (1989), ‘પ્રત્યભિજ્ઞા’ (1990), ‘કાવ્યાલંકાર’ (1991) અને ‘કાવ્યમીમાંસા’ (1995)  એ સંસ્કૃતના ગ્રંથો સંશોધનાત્મક ટીકા સાથે આપ્યા. 1992માં ડૉ. ડોલરરાય માંકડના કાવ્યતત્વવિચાર પર મુંબઈ યુનિવર્સિટી યોજિત ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળામાં 5 વ્યાખ્યાનો આપ્યાં.

તેમનો ત્રીજો વિવેચક તરીકેનો શિરમોર સીમાસ્તંભ છે નર્મદના સમગ્ર વાઙ્મયનું સંપાદન અને પ્રકાશન. 1990માં નિવૃત્તિ બાદ તેઓ સૂરતમાં સ્થાયી થયા. ત્યાં નર્મદ યુગાવર્ત ટ્રસ્ટના નેજા હેઠળ તેમણે 10 વર્ષ સુધી ભગીરથ કાર્ય કરીને નર્મદના ગ્રંથોના પ્રકાશનનું કાર્ય યશસ્વી રીતે પાર પાડ્યું. તેમાં ‘નર્મદદર્શન’ (1986), ‘નર્મદવિવેક’, ‘નર્મદવિશેષ’ (2000); ‘પ્રેમશૌર્ય અંકિત નર્મદ’ (2005) ઉલ્લેખનીય છે. તે ઉપરાંત ‘નર્મદ કવિતા, ખંડ 1થી 6’; ‘નર્મગદ્ય ખંડ 1-2’, ‘નર્મકોશ’ (1997); ‘નર્મનાટ્ય અને સંવાદો’ (1999), ‘નર્મવ્યાકરણ’ (2002) વગેરે જાણીતા સંશોધનગ્રંથો છે. ‘ચંદ્રહાસ આખ્યાન’ (1961); ‘અખાના છપ્પા’ (1963); ‘કુંવરબાઈનું મામેરું’ (1964) વગેરે તેમના અન્ય સાથે સંપાદિત પ્રકાશિત ગ્રંથો છે.

તદુપરાંત સ્વતંત્ર રીતે સંપાદિત-પ્રકાશિત સાહિત્યિક વિવેચનના તેમણે 28 ગ્રંથો આપ્યા છે; જેવા કે ‘પ્રેમાનંદ : એક સમાલોચના’ (1965, 82); ‘દશમ સ્કંધ’ (સંપાદન); ‘અભિમન્યુ આખ્યાન’ (1967, 2005) અને ‘કાન્હડે પ્રબન્ધ’ (1972, 2005); ‘નવલરામ’ (1983); ‘Navalram’ (1988); ‘ઙઞ્ઝ્જ્રજ્’ (1992); ભાલણકૃત ‘કાદંબરી’ (1967, 2005); અજ્ઞાત કવિકૃત ‘વસંતવિલાસ’ (1969, 1982, 2005); ‘પ્રલંબિતા’ (1981) અને ‘સવિતાની કવિતા’ (2003) જે તેમની નોંધપાત્ર વિવેચન અને સંપાદનકૃતિઓ છે; જ્યારે ‘ન્હાનાલાલ અધ્યયનગ્રંથ’ (1977); ‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ (ચિત્રસંપુટ, 1989); ‘સૌહાર્દ : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી’ (2003) અને ‘મહેતાજી દુર્ગારામ મંછારામ ચરિત્ર’ (2003) તેમની જાણીતી સંપાદિત કૃતિઓ છે.

તેમના સંશોધન-વિવેચનલેખોના સંગ્રહોમાં ‘અનુવાક્’ (1976); ‘અનુસર્ગ’ (1979); ‘અન્વર્થ’ (1981); ‘અનુમોદ’ (1984); ‘સંભૂતિ’ (1984); ‘સંપશ્યના’ (1997); ઉમર ખય્યામની રુબાઇઓ (તુલનાત્મક અધ્યયન) (2004)નો સમાવેશ થાય છે.

તેમના ગુજરાતી સાહિત્યમાંના આવા મહત્વના પ્રદાન બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કારો 1989; ક્રાન્તિવીર નર્મદ પુરસ્કાર 1996-97; ધનજી કાનજી પ્રેરિત સુવર્ણચંદ્રક; મેક્સમૂલર ઇન્ટરનેશનલ ઍવૉર્ડ 2003; ગુજરાત ગૌરવ પુરસ્કાર 2004 અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા વિશિષ્ટ સેવા સન્માન 2005 પ્રાપ્ત થયાં છે.

રમેશ ઓઝા