શુક્લ, ચંદ્રશંકર પ્રાણશંકર (. 1901, ગોધરા, પંચમહાલ; . 16 ઑક્ટોબર 1953) : ગાંધીયુગના ઉત્તમ અનુવાદકોમાંના એક. મૅટ્રિક 1919માં. 18 વર્ષની ઉંમરે ગાંધીજીથી પ્રભાવિત થઈ ગોધરાના હરિજન આશ્રમમાં જઈને એના સંચાલક મામાસાહેબ ફડકેના કામમાં તેઓ મદદ કરવા લાગ્યા. ‘હરિજનબંધુ’ના પહેલા તંત્રી. તેઓ ‘હિંદુસ્તાન’ના તંત્રીપદે તેમજ ભારતીય વિદ્યાભવનના મહામાત્રપદે પણ હતા. ગાંધી સ્મારક ટ્રસ્ટમાં ગાંધીજીને લગતી ફિલ્મોના વિભાગ સાથે તેઓ સંલગ્ન હતા.

1920ના અસહકાર આંદોલનમાં એમણે કૉલેજના અભ્યાસનો ત્યાગ કર્યો અને કાકાસાહેબ કાલેલકર તથા સ્વામી આનંદના સંપર્કમાં આવ્યા. ગાંધીજીએ પોતાના આશ્રમમાં એક રાષ્ટ્રીય શાળા શરૂ કરી હતી. એમાં શિક્ષક તરીકે ચંદ્રશંકરભાઈ જોડાઈ ગયા. ગાંધીજીએ 1919માં ‘નવજીવન’ સાપ્તાહિક સામયિક શરૂ કરેલું. તેમાં પણ તેઓ પોતાની સેવાઓ આપવા લાગ્યા.

ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં 1928માં કાકાસાહેબ કાલેલકર આચાર્ય થયા ત્યારે ચંદ્રશંકરભાઈ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા અને ગ્રંથાલયના ગ્રંથપાલ તરીકે પણ સેવાઓ આપવા માંડ્યા. આ ઉપરાંત ચંદ્રશંકરભાઈએ બીજે વર્ષે ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત થયેલા ગુજરાતી ભાષાના જોડણીકોશના સંપાદનમાં પણ સહાય કરી હતી.

1933માં ગાંધીજીએ ‘હરિજન’ નામથી ત્રણ ભાષામાં સામયિકો શરૂ કર્યાં. એનાં સંપાદનમાં પણ ચંદ્રશંકરભાઈ મદદ કરતા હતા. આ વર્ષો દરમિયાન એમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ અનુવાદો આપ્યા. ખાસ કરીને એમણે ડૉ. રાધાકૃષ્ણન્ના મહત્વપૂર્ણ ગ્રંથોના સુંદર ગુજરાતી અનુવાદો આપ્યા છે. એમાં ખાસ કરીને ધર્મ અંગેના ગ્રંથો અને મહાત્મા ગાંધી વિશેના ગ્રંથો ઉલ્લેખનીય છે. વળી કનૈયાલાલ મુનશી, આચાર્ય કૃપાલાની, ટૉલ્સ્ટૉય વગેરેના ગ્રંથોના ઉત્તમ અનુવાદો પણ ગુજરાતીમાં એમણે આપ્યા છે.

વિષયોની રીતે જોઈએ તો ધર્મ અને તત્વજ્ઞાનના સૌથી મહત્વના અનુવાદો એમણે આપ્યા છે. વેદ, ગીતા, ઉપનિષદને લગતા ગ્રંથોના એમના અનુવાદો ઉત્તમ છે. ગાંધીજી અંગેના લગભગ 8 ગ્રંથો એમણે અનુવાદ કરીને આપ્યા છે, જેમાં લૂઈ ફિશરનું પુસ્તક ‘ગાંધીજી સાથે અઠવાડિયું’ તથા શ્રીમન્નારાયણનું ‘ગાંધીવાદી આર્થિક યોજના’ મહત્વના ગ્રંથો છે.

એમણે સુંદર ચરિત્રગ્રંથોના અનુવાદ પણ કર્યા છે. ડૉ. રાધાકૃષ્ણનના ગાંધીજી વિશેના બે ચરિત્રગ્રંથો ઉપરાંત મહાદેવભાઈ દેસાઈનું પુસ્તક ‘મૌલાના અબુલ કલામ આઝાદ’ તથા રોમે રોલાનું ‘રામકૃષ્ણ પરમહંસ’ પુસ્તક ખાસ ઉલ્લેખનીય છે.

‘સીતાહરણ’ (1923), ‘મંદિરપ્રવેશ અને શાસ્ત્રો’ (1947) તથા ‘ઉપનિષદોનું તત્વજ્ઞાન’ (1949) એમના મૌલિક ગ્રંથો છે.

ડૉ. રાજેન્દ્રપ્રસાદનું ‘રચનાત્મક કાર્યક્રમ – કેટલીક સૂચનાઓ’ તથા આચાર્ય કૃપાલાનીનું ‘રચનાત્મક રાજકારણ’  એ મહત્વપૂર્ણ અનુવાદો છે. ટૉલ્સ્ટૉયનું ‘ચૂપ નહિ રહેવાય’ અને એલ.પી. જેક્સનું ‘યંત્રો સામે બળવો’ (1948) પણ એટલાં જ અગત્યનાં પુસ્તકો છે.

ઇજિપ્ત વિશેના તેમના બે અનૂદિત ગ્રંથો ‘પિરામિડની છાયામાં’ (1943) અને ‘મિસરનું પ્રાચીન સાહિત્ય’ (1956) એ દેશને સમજવા માટે ઉપયોગી છે. આર. બી. ગ્રેગનું ‘અહિંસાની તાલીમ’ (1942) અને ‘ચીનનો અવાજ’ (1947) પણ એમના મહત્વના અનુવાદો છે.

વાર્તાસાહિત્યમાં ‘ટૉલ્સ્ટૉયની વાર્તાઓ’, ‘કનક નદીનો રાજા’ અને ‘સીતાહરણ’ એમના મહત્વપૂર્ણ ગ્રંથો કહી શકાય. જવાહરલાલ નહેરુનું ‘ભારતની એકતા’ અને ડૉ. રાધાકૃષ્ણનનું ‘યુવાનોની સંસ્કારસાધના’ એમના ઉપયોગી અનુવાદો છે.

ચંદ્રશંકરે 53 વર્ષની ઉંમરમાં જે ઉત્તમ અનુવાદો આપ્યા, તેને કારણે અનુવાદકોમાં એમનું નામ આજેય સ્મરણીય છે.

દશરથલાલ શાહ