શુક્લ, યશવંત પ્રાણશંકર
January, 2006
શુક્લ, યશવંત પ્રાણશંકર (જ. 8 એપ્રિલ 1915, ઉમરેઠ, જિ. ખેડા; અ. 23 ઑક્ટોબર 1999, અમદાવાદ) : વિવેચક, પત્રકાર, અનુવાદક. એમનું પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં થયું. વધુ અભ્યાસ માટે તેમણે ઉમરેઠ છોડ્યું અને અમદાવાદમાં હૉસ્ટેલમાં રહીને ન્યૂ હાઈસ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો. ઈ. સ. 1932માં ન્યૂ હાઈસ્કૂલમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. એ સમયે ટ્યૂશનો કરીને તેઓ અર્થોપાર્જન કરતા રહ્યા હતા. અને ભવિષ્યમાં શિક્ષક થવાનો આદર્શ મન સમક્ષ રાખ્યો હતો. મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસના વિષયો સાથે ઈ. સ. 1936માં બી.એ.ની પરીક્ષામાં પાસ થયા. એ પછી તેમણે સૂરતની એમ.ટી.બી. કૉલેજમાંથી એમ.એ.માં ગુજરાતી અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ.ની પરીક્ષા પસાર કરી. એ દરમિયાન સૂરતમાં સુપ્રસિદ્ધ વિવેચક વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપર્કમાં તેઓ આવ્યા અને તે સંપર્ક ગાઢ બનતો ગયો. યશવંત શુક્લના જીવનના વિકાસમાં પણ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો ખૂબ મહત્વનો ફાળો હતો.
એમ.એ.ની પરીક્ષા પસાર કર્યા પછી તેઓ ‘પ્રજાબંધુ’માં (‘ગુજરાત સમાચાર’ તરફથી પ્રગટ થતું સાપ્તાહિક) ઉપતંત્રી તરીકે જોડાયા. ત્યાં પ્રસિદ્ધ નવલકથાકાર ચુનીલાલ વર્ધમાન શાહ મુખ્ય તંત્રી હતા. તેમના હાથ નીચે તેમને મુદ્દાસર લખવાની તાલીમ મળી અને ‘પ્રજાબંધુ’માં તેમણે નવાં પ્રગટ થતાં પુસ્તકોની સમીક્ષા ઉપરાંત સંસારના-સમાજના પ્રશ્નોની ચર્ચા કરતી કૉલમ પણ ‘સંસારશાસ્ત્રી’ના તખલ્લુસથી શરૂ કરી.
એ દરમિયાન ગુજરાત કૉલેજમાં ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે પણ તેમણે સેવા આપી અને એ પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ, ભારતીય વિદ્યાભવન આદિ સંસ્થાઓમાં પણ તેમણે પ્રોફેસર, રીડર તરીકે જવાબદારી સંભાળી. આ બધા સમય દરમિયાન તેમના અધ્યાપન સાથે સાહિત્યના તાણાવાણા દૃઢપણે ગૂંથાઈ ગયા હતા. એક રીતે કહીએ તો શિક્ષણ અને સાહિત્ય એમના જીવનનાં અવિભાજ્ય અંગ હતાં.
મુંબઈમાં કેટલોક સમય નોકરી કરી તેઓ પાછા અમદાવાદ આવ્યા અને ત્યારબાદ અમદાવાદ જ તેમની કર્મભૂમિ બની રહી. અમદાવાદમાં બે મોટી શિક્ષણસંસ્થાઓ ગુજરાત વિદ્યાસભા અને ભો. જે. વિદ્યાભવન ગાઢપણે સંકળાયેલી હતી. યશવંતભાઈએ બંને સંસ્થાઓમાં ક્રમશ: પ્રાધ્યાપક તરીકેની જવાબદારીઓ સંભાળી અને એક કાબેલ, નિષ્ઠાવાન પ્રાધ્યાપક તરીકે પોતાની પ્રતિભા સિદ્ધ કરી. ગુજરાત વિદ્યાસભાએ પત્રકાર માટેના વર્ગો શરૂ કર્યા તેમાં પણ તેમની પ્રતિભા ઝળકી ઊઠી. એમની સંસ્થાનો પત્રકાર-વિભાગ બેનમૂન બની રહ્યો. ગુજરાત વિદ્યાસભાએ નાટ્યવિદ્યાનો અભ્યાસક્રમ આપ્યો. તેમાંયે તેઓ અગ્રણી રહ્યા અને ‘નટમંડળ’માં ભજવવા માટે હેન્રિક ઇબ્સનના ‘ધ લેડી ફ્રૉમ ધ સી’ના અંગ્રેજી અનુવાદનો ગુજરાતીમાં ‘સાગરઘેલી’ શીર્ષકથી અનુવાદ કરી આપ્યો.
ઈ. સ. 1950થી તેમણે એક તેજસ્વી શિક્ષણકાર તરીકે યુનિવર્સિટીમાં સેનેટના સભ્ય તરીકે સહયોગ આપવા માંડ્યો. યુનિવર્સિટીની અનેક શાખાઓમાં અધિકૃત મંડળોમાં તેમણે મહત્વની કામગીરી બજાવી. ઈ. સ. 1955માં ગુજરાતમાં પહેલી ગુજરાતી માધ્યમની કૉલેજ શ્રી રામાનંદ મહાવિદ્યાલય (હાલની હ. કા. આર્ટ્સ કૉલેજ) સ્થપાઈ ત્યારે તેમણે તેમાં આચાર્યપદ સંભાળ્યું. આ બધા સમય દરમિયાન તેમની તેજસ્વી સાહિત્યપ્રવૃત્તિ સમાંતરે જ ચાલી રહી હતી.
હ. કા. આર્ટ્સ કૉલેજમાં ત્રેવીસ જેટલાં વર્ષ – ઈ. સ. 1955થી ઈ. સ. 1978 – તેમણે આચાર્યપદનો કાર્યભાર સંભાળ્યો. વચમાં એકાદ વર્ષ ઈ. સ. 1974માં તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કુલપતિપદ પણ સંભાળ્યું. ગુજરાત વિદ્યાસભામાં તેમની શૈક્ષણિક અને સાહિત્યિક પ્રતિભા સતત વિકસતી જ રહી. વિદ્યાસભા સાથે સંલગ્ન બ્રહ્મચારી વાડી તેમજ અન્ય સંસ્થાઓમાં પણ તેમણે યોગદાન કર્યું.
ગુજરાત વિદ્યાસભાનું મુખપત્ર ‘બુદ્ધિપ્રકાશ’ એક જૂનામાં જૂનું સામયિક કવિ દલપતરામના તંત્રીપદે શરૂ થયેલું. એ સામયિકમાં મુખ્ય સંપાદક તરીકે પણ તેમણે મહત્વની કામગીરી બજાવી.
યશવંત શુક્લની સાહિત્યપ્રવૃત્તિ મુખ્યત્વે વ્યાખ્યાનો દ્વારા અને ‘સંદેશ’ સામયિકમાં અવારનવાર વિવેચન-લેખો દ્વારા વિસ્તરતી-વિકસતી રહી હતી. પણ એમનાં સાહિત્ય-પ્રકાશનો છેક ઈ. સ. 1980થી પ્રગટ થવા માંડ્યાં.
‘કેન્દ્ર અને પરિઘ’ (1980) તેમનાં વ્યાખ્યાનો અને નિબંધ-લેખોનો સંચય છે. એ પછી એમના ‘ઉપલબ્ધિ’ પુસ્તકમાં તેમના સમર્થ સાહિત્ય-વિવેચનના લેખો છે. એમાં સાહિત્યતત્વ વિશેની તેમની સૂક્ષ્મ સમજ તો છે જ; પણ એક સહૃદય, તટસ્થ વિવેચક તરીકે પણ તેમની પ્રતિભાનો ઉન્મેષ તેમાં જોવા મળે છે. યશવંત શુક્લની પ્રતિષ્ઠા ગુજરાતના એક સમર્થ વિવેચક તરીકે કારકિર્દીના આરંભથી જ રહી છે. એક વિવેચક તરીકે તે માત્ર સાહિત્યના ક્ષેત્રના જ નહિ, સમાજશાસ્ત્ર, રાજકારણ, માનસશાસ્ત્ર આદિ ક્ષેત્રના પણ પ્રખર અભ્યાસી હતા. ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય-વિવેચનના તેઓ ઊંડા અભ્યાસી હતા. ‘શબ્દાન્તરે’ (1984) એમના વિવેચન-લેખોનો બીજો એક સ્મરણીય સંગ્રહ છે. સાહિત્ય-વિવેચન ઉપરાંત તેમણે અનેક ક્ષેત્રોમાં યશસ્વી ખેડાણ કર્યું છે. ‘ક્રાંતિકાર ગાંધીજી’(1980)માં ગાંધીવિચાર વિશેની તેમની ઊંડી સમજ તદ્વિષયક બે વ્યાખ્યાનોમાં પ્રગટ થાય છે.
યશવંત શુક્લે એક અનુવાદક તરીકે પણ પોતાની શક્તિનો પરચો આપી દીધો છે. ‘સાગરઘેલી’ (1964) અનુવાદ તો ખરો જ, તે ઉપરાંત મેકિયાવેલીના ‘ધ પ્રિન્સ’નો અનુવાદ ‘રાજવી’ અને બર્ટ્રાન્ડ રસેલના ‘ધ પાવર’નો અનુવાદ (1970) ‘સત્તા’ જાણીતા છે.
તેમનાં સંપાદનોમાં ‘તોલ્સ્તૉયની વારતાઓ’ (1935) અને ‘ઉમાશંકરની વારતાઓ’ (1973) વગેરેનો સમાવેશ થાય છે. તેમની કારકિર્દીના અંતભાગમાં વિચારસમૃદ્ધ લેખોના ત્રણ સંગ્રહો ‘કંઈક વ્યક્તિલક્ષી, કંઈક સમાજલક્ષી’ (1996), ‘સમય સાથે વહેતાં’ (1996) અને ‘પ્રતિસ્પંદ’ (1996) પ્રગટ થયા હતા.
યશવંત શુક્લે ચીનનો પ્રવાસ (1965) ત્યાંની સંસ્કૃતિના સંદર્ભે ખેડ્યો હતો અને ઇંગ્લૅન્ડમાં પણ સાહિત્યસમારંભમાં (1991) અતિથિ-વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ (ઈ. સ. 1983-1985) તેમણે સંભાળ્યું હતું. ગુજરાત સાહિત્ય સભાના તેઓ આજીવન ઉપપ્રમુખ રહ્યા હતા.
તેમને ઈ. સ. 1985માં નર્મદ સુવર્ણચંદ્રક અને ઈ. સ. 1992માં રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા.
મધુસૂદન પારેખ